Patna: બિહારના મંત્રીના ઘરને જ ચોરોએ બનાવ્યું નિશાન, 600 ગ્રામ સોનું, 2 કિલો ચાંદી અને રૂ. 7 લાખની ચોરી

📅 Published: November 16, 2026 | 📂 Category: Crime

બિહારની રાજધાની પટનામાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ચોરોએ હવે રાજ્યના મંત્રીના નિવાસસ્થાનને જ નિશાન બનાવ્યું છે. શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એજી કોલોનીના મકાન નંબર B-20માં ઉચ્ચ શિક્ષણ મંત્રી સંજય ટાઇગરના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. ચોરો ઘરમાંથી અંદાજે 600 ગ્રામ સોનું, 2 કિલો ચાંદી અને રૂ. 7 લાખ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.

મંત્રી પરિવાર સાથે વતન ગયા હતા

મળતી વિગતો મુજબ, 14 અને 15 નવેમ્બરની મધરાત દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. તે સમયે મંત્રી સંજય ટાઇગર અને તેમના ભાઈ છઠ્ઠનો તહેવાર મનાવવા પોતાના પૈતૃક ગામ ગયા હતા. ઘરમાં કોઈ હાજર ન હોવાનું જાણીને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું.

બે ફ્લેટના 8 રૂમ ફંફોસ્યા

ચોરોએ મંત્રીના બે માળના નિવાસસ્થાનના બે ફ્લેટમાં પ્રવેશ કરીને કુલ 8 રૂમની તપાસ કરી હતી. ઘરમાં રહેલા કબાટો ખોલીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી હતી. પરિવાર દ્વારા પોલીસને આપવામાં આવેલી અરજી મુજબ, આશરે 600 ગ્રામ સોનું, 2 કિલો ચાંદી અને રૂ. 7 લાખ રોકડની ચોરી થઈ છે.

પોલીસ પેટ્રોલિંગ છતાં ચોરી

આ ઘટનાની ખાસ વાત એ છે કે ચોરી થઈ ત્યારે વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું હતું. તેમ છતાં તસ્કરો મોટી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. સવારે આશરે 8થી 9 વાગ્યાની વચ્ચે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શાસ્ત્રીનગર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

સીસીટીવી અને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ

ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ અને ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ટાવર ડમ્પની મદદથી પણ તપાસ કરવામાં આવી રહી છે.

પહેલાં રેકી કરી હોવાની આશંકા

પોલીસના જણાવ્યા અનુસાર, મકાન એકલવાયું હોવાથી આસપાસ લોકોની અવરજવર ઓછી રહેતી હતી. આશંકા છે કે ચોરોએ અગાઉથી મકાનની રેકી કરી હતી અને યોગ્ય તક મળતાં ચોરીને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ચોરીનો મુદ્દામાલ પરત મેળવવા માટે તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો :   Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *