વલસાડના રાજનનગરમાં ચાર મકાનના તાળા તોડી ચોરી:બુરખાધારી તસ્કરો રેલવે ટ્રેક તરફથી આવ્યા; 50થી વધુ શંકાસ્પદની પૂછપરછ, CCTV ફૂટેજ તપાસાયા

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા રાજન નગરમાં લાભ પાંચમની આગલી રાત્રે બુરખાધારી તસ્કરોએ ચાર મકાનોના તાળા તોડી ચોરી કરી. ઘટનાની તપાસ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. પ્રાથમિક તપાસ મુજબ, તસ્કરો રેલવે ટ્રેક તરફથી રાજન નગરમાં આવ્યા હતા. તેઓ CCTV કેમેરામાં દેખાયા હતા. ચોરી કર્યા પછી તેઓ એ જ રસ્તે પાછા ગયા હોવાનું પોલીસનું કહેવું છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. વલસાડ વિભાગના S P એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પોલીસના ઇન્ચાર્જ PI એસ.એન. ગડું અને વલસાડ LCBના PI એ.યુ. રોઝના નેતૃત્વમાં ટીમો તપાસ કરી રહી છે. પોલીસ કન્સ્ટ્રક્શન સાઇટ અને શ્રમિકોના પડાવ પર જઈને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. ચોરી પછી અચાનક ગાયબ થયેલા અથવા ત્યાંથી બીજા સ્થળે ગયેલા લોકોની યાદી બનાવી તેમની વિગતો મેળવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 50થી વધુ શંકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ કરીને માહિતી એકત્રિત કરાઈ છે. બાતમીદારોની મદદથી પણ શંકાસ્પદ લોકો વિશે માહિતી મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તસ્કરોના આવવા-જવાના સંભવિત રસ્તાઓને ધ્યાનમાં રાખીને વલસાડ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ અને ખાનગી ટ્રાવેલ્સના પિકઅપ-ડ્રોપ પોઇન્ટનાં CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. ઘટનાના સમયગાળામાં શંકાસ્પદ રીતે અવરજવર કરનારા લોકોની ઓળખ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસ વલસાડ અને આસપાસના વિસ્તારોમાં અગાઉ ઘરફોડ ચોરી કરનારી ગેંગના સભ્યોની હાલની હિલચાલની પણ તપાસ કરી રહી છે. આ ચોરીમાં અગાઉ આવી જ રીતથી ચોરી કરતી ગેંગ સામેલ છે કે કેમ, તે પણ તપાસવામાં આવી રહ્યું છે. હાલ વલસાડ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, ચોરીમાં સંડોવાયેલા શખસોની ઓળખ અને ધરપકડ અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *