IND vs NZ : વેલિંગ્ટનમાં ટીમ ઈન્ડિયાની અગ્નિપરીક્ષા! પિચ પર 15mm ઘાસથી વધ્યું ટેન્શન

📅 Published: November 16, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના ઐતિહાસિક બેસિન રિઝર્વ મેદાન પર રમાશે. જોકે, મેચ શરૂ થાય તે પહેલાં જ પિચના પ્રથમ દૃશ્યએ ભારતીય ટીમની ચિંતા વધારી છે. મેદાનની પિચ પર ઘાસનું જાડું પડ જોવા મળી રહ્યું છે. પિચ ક્યુરેટર ટોમ ડેવીએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે ચાહકોને ન્યૂઝીલેન્ડની પરંપરાગત લીલી પિચ જોવા મળશે. પિચ પર આશરે 15 મિલીમીટર ઘાસ રાખવાની યોજના છે. આવી સ્થિતિમાં શરૂઆતની બે દિવસ ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

વેલિંગ્ટનની પિચ પર 15mm ઘાસ જોવા મળશે 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ પહેલાં પિચને લઈને ચર્ચા તેજ બની છે. બેસિન રિઝર્વના પિચ ક્યુરેટર ટોમ ડેવીના જણાવ્યા અનુસાર,પિચ પર ઘાસ ધીમે-ધીમે કાપવામાં આવી રહ્યું છે અને મેચના પ્રથમ દિવસે આશરે 15 મિલીમીટર ઘાસ રાખવાની યોજના છે.પિચને ઢાંકીને પણ રાખવામાં આવી રહી છે, જેથી તેની સપાટી પર ઘાસ અને ભેજ જળવાઈ રહે. આવી સ્થિતિમાં ઝડપી બોલરોને શરૂઆતથી જ મદદ મળી શકે છે.ટોમ ડેવીના જણાવ્યા અનુસાર, પિચ સખત અને લીલી હશે. જોકે, મેચ આગળ વધવાની સાથે અને હવામાન સ્વચ્છ રહે તો બેટિંગ કરવી પણ સરળ બની શકે છે.

પ્રથમ બે દિવસ ઝડપી બોલરોનું વર્ચસ્વ જોવા મળશે?

ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ સામાન્ય રીતે લીલી પિચ પર રમાય છે.આવી પિચ પર ઝડપી બોલરોને સ્વિંગ અને સીમ મૂવમેન્ટનો ફાયદો મળે છે.વેલિંગ્ટનની પિચ પર પણ શરૂઆતના બે દિવસ ઝડપી બોલરોનું વર્ચસ્વ જોવા મળી શકે છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ભારતીય બોલરો માટે આ પરિસ્થિતિ ઉપયોગી સાબિત થઈ શકે છે.જોકે,ભારતીય બેટ્સમેનો માટે શરૂઆતની ઓવરોમાં સંયમ રાખવો જરૂરી રહેશે.બોલ સ્વિંગ થતો હોય ત્યારે વિકેટ બચાવીને રમવું ટીમ ઈન્ડિયા માટે મોટો પડકાર બની શકે છે.

ચોથા અને પાંચમા દિવસે સ્પિનરોની ભૂમિકા મહત્વપૂર્ણ

પિચ ક્યુરેટર ટોમ ડેવીના જણાવ્યા પ્રમાણે,જો ટેસ્ટ મેચ ચોથા અને પાંચમા દિવસ સુધી પહોંચે તો સ્પિનરોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની શકે છે.વેલિંગ્ટનમાં તેજ પવન અને સૂર્યપ્રકાશને કારણે પિચ પરની ઘાસ ધીમે-ધીમે સુકાઈ જાય છે. પાંચ દિવસની રમત દરમિયાન પિચની સપાટી બદલાતી જાય છે અને તેમાં તિરાડો પડવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં સ્પિનરોને ટર્ન મળવાનું શરૂ થઈ શકે છે.આથી ભારતીય ટીમ માટે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર જેવા સ્પિન ઓલરાઉન્ડરો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

વેલિંગ્ટનનો પવન પણ ખેલાડીઓની કસોટી કરશે

બેસિન રિઝર્વ મેદાન માત્ર તેની લીલી પિચ માટે જ નહીં,પરંતુ અહીં ફૂંકાતા તેજ પવન માટે પણ જાણીતું છે.અહીંનો પવન ઝડપી બોલરો માટે અલગ પ્રકારનો પડકાર ઊભો કરે છે.ખાસ કરીને આ પરિસ્થિતિથી અજાણ ખેલાડીઓએ પોતાની બોલિંગની દિશા અને લયમાં ફેરફાર કરવો પડી શકે છે.પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ મેદાન પર ભારે પવન જોવા મળ્યો હતો.હવે જોવાનું રહેશે કે શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ આ પડકારનો સામનો કેવી રીતે કરે છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ 19થી 23 નવેમ્બર દરમિયાન રમાવાની છે. ભારતીય ટીમ માટે આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સની દૃષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો – Champions Trophy માટે ભારતને મળી યજમાની! પાકિસ્તાન રમશે કે નહીં? સસ્પેન્સ યથાવત્


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *