ગાંધીનગર મનપા વિસ્તારમાં બાળકો અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યા દૂર કરવાના અભિયાનનાં સારાં પરિણામ આવ્યાં છે. આંગણવાડીઓમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને GMC દ્વારા ચલાવેલા અભિયાન અંતર્ગત કુલ 7,799 બાળકો અને મહિલાઓનું સ્ક્રીનિંગ કરાયું હતું. અભિયાનની મોટી સફળતા એ કે શરૂમાં જે લોકોમાં લોહીની ઊણપ વર્તાઈ હતી, તેમાં દર 10માંથી 6થી વધુ લોકોના હિમોગ્લોબિન સ્તરમાં સુધારો થયો છે. ગાંધીનગરના 7,799 લાભાર્થીની આરોગ્ય તપાસ કરાઈ હતી, જેમાં 4 વયજૂથમાં 1થી 6 વર્ષનાં બાળકો, 11થી 18 વર્ષની કિશોરીઓ, 19થી 49 વર્ષની સગર્ભાઓ અને 19થી 62 વર્ષની મહિલાઓની તપાસ કરાઈ હતી. અભિયાનની શરૂઆતમાં જ્યારે આ લોકોનું હિમોગ્લોબિન તપાસ્યું, તો 7,799માંથી 3,617 લોકોમાં આશરે 46 ટકા લોહીની હળવી, મધ્યમ કે ગંભીર ઊણપનું નિદાન થયું હતું. તપાસ બાદ તમામ લાભાર્થીને યોગ્ય પોષણ અંગે માર્ગદર્શન, જરૂરી પૂરક પોષણ અને દવા પૂરી પાડી હતી. 3 મહિના પછી તપાસ કરાઈ ત્યારે સારા પરિણામ મળ્યાં. શરમાં એનિમિયાગ્રસ્ત જણાતા 3,617 લાભાર્થીમાંથી 2,272 લાભાર્થી એટલે કે લગભગ 63 ટકા લોકોના લોહીના ટકામાં મોટો સુધારો નોંધાયો હતો. જેમાંથી 1,958 લાભાર્થી એટલે કે અંદાજે 54 ટકા લોકો તો સંપૂર્ણ એનિમિયામુક્ત તંદુરસ્ત બની ગયાં છે. જે શરૂઆતથી જ તંદુરસ્ત હતા, તેમાં પણ 91 ટકાથી વધુ લોકો નિયમિત તપાસ અને માર્ગદર્શનને કારણે સારું સ્વાસ્થ્ય જાળવવામાં સફળ રહ્યાં છે. સામૂહિક પ્રયાસોથી આ સમસ્યા નિવારી શકાશે
આપણા સમાજમાં બાળકો, કિશોરો અને મહિલાઓમાં લોહીની ઊણપ એવી જાહેર હેલ્થ સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે. આવા સામૂહિક પ્રયાસથી આ સમસ્યાને નિવારી શકાશે. આ અભિયાનની સફળતાનો શ્રેય ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના સતત માર્ગદર્શન, ગાંધીનગર મનપાના અધિકારીઓના સહકાર, શ્રીમદ્ રાજચંદ્ર મિશને પૂરાં પાડેલાં સાધનો અને પોષણ તથા ફિલ્ડમાં નિષ્ઠાથી કાર્યરત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાય છે. -ડૉ.ક્રિષ્ના ઠક્કર, આસિ. પ્રોફેસર, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિ.
ભાસ્કર એક્સક્લૂઝિવ:ગાંધીનગરની આંગણવાડીઓનાં 1958 બાળકો અને મહિલાઓ લોહીની ઊણપમાંથી મુક્ત થયાં
📅 Published: November 16, 2026 |
📂 Category: gujarati-news
