Virat Kohli: 'આ કોણ છે આટલો ઘમંડી છોકરો?' કોહલીને પહેલીવાર જોઈને ડેલ સ્ટેનના મનમાં આવ્યા હતા અનેક સવાલ!

📅 Published: November 16, 2026 | 📂 Category: cricket

વિરાટ કોહલીની આક્રમકતા અને મેદાન પરનો જોશ આજે તેની ઓળખ બની ચૂક્યો છે. જોકે, તેની આ જ અંદાજે વર્ષો પહેલાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનનું ધ્યાન ખેંચ્યું હતું. સ્ટેને તાજેતરમાં ફાફ ડુ પ્લેસિસ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તેણે યુવા વિરાટને પહેલીવાર જોયો ત્યારે તેના મનમાં શું વિચાર આવ્યો હતો.

અંડર-19 વર્લ્ડ કપમાં પહેલીવાર જોયો હતો વિરાટને

ડેલ સ્ટેને જણાવ્યું કે 2008ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલી ભારતીય ટીમનો કેપ્ટન હતો. ભારતની જીત બાદ ખેલાડીઓ મેદાનમાં ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા હતા. એ સમયે સ્ટેનની નજર યુવા વિરાટ પર પડી હતી. સ્ટેને યાદ કરતાં કહ્યું કે વિરાટને મેદાનમાં આ રીતે ઉજવણી કરતા જોઈને તેના મનમાં સવાલ આવ્યો હતો કે, ‘આટલો ઘમંડી છોકરો કોણ છે?’ જોકે, થોડા સમય બાદ તેને ખબર પડી કે આ જ ખેલાડી તેની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમમાં રમવાનો છે. સ્ટેને કહ્યું કે વિરાટ મેદાન પર પોતાની લાગણીઓ છુપાવતો નહોતો. તેની આ વાત તેને હંમેશાં ગમતી રહી છે.

રેસ્ટોરાં અને સંગીતથી શરૂ થઈ મિત્રતા

સ્ટેન અને વિરાટની મુલાકાત RCBમાં સાથે રમતી વખતે થઈ હતી. શરૂઆતમાં વિરાટ વિશે જે છાપ પડી હતી, તેનાથી અલગ બંને વચ્ચે ધીમે ધીમે સારી મિત્રતા થઈ ગઈ. સ્ટેને જણાવ્યું કે બંનેની પસંદગી ઘણી બાબતોમાં મળતી આવતી હતી. તેઓ બેંગલુરુનાં રેસ્ટોરાંમાં સાથે જતા હતા. હાર્ડ રોક કેફે તેમનું ખાસ પસંદગીનું સ્થળ હતું. ત્યાં તેઓ બર્ગર ખાતા અને સંગીતનો આનંદ માણતા હતા. સ્ટેનના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના દિવસોમાં વિરાટ સામાન્ય ટી-શર્ટ, શોર્ટ્સ અને ચંપલ પહેરીને ફરતો હતો. પછી ધીમે ધીમે તેના જીવનમાં સ્પોન્સર અને મોટી બ્રાન્ડ્સ આવવા લાગી. સ્ટેનને વિરાટમાં ક્રિકેટની પ્રતિભા તો દેખાતી હતી, પરંતુ તેને થોડી દિશા આપવાની જરૂર હોવાનું પણ લાગતું હતું.

વિરાટના કારણે RCBના ખેલાડીઓએ બદલ્યો અંદાજ

સ્ટેને વિરાટના ક્રિકેટિંગ પ્રભાવ વિશે પણ વાત કરી હતી. તેના મતે, વિરાટ જે રીતે નેટ્સમાં બેટિંગ કરતો હતો, તેનાથી ટીમના અન્ય બેટ્સમેનો પર પણ પોતાની રમતમાં સુધારો લાવવાનું દબાણ બનતું હતું. સ્ટેને કહ્યું કે ટીમના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમે રમતા બેટ્સમેનોએ પણ પોતાનો રમતનો અંદાજ વધુ આક્રમક બનાવવો પડ્યો હતો. રાહુલ દ્રવિડ જેવા અનુભવી ખેલાડીએ પણ પોતાની બેટિંગમાં આક્રમકતા વધારી હતી. વિરાટ, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલ જેવા ખેલાડીઓએ RCBની આક્રમક રમતની ઓળખ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટેનના મતે, વિરાટ ટીમમાં આવી રહેલા આ બદલાવના કેન્દ્રમાં હતો.

ફાફ ડુ પ્લેસિસે પણ વિરાટનાં વખાણ કર્યાં

આ જ કાર્યક્રમમાં ફાફ ડુ પ્લેસિસે પણ વિરાટ સાથે રમવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે વિરાટ સાથે બેટિંગ કરવાના અનુભવને ખાસ ગણાવ્યો હતો. ડુ પ્લેસિસના મતે, વિરાટ સાથે મેદાનમાં ઉતરતાં જ એક અલગ પ્રકારનો ઉત્સાહ અને ઊર્જા અનુભવાય છે. ડુ પ્લેસિસે વિરાટની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી હતી. તેના મતે, વિરાટના નેતૃત્વમાં ભારતીય ટીમ વધુ મજબૂત અને લડાયક બની હતી. ખાસ કરીને વિદેશી મેદાનો પર ભારતીય ટીમના પ્રદર્શનમાં મોટો બદલાવ જોવા મળ્યો હતો.

આમ, 2008માં મેદાન પર જોયેલા યુવા વિરાટ વિશે સ્ટેનના મનમાં જે પહેલો વિચાર આવ્યો હતો, તે સમય જતાં મિત્રતા અને પ્રશંસામાં બદલાઈ ગયો.

આ પણ વાંચો: ICC Events: ભારતને હજી વધુ મળી શકે છે ICCની 3 મોટી ટુર્નામેન્ટની યજમાની, પણ BCCIએ કરવું પડશે આ કામ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *