લાભ પાંચમ પછી કારતક સુદ છઠ્ઠના દિવસે સાંજે આથમતા સૂર્યને અર્ધ્ય આપવાનું અનેરું મહત્ત્વ છે. ખાસ કરીને ઉત્તરભારતના ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડના લોકોમાં છઠ્ઠ પૂજાનું મોટું મહત્ત્વ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ રાજ્યમાં અન્ય ઠેકાણે વસતા લોકોએ રવિવારે સાંજે નદીકાંઠે સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરી હતી. અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ નજીક સાબરમતી રિવરફ્રન્ટ, સાબરમતી, ચાંદખેડા, અમરાઈવાડી, મેઘાણીનગર જેવા વિસ્તારોમાં છઠ્ઠ પૂજા યોજાઈ હતી. ઇન્દિરા બ્રિજ નજીક AMCએ બનાવેલા કુંડ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન થયું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, આઈએએસ-આઈપીએસ, આઈએફએસ અધિકારીઓ પરિવાર સાથે શરીક થયા હતા. મેયર પણ ઉપસ્થિત રહ્યાં હતા. નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં એવું જણાવ્યું હતું કે, છઠ્ઠ મહાપર્વ હવે માત્ર યુપી-બિહારના પરિવારો સુધી સીમિત રહ્યું નથી, ગુજરાતના લોકો પણ આ પર્વ શ્રધ્ધા અને ઉત્સાહ સાથે ઉજવે છે. એમણે આવતા વર્ષે સરકારી તંત્ર દ્વારા છઠ્ઠ પૂજા માટે વધુ સારી સુવિધા પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી.
Ahmedabad: રાજ્યભરમાં છઠ્ઠ પર્વની પૂજા-અર્ચના સહિત ઉલ્લાસભેર ઉજવણી
📅 Published: November 15, 2026 |
📂 Category: Ahmedabad
