Vadodara: મકરપુરા રેલવે સ્ટેશન પર કરૂણ ઘટના; રીલ બનાવવાના ચક્કરમાં માલગાડીના કન્ટેનર પર ચઢેલા યુવકને લાગ્યો વીજ કરંટ

📅 Published: November 15, 2026 | 📂 Category: Baroda

સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે જોખમી સ્ટંટ કરીને ‘રીલ’ બનાવવાનો ક્રેઝ યુવાનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આવી જ એક અત્યંત ચોંકાવનારી અને કરૂણ ઘટના વડોદરા શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પર સામે આવી છે. અહીં માલગાડીના કન્ટેનર પર ચઢેલા 18થી 20 વર્ષની વયના એક યુવકને ઓવરહેડ વીજ લાઈનનો જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી ગંભીર રીતે દાઝી ગયેલો યુવક કલાકો સુધી કન્ટેનર પર જ પડ્યો રહ્યો હતો. આ ઘટનામાં યુવકનું કરૂણ મોત નીપજતા પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતની નોંધ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

રીલ બનાવવાના ચક્કરમાં કન્ટેનર પર ચઢ્યાની આશંકા

મકરપુરા રેલવે સ્ટેશન પર ઊભેલી માલગાડીના કન્ટેનર પર 18થી 20 વર્ષનો એક યુવક ચઢ્યો હતો. કન્ટેનર પર ચઢતાની સાથે જ તેને ઉપરથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનનો કરંટ લાગ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો.પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવક સોશિયલ મીડિયા માટે વીડિયો કે રીલ બનાવવાના ચક્કરમાં કન્ટેનર પર ચઢ્યો હતો. જોખમી સ્ટંટ કરવા જતાં યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો અને કરંટ લાગ્યા બાદ તે કલાકો સુધી કન્ટેનર પર જ રહ્યો હતો.

પોલીસ તપાસ બાદ સાચું કારણ સામે આવશે

 મૃતક યુવક વડોદરાના માણેજા ક્રોસિંગ સ્થિત ‘શિવા બી લક્ઝુરિયાઝ’ (Shiva B Luxurious) નો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. યુવકનું મોત નીપજતા રેલવે અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. યુવક ખરેખર રીલ બનાવવા માટે કન્ટેનર પર ચઢ્યો હતો કે અન્ય કોઈ કારણ હતું, તે અંગેનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

આ પણ વાંચો: Chhota Udepur: બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ જોડાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *