દુનિયાના ત્રણ સૌથી શક્તિશાળી અને ગમે તે ઘડીએ કંઈ પણ કરી શકવાનો પાવર ધરાવતા નેતાઓ એટલે કે ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન એક જ બંધ રૂમમાં બેસવાના છે. તારીખ હશે 18 અને 19 નવેમ્બર અને સ્થળ હશે ચીનનું શેનઝેન શહેર. પણ સવાલ એ છે કે શું આ ત્રણેય મહાસત્તાઓ મળીને નાના દેશોના ભોગે દુનિયાના ફરીથી ભાગલા પાડશે? APEC એટલે કે એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટ કેમ મહત્વનું છે અને કેમ તે ઐતિહાસિક છે? ભારતને આનાથી શું લેવાદેવા? ચાલો વિગતે આખી વાત જાણીએ… નમસ્કાર… 18-19ના થનાર એપેક મીટિંગને ઈન્ટરનેશનલ પોલિટિક્સના જાણકારો યાલ્ટા 2.0 કહી રહ્યા છે. આપણને થાય કે આ શું છે? તો હિસ્ટ્રી જાણતા લોકો આ શબ્દ સાંભળે તો તેમને પેટમાં ફાળ પડી જાય. આ નામ સાંભળીને હાલ યુરોપથી એશિયા સુધીના દેશોમાં ફફડાટ ફેલાયો છે. કેમ? કારણ કે 1945માં જ્યારે રુઝવેલ્ટ, ચર્ચિલ અને સ્ટાલિન ક્રાઈમિયાના યાલ્ટા શહેરમાં મળ્યા હતા ત્યારે તેમણે નાના દેશોને પૂછ્યા વગર જ દુનિયાને પોતાના ભાગોમાં વહેંચી દેવાનો કારસો રચી દીધો હતો. હવે આપણે એપેક મંચ વિશે જાણી લઈએ પછી વિગતે મુદ્દો ખોલીએ પરમાણુ દેશ બનવા માટે દુનિયાની હોડ આજે બરોબર 81 વર્ષ પછી એવો જ એક તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાના ભણકારા વાગી રહ્યા છે. એક બાજુ યુક્રેન અને બીજી બાજુ ઈરાનમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે દુનિયામાં પરમાણુ હથિયારોની નવી સ્પર્ધામાં “હું મોટો અને મારી પાસે સૌથી વધુ પરમાણુ ન્યૂક્લિયર હથિયારો”ની રેટ રેસ ચાલી રહી છે. સૌથી મોટો વિવાદ એહીં એ છે કે જ્યાં યુક્રેન, યુરોપિયન યુનિયન, તાઈવાન અને ખુદ ભારત હાજર નથી ત્યાં તેમના ભવિષ્યનો ફેંસલો પણ થઈ જાય તો નવાઈ ન કહેવાય. આ બેઠક વિશે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલિન્સ્કીએ જગજાહેર વોર્નિંગ આપી છે કે, “મહાસત્તાઓ અમારી ગેરહાજરીમાં અમારા અસ્તિત્વનો સોદો ન કરે.” APECની બેઠકમાં શું થશે? હવે કાગળિયામાં એપેક બેઠકના શું ગુણગાન ગવાયા છે તેની વાત કરી લઈએ. એપેક 2026નો ઓફિશિયલ એજેન્ડા છે ‘સમૃદ્ધિ માટે એશિયા-પેસિફિક સમુદાયનું નિર્માણ’. એજન્ડામાં AI ગવર્નન્સ, ડિજિટલ અર્થતંત્ર, પ્રાદેશિક વેપાર અને સપ્લાય ચેઇનની મજબૂતી સામેલ છે. અમેરિકા-ચીન વચ્ચેની 30 અબજ ડોલરની પરસ્પર ટેરિફ ઘટાડાની વ્યવસ્થા પણ મહત્વનો દ્વિપક્ષીય મુદ્દો રહેશે. પણ શું ખરેખર આવું થવાનું છે? તો ભાઈ હકિકતમાં જિનપિંગ, પુતિન અને ટ્રમ્પ ત્રણેય પોતપોતાના રોદણાં અને સપના બંને લઈને શેનઝેન પહોંચવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ મિડ ટર્મ ચૂંટણીના ઝટકા પછી વિદેશ નીતિમાં કોઈ બીજી લેગસી વિનની શોધમાં છે. ઈરાનના યુદ્ધમાં ભૂંડી રીતે હારવાની કગાર પર આવેલા ટ્રમ્પને યુદ્ધ રોકવા ચીનની મદદ જોઈએ છે. ટૂંકમાં શેનઝેનના આ બંધ રૂમમાં લોકશાહી કે ઈન્ટરનેશનલ કાયદાની કોઈ વાત નહીં થાય માત્ર ટ્રમ્પ સ્ટાઈલની લેવડ-દેવડની રાજનીતિ થઈ શકે એવી પૂરી શક્યતાઓ છે. અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જો અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે કોઈ સિક્રેટ ડિલ થઈ ગઈ તો તેની સીધી અસર આપણી સરહદો, આપણા ડિફેન્સ બજેટ કે ગુજરાતના વેપારીઓ પર પડી શકે છે. આ ત્રણેય દેશો કેમ દુનિયાને બાનમાં લઈ શકે તેવા હાલમાં? પણ આખરે આ ત્રણેય દેશો પાસે એવી તો કઈ તાકાત અને હથિયારો છે જેના જોરે તે આખી દુનિયાને બાનમાં લઈ શકે તેવી સ્થિતિમાં છે? અને ભારત માટલી મોટી ઈકોનોમી અને જનસંખ્યાવાળું હોવા છતાં કેમ આ રૂમની બહાર છે? તો ચાલો હવે આ બધુ ઓફિશિયલ આંકડાઓથી જાણવાનો પ્રયાસ કરીએ… શેનઝેનમાં ભેગા થનારા આ ત્રણ નેતાઓ માત્ર શબ્દોથી નહીં, પરંતુ દુનિયાની સૌથી મોટી આર્થિક અને પરમાણુ તાકાતના જોરે વાત કરશે. આંકડાઓ કહે છે કે આ બેઠક કેમ ખતરનાક છે. સૌથી પહેલા એપેકની તાકાતની વાત. એપેકના 21 સભ્ય દેશો પાસે દુનિયાની કૂલ જીડીપીનો 61 ટકા ભાગ છે. કિંમત થાય છે લગભગ 61.7 ટ્રિલિયન ડોલર. દુનિયાની 38 ટકા વસ્તી અહીં રહે છે અને દુનિયાભરના વેપારમાં 50 ટકા વેપાર તો માત્ર એપેક દેશોનો જ હોય છે. બીજી બાજુ પીપીપીના આધારે ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી હોવા છતાં આજે પણ એપેકનું સભ્ય નથી. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો સાડા સાત ટકા અને વસ્તીમાં 17.5 ટકા હોવા છતાં 1997થી લાગેલા બેન અને અમેરિકા-ચીનની પોલિટિક્સના કારણે ભારત આ બેઠકની બહાર બેઠું છે. રશિયા પર પરમાણુ શક્તિ વધારવાની લગામ હટી પણ એપેકની આ મીટિંગ વેપાર કે ઈકોનોમી પૂરતી જ નથી પરમાણુ હથિયારનો મુદ્દો પણ બેઠકમાં જોરશોરથી ઉઠી શકે તેવી શક્યતા છે. આ એવો મુદ્દો છે જેણે આખી દુનિયાને બારુદના ઢગલા પર બેસાડી દીધી છે. હવે થોડો ડેટા સમજી લઈએ… ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને રશિયા વચ્ચેની હિસ્ટોરિકલ ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી કોઈ નવા કરાર વિના જ પૂરી થઈ ગઈ. જેનો મતલબ થયો કે હવે બંને મહાસત્તાઓ પર પરમાણુ હથિયારો વધારવાની કોઈ કાયદેસરની લગામ નથી રહી. ન્યૂક્લિયર પાવરના ધ્રુજાવી દેનાર આંકડા SIPRI 2026ના આંકડા કહે છે કે જાન્યુઆરી 2026 સુધીમાં દુનિયાના 9 પરમાણુ દેશો પાસે કૂલ 12 હજાર 187 પરમાણું હથિયારો ભેગા થઈ ગયા છે. આમાંથી એકલા રશિયા પાસે 5, 420 અને અમેરિકા પાસે 5 હજાર 42 પરમાણુ હથિયારો છે. એટલે કે દુનિયાના 86 ટકાથી વધુ પરમાણુ બોમ્બ ખાલી આ બે દેશોના જ હાથમાં છે. પણ સૌથી ચોંકાવનારો આંકડો ચીનનો છે. ચીન ખૂબ જ ઝડપથી પોતાના પરમાણુ ભંડાર વધારી રહ્યું છે અને તેનો આંકડો 620 વોરહેડ્સ ઉપર પહોંચી ગયો છે તેવા રિપોર્ટ્સ છે. ભારત પર ચીન-પાકિસ્તાનના ખતરાનું કોમ્બો પેકેજ ચિંતાની વાત અહીં એ છે કે ચીને શાંતિકાળમાં પણ 34 પરમાણુ વોરહેડ્સ મિસાઈલ્સ પર ડિપ્લોય્ડ કરી દીધા છે જે ગમે ત્યારે છોડી શકાય એવા હાલમાં છે. આ વધતા જોખમને જોતા ભારતે પણ પોતાની સ્ટ્રેટેજી બદલવી પડી છે. ભારત પાસે કૂલ 190 અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ વોરહેડ્સ છે. ઈતિહાસમાં પહેલીવાર ભારતે પોતાના 12 પરમાણુ વોરહેડ્સને ઓપરેશનલ રીતે ગમે ત્યારે છોડી શકાય એવા હાલમાં રાખ્યા છે. ચીન અને પાકિસ્તાનના કોમ્બો ખતરા પેકેજ સામે ભારતની આ સૌથી આક્રામક તૈયારીઓ કહી શકાય. જેના માટે ભારતે પોતાનું ડિફેન્સ બજેટ પણ જોરદાર વધાર્યું. 92.1 બિલિયન ડોલરના ડિફેન્સ ખર્ચ સાથે ભારત દુનિયામાં પાંચમા નંબરે છે અને દુનિયાના કૂલ શસ્ત્રોની ઈમ્પોર્ટમાં 8 ટકા ભાગ ભારતનો છે. દુનિયાભરમાંથી હથિયારો ખરીદવામાં આપણે યુક્રેન પછી બીજા નંબરે આવીએ છીએ. APEC દેશોની તાકાત સમજી લો ટૂંકમાં એક બાજુ મહાસત્તાઓ ન્યૂક્લિયર હથિયારો વધારી રહી છે તો બીજી બાજુ યુરોપિયન દેશો પણ ગભરાઈ રહ્યા છે. નાટો દેશોએ નક્કી કર્યું છે કે તે 2035 સુધીમાં પોતાનો ડિફેન્સ ખર્ચ જીડીપીના પાંચ ટકા સુધી લઈ જશે જે પહેલા ખાલી 2 ટકા આસપાસ જ હતો. પાંચ ટકામાંથી સાડા ત્રણ ટકા ભાગ સેના અને ડિફેન્સનો છે જ્યારે દોઢ ટકા ભાગ વેપારની સુરક્ષા માટેનો છે. આ બધુ કહી જાય છે કે શેનઝેન સમિટ પહેલા દુનિયામાં વિશ્વાસ પૂરી રીતે તૂટી ચૂક્યો છે. દરેક દેશ પોતાની સિક્યોરિટી માટે હથિયારોના ઢગલા કરી રહ્યું છે. પણ એવામાં સવાલ થાય કે શું ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ ખરેખર એકબીજાની જાનના દુશ્મન છે કે પછી પડદા પાછળ કોઈ એવી ખતરનાક ગેમ રમાઈ રહી છે જે સામાન્ય લોકોની વિચારવાની શક્તિથી બહાર છે? ચાલો હવે આ મિસ્ટ્રી પરથી પણ પડદો ઉઠાવવાની ટ્રાય કરીએ. પણ તેના પહેલા આપણે એ જોવું પડશે કે શેનઝેનની આ બેઠક પહેલા ફિલિપાઈન્સના મનીલામાં શું થઈ રહ્યું છે? એપેક બેઠક પહેલા મનીલામાં ટ્રમ્પની સિક્રેટ બેઠક એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જઈને શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન સાથે હાથ મિલાવવાની તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી બાજુ બરોબર એ જ સમયે મનીલામાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એટલે કે ક્વોડને કબરમાંથી ઉભી કરવાની તૈયારીઓ થઈ રહી છે. કારણ કે ટ્રમ્પના આવ્યા પછી ક્વોડમાં કંઈ ખાસ એક્ટિવિટી નજરે નથી પડી. આને કોઈ સંયોગ ન કહી શકાય આ એક સ્ટ્રેટેજિકલી રીતે ચેસની ચાલ હોય શકે છે. ઈન્ટરનેશનલ બાબતોના એક્સપર્ટ અને ફુડાન યુનિવર્સિટીના પ્રોફેસર મિંગહાઓ ઝાઓ જેવા બૌદ્ધિક કહી રહ્યા છે કે, “ટ્રમ્પ ચીન સાથે વાટાઘાટોના ટેબલ પર બેસતા પહેલા પોતાનું પલડું ભારે રાખવા માગે છે.” આ જ ગેમની સૌથી મોટી મિસ્ટ્રી છે. રશિયાને ચીને અમેરિકા સાથે દોસ્તી કરી 1972માં અમેરિકાએ આજનું રશિયા અને ત્યારનું સોવિયેત યુનિયનને તોડવા માટે ચીન સાથે હાથ મિલાવ્યા હતા. આજે 2026માં ટ્રમ્પ બરાબર તેનાથી ઊલટું કરવા માગે છે એટલે કે ચીનને એકલું પાડવા માટે પુતિનને પોતાની બાજુ ખેંચવા માગે છે. પણ જીઓપોલિટિક્સ એક્સપર્ટ્સનું આના પર કહેવું છે કે ટ્રમ્પની આ ચાલ ઊંધી પણ પડી શકે છે. કારણ કે 1972માં ચીન અને રશિયા એકબીજાના દુશ્મન હતા જ્યારે આજે જિનપિંગ અને પુતિનના જમાનામાં તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે અમેરિકાની દાદાગીરી કેવી રીતે પૂરી કરવી અને કેવી રીતે તેને કાન પકડાવીને હેઠે બેસાડી દેવા. આ બધાની વચ્ચે શી જિનપિંગ સૌથી હોંશિયાર ખેલાડી સાબિત થઈ રહ્યા છે. પ્રોફેસર ઝાઓનું એનાલિસિસ કહે છે કે, “યુક્રેન યુદ્ધ એ પુતિનની ભૂલ છે અને ઈરાન યુદ્ધ એ ટ્રમ્પની ભૂલ છે. જ્યારે ચીન બંનેની મજબૂરીનો ફાયદો ઉઠાવીને દુનિયાનો નવો બોસ બનવા જઈ રહ્યું છે.” તો એવામાં સવાલ થાય કે આ મહાસત્તાઓની રમતથી ભારતને શું લેવાદેવા? આપણે શું ફેર પડે? ન્યૂક્લિયર હથિયાર વાપરવા ભારતને બે ઝટકા આટલું જ નહીં જો આ ત્રણેય નેતાઓ પરમાણુ હથિયારો રોકવા માટે કોઈ નવો ફતવો બહાર પાડે તો ભારત પર પણ CTBT અને NPT જેવી ટ્રીટી પર સહી કરવાનું ઈન્ટરનેશનલ પ્રેશર બની શકે છે. જો કે ભારત પોતાની નો ફર્સ્ટ યુઝ નીતિ પર અડગ છે. CTBT એટલે પરમાણુ હથિયારોના કોઈપણ પ્રકારના ટેસ્ટ પર પ્રતિબંધ મૂકતી સંધિ. જ્યારે NPT એટલે પરમાણુ હથિયારોનો ફેલાવો રોકવા, નિઃશસ્ત્રીકરણ એટલે કે ડિસાર્મામેન્ટને પ્રોમોટ કરવા અને શાંતિપૂર્ણ પરમાણુ ઉપયોગને પ્રોત્સાહિત કરતી સંધિ. ભારતે આ ત્રણ બાબતો પર કામ કરવું જરૂરી તો શેનઝેન સમિટ 2026 દુનિયાને એક જ ક્લિયર મેસેજ આપે છે કે બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી નિયમો આધારિત દુનિયા હવે ખતમ થઈ ચૂકી છે. આ યાલ્ટા 2.0ના નવા યુગમાં કોઈ કોઈનું કાયમી દોસ્ત નથી કે દુશ્મન નથી. ભારત માટે બચવાનો અને આગળ વધવાનો એક જ રસ્તો છે કે કોઈ પણ મહાસત્તાના ભરોસે બેસી રહેવાને બદલે ઈકોનોમિક, ટેક્નોલોજી અને મિલિટરી બાબતે માત્ર ટેગલાઈનમાં નહીં પણ ખરા અર્થમાં આત્મનિર્ભર બનવું. અને છેલ્લે… બલોચિસ્તાન લિબરેશન આર્મીને નવા લીડર મળી ગયા છે. જેમનું નામ છે રહમાન ગુલ. જાણીને ચોંકી જશે કે પાકિસ્તાન સામે બળવો પોકારનાર ગુલ એક સમયે પાક. સેનામાં કેપ્ટન હતા. સ્યુસાઈડ બોમ્બર એક્સપોર્ટ હવે પાકિસ્તાનમાં કેવો દેકારો મચાવશે તે જોવું રહ્યું. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
ટ્રમ્પ, પુતિન અને જિનપિંગે દુનિયા ધૂણાવી:80 વર્ષ પછી ફરી ઉથલપાથલના એંધાણ, સિક્રેટ મીટિંગમાં મોદી કેમ નહીં જાય? ત્રિપુટીનો ખતરનાક એજન્ડા સમજો
📅 Published: November 16, 2026 |
📂 Category: International
