પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની સીમમાં યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બંનેની ઉંમર અનુક્રમે 18 અને 20 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
લીમડાના ઝાડ પર મળી આવ્યા બંનેના મૃતદેહ
મળતી માહિતી પ્રમાણે જંગરાલની સીમમાં લીમડાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા હતા.
ખોડાણા અને હેમાણીપુરાના રહેવાસી
મૃતક યુવક ખોડાણા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે યુવતી હેમાણીપુરાની હોવાનું જાણવા મળ્યું છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.
ઘટનાસ્થળેથી શંકાસ્પદ બોટલ મળી
ઘટનાસ્થળેથી એક શંકાસ્પદ બોટલ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બોટલને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી છે. બોટલમાં શું હતું અને તેનો ઘટનાસાથે કોઈ સંબંધ છે કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
વાગડોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો
ઘટનાની જાણ થતાં વાગડોદ પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બંનેનાં મોત પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની પરિસ્થિતિ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
