Surat: રાંદેરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિસ્તાર ધણધણી ઉઠ્યો; ભીષણ આગમાં ઘરની તમામ ઘરવખરી ખાખ

📅 Published: November 16, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પાયકવાડમાં આજે સવારે ગેસનો બાટલો ફાટવાની ગંભીર દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બે દિવસ અગાઉ નોંધાવેલો નવો ગેસનો બાટલો આજે સવારે ઘરમાં લગાવવામાં આવ્યો હતો. બાટલો ચાલુ કરતાં જ તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો અને ગણતરીની પળોમાં જ બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસનો સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.

રાંદેર વિસ્તારમાં ગેસના બાટલામાં વિસ્ફોટ 

ગેસના બાટલામાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ઘર અને ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જ્વાળાઓ વચ્ચે ઘરમાં એક મહિલા ફસાઈ ગઈ હતી, જોકે આસપાસના રહીશો અને સ્થાનિકોએ ભારે હિંમત અને સમયસૂચકતા દાખવીને તાત્કાલિક તે મહિલાનું સફળ રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.

ફાયર વિભાગની ત્રણ ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાં જ મોરાભાગળ, રાંદેર અને પાલનપુર પાટિયા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં આખું ઘર બળીને ખાખ થઈ જતાં પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar: કમલમમાં સ્નેહમિલન અને યુવા મોરચાની બેઠકનો ધમધમાટ, CM અને મંત્રીમંડળના સભ્યો કાર્યકરો સાથે કરશે મુલાકાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *