ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝનો અંત આવી ગયો છે, જેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી. જોકે, ન્યૂઝીલેન્ડનો પ્રવાસ હજુ પૂરો થયો નથી. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો જંગ શરૂ થવાનો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝને લઈને ક્રિકેટ ચાહકોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ બંને મુકાબલા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો ભાગ છે. ત્યારે જાણીએ પ્રથમ ટેસ્ટ ક્યારે શરૂ થશે, કયા મેદાન પર રમાશે અને ભારતીય ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
19 નવેમ્બરથી શરૂ થશે ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ
ભારતીય ટીમ શુભમન ગિલની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવા મેદાનમાં ઉતરશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં રમાશે.આ મુકાબલો 23 નવેમ્બર સુધી ચાલશે.શુભમન ગિલે ટેસ્ટ સિરીઝની તૈયારી માટે વનડે સિરીઝની છેલ્લી બે મેચમાંથી આરામ લીધો હતો.કેએલ રાહુલ પણ છેલ્લી બે વનડેમાં ટીમનો ભાગ નહોતો.બંને ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ માટે તૈયારી કરી રહ્યા છે.ભારતીય ટીમ માટે આ સિરીઝ સરળ રહેવાની નથી. ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે રમવાનો લાભ લેવાનો પ્રયાસ કરશે.બીજી તરફ ભારતીય ટીમ પણ ટી-20 અને વનડે સિરીઝ બાદ ટેસ્ટમાં પણ જીતનો સિલસિલો જાળવી રાખવા માગશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ દાવ પર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી આ ટેસ્ટ સિરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 હેઠળ રમાશે. આથી બંને ટીમો માટે દરેક મેચ ખૂબ મહત્વની રહેશે.આ સિરીઝ પહેલાં પોઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ સ્થાન પર છે, જ્યારે ભારતીય ટીમ ચોથા ક્રમે છે. ભારતીય ટીમની નજર સિરીઝમાં સારું પ્રદર્શન કરીને પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવા પર રહેશે.ટેસ્ટ સિરીઝમાં મળેલી જીત ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની દિશામાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન),યશસ્વી જયસ્વાલ,કેએલ રાહુલ (ઉપકેપ્ટન),દેવદત્ત પડિક્કલ,ઋષભ પંત (વિકેટકીપર),ધ્રુવ જુરેલ,રવીન્દ્ર જાડેજા,અંશુલ કંબોજ,જસપ્રીત બુમરાહ,પ્રસિદ્ધ કૃષ્ણા,આકાશ દીપ,સાઈ સુદર્શન,નીતિશ કુમાર રેડ્ડી,વોશિંગ્ટન સુંદર,મોહમ્મદ સિરાજ,ગુરનૂર બરાડ
આ પણ વાંચો – Yashveer Gaur Statement : દિવાળીની હારનો બદલો ફાઇનલમાં લીધો, યશવીરે ખોલ્યું ભારતની જીતનું રહસ્ય!
