મોદીએ એક જ રાતમાં ચોકઠાં ગોઠવ્યાં?:પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના પૂર્વમંત્રીને મોટી જવાબદારીની ઓફર કરી; મોદી પોતાની જૂની કેબિનેટને મળતાં જ સોપો

📅 Published: November 15, 2026 | 📂 Category: gujarati-news

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા. રાત રોકાયા. નવા અને જૂના નેતાઓને મળ્યા. પણ મોદીના આવ્યા પહેલાં અને મોદીના દિલ્હી ગયા પછી ઘણા મંત્રીઓને ‘ફડકો’ પડેલો છે. ક્યાંક મોદી ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર ન કરી નાખે… ગુજરાતના મંત્રીમંડળના ધબકારા એટલા માટે વધી ગયા છે કે મોદીએ ગુજરાતમાં આવતાં પહેલાં પોતાની કેબિનેટમાં રહેલા મંત્રીઓને ફોન કરીને એરપોર્ટ, સીએમ હાઉસ મળવા બોલાવ્યા. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે-જે નેતાઓ મંત્રી તરીકે હતા અથવા ભાજપ સંગઠનમાં આગળ પડતા હતા તે અચાનક લાઈમ લાઈટમાં આવી ગયા. એના કારણે વર્તમાન મંત્રીઓને રીતસરની ફાળ પડી. કારણ કે જે નેતાઓ નરેન્દ્રભાઈની નીતિને ઓળખે છે તે જાણે છે કે મોદી કોઈપણ પગલું સમજ્યા વિચાર્યા વગર ભરતા નથી. જૂના નેતાઓને મળવા બોલાવ્યા તેની પાછળ ચોક્કસ ગણિત હોવું જોઈએ. તેનાથી પણ મોટી વાત જાણવા મળી. ગુજરાતના જ એક પૂર્વ મંત્રીને દિલ્હીથી પૂર્વ કેન્દ્રીય મંત્રીનો ફોન આવ્યો. સરકારમાં નવી અને મોટી જવાબદારીની ઓફર કરી દીધી. એનો મતલબ એવો થયો કે એવા નેતાઓનો અસંતોષ ઠારવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેના આધારે એક સમયે ગુજરાતમાં ભાજપ અડીખમ હતો. આ જ નેતાઓ ભાજપને અડિખમ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે, આ ક્ષમતા નવાસવા મંત્રીઓમાં નથી, તે વાત નકારી શકાય તેમ પણ નથી. ગુજરાતના પૂર્વમંત્રીને કઈ મોટી જવાબદારીની ઓફર થઈ? નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે નેતાઓ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તે અત્યારે ક્યાંય પિક્ચરમાં નથી. પણ હવે આ નેતાઓ યાદ આવ્યા છે. થોડા દિવસ પહેલાં દિલ્હીથી પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના એક પૂર્વમંત્રીને ફોન ઘુમાવ્યો. ગુજરાતના પૂર્વમંત્રીએ ફોન રિસિવ કર્યો ને સામેથી નામ સાંભળ્યું તો આશ્ચર્ય થયું. કોઈ દી’ નહીં ને આજે આમણે કેમ ફોન કર્યો? ગુજરાતના પૂર્વમંત્રીએ ફોન રિસિવ કર્યો. સામેથી કેન્દ્રના પૂર્વ મંત્રીએ હિન્દીમાં ખબર અંતર પૂછ્યા. કૈસે હૈં આપ? ક્યા હાલચાલ હૈ ગુજરાત કે? શરૂઆતમાં એમ થયું કે ખબર અંતર પૂછીને ફોન મૂકી દેશે, પછી કેન્દ્રના પૂર્વમંત્રીએ હળવેકથી મૂળ વાત મૂકી. તેમણે નરેન્દ્રભાઈનો આડકતરો મેસેજ આપતાં વાત કરી. કેન્દ્રના મંત્રીએ કહ્યું, આપ સિનિયર હૈ, કાફી એક્સપેરિયન્સ હૈ. પાર્ટી ચાહતી હૈ કિ આપકો નઈ ઝીમ્મેદારી દી જાયે. ગુજરાતના પૂર્વમંત્રીને પણ નવાઈ લાગી. આટલા લાંબા સમય પછી યાદ કરીને જવાબદારી આપવાની વાત કેમ કરી હશે…. સામે છેડેથી વાત ચાલુ રહી. કહ્યું, અલગ અલગ રાજ્યોના વિકાસ માટે કાઉન્સિલની રચના કરી છે અને તેમાં તમને મહત્વની જવાબદારી આપવા માગીએ છીએ. ગુજરાતના પૂર્વમંત્રીએ તો કહી દીધું, મારા માટે તો ગુજરાત ભલું. મારે કોઈ બીજા રાજ્યોમાં જવાની ઈચ્છા નથી. દિલ્હીથી પૂર્વમંત્રીએ વાત લંબાવી. કહ્યું, તમે ધારો છો તેના કરતાં અનેકગણું મોટું બજેટ છે. બહુ જ મોટું… આંકડો કહીશ તો ચોંકી જશો. છતાં ગુજ્જુ મંત્રીએ વિનમ્રતાથી ના પાડી કે, બીજા રાજ્યોમાં મને નહીં ફાવે. માફ કરશો. ટૂંકમાં, ગુજરાતમાં મોદી સરકાર વખતે મંત્રી રહી ચૂકેલા નેતાને ફોન આવવો, એરપોર્ટ પર કે સીએમ આવાસ પર પોતાના સમયની કેબિનેટના મંત્રીઓને અને એ સમયના સંગઠનના નેતાઓને બોલાવીને મળવું તે નક્કી કોઈ સંકેત છે. મોદીએ જૂના નેતાઓને શું કહ્યું? વાત રહી જૂના નેતાઓની. તો મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જેટલા મંત્રીઓ હતા તેમાંથી મોટાભાગના હાંસિયા બહાર છે. પણ એ લોકોને મોદીની નીતિ-રીતિની ખબર છે. ગુજરાતમાં મોદીની સરકાર હતી ત્યારે કેવી રીતે કામ થતું ને હવે કેવી રીતે કામ થઈ રહ્યાં છે, ક્યાં ખાડો છે ને ક્યાં ખીણ છે, જૂના નેતાઓ બધું જ જાણે છે. એટલે મોદીએ ગુજરાતમાં એન્ટ્રી કરતાં પહેલાં જ પોતાનો ભૂતકાળ જીવંત કર્યો હોય તેમ એ સમયના મંત્રીઓને મળવા બોલાવી લીધા. કોઈને એરપોર્ટ પર વેલકમ કરવા બોલાવ્યા, કોઈને સીએમ હાઉસ બોલાવ્યા તો કોઈને એરપોર્ટ પર સી-ઓફ કરવા બોલાવ્યા. એક સમયે ગુજરાતના ગૃહમંત્રાલયમાં ગૃહમંત્રી તરીકે જેમનો ડંકો વાગતો હતો તેવા પ્રદીપસિંહ જાડેજાને પણ ફોન ગયો હતો કે ‘’સાહેબ યાદ કરે છે…’’ પણ બાપુ પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી હાજર રહી શક્યા નહીં. અંદરખાનેથી એવી વાત જાણવા મળી છે કે વડાપ્રધાન મોદીએ પોતાના સમકાલિન મંત્રીઓને બોલાવ્યા ખરા પણ દરેક સાથે ‘અમુક ચર્ચા’ ન કરી. કેટલાકને પૂછ્યું કે શું ચાલે છે? બધું બરાબર ને? પરિવાર શું કરે છે? વગેરે વગેરે… પણ આંગળીના વેઢે ગણી શકાય તેવા મંત્રીઓને મળ્યા. એમાંના કેટલાક મંત્રીઓ સાથે અમે વાત કરી તો જાણવા મળ્યું કે, મોદી સાહેબ તો ગુજરાતના રાજકારણને લઈને ચિંતામાં છે. તેમણે સરકારની અને સંગઠનની કામગીરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મોદીએ જૂના જોગીઓને 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ કરવા માટે કહ્યું. સરકારની અલગ અલગ યોજના લોકો સુધી ખૂબ જ ઝડપથી અને છેવાડાના માણસો સુધી પહોંચાડવા વાત કરી છે. જેના માટે ડિજિટલ મીડિયોનો મહત્તમ ઉપયોગ કરવાની શિખામણ પણ આપી. સવાલ એ છે કે પોતાના સમયના જૂના મંત્રીઓને અને એ સમયના ભાજપના નેતાઓને બોલાવીને ચર્ચા કરી, આવતા વર્ષની ચૂંટણી માટે તૈયારી કરવા કહ્યું તેનાથી વર્તમાન (નવા) મંત્રીઓમાં શું મેસેજ ગયો? નરેન્દ્ર મોદીને જે ઓળખે છે તે થોડામાં ઘણું સમજી ગયા છે, પણ જે તેમની પદ્ધતિને નથી ઓળખતા તેમને હજી પણ આફરો ચડેલો છે. સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત વડાપ્રધાન મોદીને સરકાર અને સંગઠનની લોકો પરની ઢીલી પડેલી પક્કડને લઈને ચિંતા છે. કારણ કે સરકાર અને સંગઠન વચ્ચે હજુ જોઈએ એવો તાલમેલ બેસતો નથી. રાજકીય તજજ્ઞો કહે છે કે અત્યારે જે ટીમ છે તેને લઈને ચૂંટણીમાં જવું એટલે ભાજપને થોડું નુકસાન થઈ શકે છે. સોશિયલ મીડિયા પર પણ એન્ટિઈન્કમબન્સીની રીલ્સ અને ટ્વિટની ભરમાર છે. તેમાંય દિલ્હીમાં થયેલા જેન-ઝી પ્રદર્શનો પછી મોદી સરકાર દરેક રાજ્ય પર વધારે ફોકસ કરી રહી છે. તેમાં ય ગુજરાત તો ભાજપનો ગઢ છે એટલે મોદી ગુજરાત માટે ગંભીર છે. આ વખતે ચૂંટણી પહેલાં મોદી મેદાનમાં આવ્યા છે. જે રીતે મોદી પોતાની જૂની કેબિનેટને મળ્યા, તે જોતાં એવું લાગે છે કે ટૂંક સમયમાં જ સરકારમાં તેમજ સંગઠનમાં કેટલાક મોટા ફેરફારો થઈ શકે તેમ છે. કેમકે આ અગાઉ વડાપ્રધાન મોદીએ ક્યારેય આ પ્રકારની ડીનર ડીપ્લોમસી ગુજરાતમાં કરી નથી. લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે કે, મોદી સરકાર વખતના જૂના મંત્રીઓ અને નેતાઓ લોકો સાથે જોડાયેલા રહેતા હતા. અત્યારના મંત્રીઓ લોકો સાથે કનેક્ટ નથી. આગામી ચૂંટણીમાં કેટલાક જૂના નેતાઓ અને મંત્રીઓનો પણ ઉપયોગ કરવામાં આવે અને તેમાંથી કેટલાકને ફરીથી લાવવામાં આવે એવી પણ શક્યાતાઓ છે. જૂના નેતાઓ હજુ પણ લોકો વચ્ચે જઈ રહ્યા છે, તેમનો ઉપયોગ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા એ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમને સી-ઓફ કરવા માટે ગયા હતા. એ સમયે આ બંને મહાનુભાવોના ચહેરા ઉતરેલા જણાઈ આવતા હતા. સામાન્ય રીતે બંને નેતાઓ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હોય છે પરંતુ આ વખતે બંનેના ચહેરા પરની મુદ્રા ગંભીર હતી. મોદીએ એક જ રાત ગુજરાતમાં રહીને બાજી પલટવા ચોકઠાં ગોઠવી લીધા હોય એવું લાગે છે. —————— આ પણ વાંચો… PMએ ચાલુ ડિનરમાં ઉભા થઈ મંત્રીઓ સાથે શું વાત કરી?: એરપોર્ટ પર જૂના જોગીઓ સાથે બેઠક, મંત્રી ભવનમાં સૌરભ દલાલની અચાનક એન્ટ્રી; મોદીની ગુજરાત મુલાકાતમાં શું રંધાયું? PM મોદી ગુજરાતની મુલાકાત લઈ દિલ્હી પરત પહોંચી ગયા છે. વડાપ્રધાનની આ મુલાકાત આમ તો ટૂંકી હતી, પરંતુ તે દરમિયાન ઘણી એવી ઘટનાઓ ઘટી જેને બધાનું ધ્યાન ખેંચ્યું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું. ડિનર દરમિયાન વડાપ્રધાન મોદી માત્ર એક જ જગ્યાએ બેસી રહ્યા નહોતા, પરંતુ મંત્રીઓના ટેબલ પર જઈને તેમની સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર —————- આ પણ વાંચો… જૂના જોગીઓને બોલાવીને મોદીએ સોગઠી ફેંકી: CM નિવાસસ્થાને PMએ ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક યોજી, સંગઠન અને સરકારના વર્તમાન નેતાઓને સંકેતો આપ્યા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજી હતી. જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ વડાપ્રધાન બેઠક અને ભોજન પૂર્ણ કરી લોકભવન પહોંચ્યા હતા, જ્યાં તમામ મંત્રીઓ પોતપોતાના નિવાસસ્થાને રવાના થયા હતા. બેઠકમાં ઉપસ્થિત સંગઠનના નેતાઓ અને હોદ્દેદારો પણ બેઠક પૂર્ણ થયા બાદ રવાના થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *