વિરાટ કોહલીના હાલના ફોર્મ અને વિદેશી મેદાનોના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે રનનો વરસાદ કરનાર કોહલીને દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (SENA)માં વનડે સદી ફટકાર્યાને સાત વર્ષ થઈ ગયા છે. 2027ના વનડે વર્લ્ડ કપ પહેલાં આ આંકડા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં માત્ર 86 રન
ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે શ્રેણીમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગની આશા હતી, પરંતુ તેઓ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નહોતા. પ્રથમ મેચમાં તેમણે 51 બોલમાં 74 રન ફટકાર્યા હતા. જોકે, ત્યારબાદની ઈનિંગમાં તેઓ માત્ર 7, શૂન્ય અને 5 રન બનાવીને આઉટ થયા હતા. આ રીતે ચાર ઈનિંગમાં કોહલીના બેટમાંથી કુલ 86 રન આવ્યા. તેમનો શ્રેણીમાં સરેરાશ 21.50 રહ્યો. ખાસ વાત એ છે કે આ શ્રેણીમાં પણ તેઓ ભારતના સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યા હતા, પરંતુ ત્રણ સતત સિંગલ ડિજિટ સ્કોર ચિંતાનો વિષય બન્યા છે.
સાત વર્ષથી SENAમાં વનડે સદી નથી
કોહલીએ છેલ્લી વખત SENA દેશોમાં વનડે સદી 2019માં ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ફટકારી હતી. ત્યારથી અત્યાર સુધી તેઓ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં એક પણ વનડે સદી નોંધાવી શક્યા નથી. આ સમયગાળામાં તેમણે 21 ઈનિંગમાં 701 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સરેરાશ 35.05 રહી છે અને નવ અડધી સદી ફટકારી છે. જોકે, આ સમયગાળામાં ચાર વખત તેઓ શૂન્ય પર આઉટ થયા છે અને આઠ ઈનિંગમાં એક આંકડામાં જ રન બનાવી શક્યા છે.
ઘરઆંગણે શાનદાર, વિદેશમાં સંઘર્ષ
વર્ષ 2026માં કોહલીનું એકંદર વનડે પ્રદર્શન સારું રહ્યું છે. તેમણે 13 ઈનિંગમાં 638 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ચાર અડધી સદી સામેલ છે. પરંતુ ઘરઆંગણે અને SENA દેશોમાં તેમના પ્રદર્શનમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ભારતમાં છ ઈનિંગમાં તેમણે 408 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સરેરાશ 81.60 રહી છે અને બે સદી પણ ફટકારી છે.
બીજી તરફ, આ વર્ષે SENA દેશોમાં સાત ઈનિંગમાં તેમના નામે માત્ર 230 રન છે. અહીં તેમની સરેરાશ ઘટીને 32.85 રહી છે. આ આંકડા દર્શાવે છે કે ઘરઆંગણે તેમનું બેટ જેટલું અસરકારક છે, તેટલું વિદેશી પરિસ્થિતિમાં જોવા મળતું નથી.
2027 વર્લ્ડ કપ પહેલાં વધશે પડકાર
2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાનો છે. એટલે ભારતીય ટીમે ફરી એકવાર SENA જેવી પરિસ્થિતિમાં રમવાનું રહેશે. આવી સ્થિતિમાં કોહલીનો વિદેશી મેદાનો પરનો સદીનો દુષ્કાળ ચર્ચાનો વિષય બન્યો છે. કોહલી અગાઉ કહી ચૂક્યા છે કે 2027નો વનડે વર્લ્ડ કપ ભારત માટે તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. તેથી આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને કારકિર્દીનો અંત યાદગાર બનાવવાનો તેમની પાસે મોટો મોકો રહેશે.
જોકે, કોહલીના એકંદર વનડે આંકડા હજુ પણ મજબૂત છે. પરંતુ વર્લ્ડ કપ પહેલાં વિદેશી મેદાનો પર મોટી ઈનિંગ રમવી તેમના અને ભારતીય ટીમ બંને માટે મહત્ત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો: IPL 2027 પહેલાં ધોનીના સંન્યાસની ચર્ચા! 17 નવેમ્બરે CSKની યાદી સાથે થશે મોટો ખુલાસો !
