WPL 2027માં મોટો ફેરફાર! મુંબઈની તમામ 11 મેચ હવે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે

📅 Published: November 15, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા પ્રીમિયર લીગ (WPL) 2027ને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટની મુંબઈ લેગ હવે બ્રેબોર્ન સ્ટેડિયમને બદલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ ફેરફારમાં લીગની નવ મેચ ઉપરાંત એલિમિનેટર અને ફાઇનલનો પણ સમાવેશ થાય છે. એટલે કે WPL 2027ની કુલ 11 મેચ વાનખેડેમાં રમાશે. 

ICCની ટૂર્નામેન્ટને કારણે સ્થળ બદલાયું

મુંબઈની બ્રેબોર્ન સ્ટેડિયમ અગાઉ WPL 2027ની બીજી લેગની યજમાની કરવાનું હતું. જોકે, આ મેદાન પર 14 ફેબ્રુઆરી 2027થી પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પણ થવાનું છે. WPLની ફાઇનલ 7 ફેબ્રુઆરીએ રમાવાની છે. એટલે બંને ટૂર્નામેન્ટ વચ્ચે મેદાનની પીચને ફરી તૈયાર કરવા માટે પૂરતો સમય મળતો નહોતો. આ કારણસર ICCએ બ્રેબોર્નમાં યોજાનારી મેચો અન્ય સ્થળે ખસેડવાની વિનંતી કરી હતી. BCCIની WPL સમિતિએ આ ફેરફારને મંજૂરી આપી છે. 

26 જાન્યુઆરીથી મુંબઈમાં મેચો

WPL 2027ની શરૂઆત 14 જાન્યુઆરીએ વડોદરામાં થશે. અહીં પ્રથમ 11 મેચ રમાશે. ત્યાર બાદ 26 જાન્યુઆરીથી ટૂર્નામેન્ટ મુંબઈ પહોંચશે. મુંબઈની લેગમાં 26 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી લીગ તબક્કાની નવ મેચ રમાશે. 5 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 7 ફેબ્રુઆરીએ ફાઇનલ યોજાશે. આ બંને નિર્ણાયક મેચો પણ વાનખેડે સ્ટેડિયમમાં જ રમાશે. તમામ મેચો ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. 

વાનખેડેમાં પહેલીવાર WPLની મેચો

મુંબઈમાં અગાઉ WPLની મેચો બ્રેબોર્ન સ્ટેડિયમ અને નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાઈ ચૂકી છે. પરંતુ વાનખેડે સ્ટેડિયમ પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગની યજમાની કરશે. આ મેદાન પર જ ટૂર્નામેન્ટની બીજી લેગની તમામ મેચો અને ફાઇનલ રમાશે. 

વડોદરામાં RCB અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ

WPL 2027ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે. આ મુકાબલો 14 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. ટૂર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લેશે અને કુલ 22 મેચ રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 7 ફેબ્રુઆરીએ વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. સ્થળ બદલાયા બાદ પણ ટૂર્નામેન્ટનું મૂળ સમયપત્રક યથાવત્ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: IND VS NZ: ભારતની જીતથી ગદગદ કેપ્ટન શ્રેયસ અય્યર, હાર બાદ સેન્ટનરે શું કહ્યું? અર્શદીપે પણ ખોલ્યું રહસ્ય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *