Mohammad Yousuf : ભારતીય ટીમની ઉજવણી પર પાકિસ્તાનમાં વિવાદ, મોહમ્મદ યુસુફે ઉઠાવ્યા સવાલ!

📅 Published: November 16, 2026 | 📂 Category: cricket

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને છેલ્લી બોલે હરાવીને ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. આ રોમાંચક વિજય બાદ ભારતીય ખેલાડીઓએ મેદાન પર જોરદાર ઉજવણી કરી હતી. જોકે, હવે આ ઉજવણી વિવાદનું કારણ બની છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફ ભારતીય યુવા ખેલાડીઓના વર્તનથી નારાજ થયા છે. તેમણે ખેલાડીઓને રમતની ભાવના અને સંયમ જાળવવાની સલાહ આપતા સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરદ્દીનના સમયનું ઉદાહરણ યાદ કરાવ્યું છે.

ભારતીય ખેલાડીઓની ઉજવણીથી નવો વિવાદ

14 નવેમ્બરે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત બાદ ભારતીય ખેલાડીઓની ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા.વાયરલ વીડિયોમાં મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા અને ચિગુરુપતિ વેંકટ પાકિસ્તાની ખેલાડીઓ તરફ આક્રમક ઇશારા કરતા જોવા મળ્યા હતા. મેદાન પર વાતાવરણ ગરમ થતાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફે પણ વચ્ચે પડવું પડ્યું હતું. સપોર્ટ સ્ટાફના સભ્યોએ યુવા ખેલાડીઓને ત્યાંથી દૂર કરીને શાંત કર્યા હતા.આ ઘટનાને કારણે ભારતીય ખેલાડીઓના મેદાન પરના વર્તન અંગે ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે પણ આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

મોહમ્મદ યુસુફે ભારતીય ખેલાડીઓને શું કહ્યું?

મોહમ્મદ યુસુફે સોશિયલ મીડિયા પર ભારતની જીત સ્વીકારી હતી, પરંતુ સાથે જ ભારતીય ખેલાડીઓને રમતની ભાવના જાળવવાની સલાહ આપી હતી.તેમણે લખ્યું હતું કે ભારતે દબાણની સ્થિતિમાં પાકિસ્તાનને હરાવ્યું છે. બંને ટીમો અને ભવિષ્યના સ્ટાર ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ શીખવાની એક સારી તક હતી.આગળ તેમણે લખ્યું કે, જ્યારે કોઈ ખેલાડી રમતના મેદાનમાં ઉતરે છે ત્યારે તે માત્ર પોતાના દેશનું જ પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ પોતાના માતા-પિતાના સંસ્કાર, ઉછેર અને મૂલ્યોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.તેમણે વધુમાં કહ્યું કે જીત હોય કે હાર, ખેલાડીઓએ હંમેશાં સન્માન અને સંયમ જાળવવો જોઈએ. સાચી રમતભાવના પરિણામથી નહીં, પરંતુ મેદાન પર ખેલાડી કેવું વર્તન કરે છે તેના પરથી દેખાય છે.

ભારતે છેલ્લી બોલે પાકિસ્તાનને હરાવ્યું

ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને 107 રનની શાનદાર સદી ફટકારી હતી. અબ્દુલ કાદિરે 80 અને કેપ્ટન ફરહાન યુસુફે 60 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કાવ્ય પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ એક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 42મી ઓવરમાં ભારતે 252 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ નવમી વિકેટ માટે 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.મનલે 32 બોલમાં 47 રન બનાવ્યા હતા, જ્યારે મોહિતે 26 બોલમાં અણનમ 49 રનની તોફાની ઇનિંગ રમી હતી. મનલના આઉટ થયા બાદ પણ મોહિતે હિંમત હારી નહોતી. અંતિમ બેટ્સમેન સી. વેંકટે 8 બોલમાં અણનમ 11 રન બનાવીને તેને સાથ આપ્યો હતો.

છેલ્લી બોલે મોહિતે અપાવી ભારતને જીત

મુકાબલાની છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 8 રનની જરૂર હતી. છેલ્લી બોલ પહેલાં સમીકરણ 3 રનનું થઈ ગયું હતું. મોહિત ઉલ્વાએ પાકિસ્તાની લેગ સ્પિનર ​​અહમદ હુસૈનની બોલને લોંગ ઓફની ઉપરથી બાઉન્ડરીની બહાર મોકલી દીધી હતી.આ સાથે જ ભારતે 9 વિકેટે 339 રન બનાવીને એક વિકેટથી યાદગાર જીત મેળવી હતી અને અંડર-19 એશિયા કપનો ખિતાબ ફરી પોતાના નામે કર્યો હતો.જોકે, ભારતની આ ઐતિહાસિક જીત બાદ હવે ખેલાડીઓની ઉજવણી ચર્ચાનો વિષય બની છે. એક તરફ ભારતીય ટીમની શાનદાર જીતની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ મેદાન પરના વર્તનને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો- ICC Schedule: 2035 સુધી ક્રિકેટનો આખો પ્લાન તૈયાર, ભારતને મળી બે મોટી ટૂર્નામેન્ટની યજમાની!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *