ભારતીય ક્રિકેટમાં વાપસી માટે સૂર્યકુમાર યાદવે જાણે બેટથી જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં મુંબઈ તરફથી રમી રહેલા સૂર્યાએ ગુજરાત સામે એવી તોફાની બેટિંગ કરી કે બોલરો પાસે કોઈ જવાબ નહોતો. તેમણે માત્ર 29 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 82 રન ફટકાર્યા. 282.76ના સ્ટ્રાઇક રેટથી રમેલી આ ઈનિંગના આધારે મુંબઈએ 198 રનનો લક્ષ્યાંક સરળતાથી મેળવી લીધો.
18 બોલમાં અડધી સદી પૂરી કરી
કોલકાતાના જાદવપુર યુનિવર્સિટી કેમ્પસ મેદાન પર રમાયેલી આ મેચમાં ગુજરાતે પહેલાં બેટિંગ કરતાં 19.2 ઓવરમાં 197 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 198 રનની જરૂર હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત સારી રહી નહોતી. ટીમે શરૂઆતની બે ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ મેદાન પર આવ્યા અને તેમણે ત્રીજા બોલથી જ આક્રમક બેટિંગ શરૂ કરી. ગુજરાતના બોલરો સામે તેમણે મેદાનના ચારે તરફ શોટ ફટકાર્યા. સૂર્યાએ માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અંતે તેઓ 29 બોલમાં 82 રન બનાવી રવિ બિશ્નોઈના બોલ પર બોલ્ડ થયા.
સરફરાઝ ખાને પણ બતાવ્યો દમ
સૂર્યકુમાર ઉપરાંત સરફરાઝ ખાને પણ આક્રમક બેટિંગ કરી હતી. તેમણે માત્ર 17 બોલમાં અણનમ 40 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. મુંબઈએ 15.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવી લીધા અને પાંચ વિકેટે જીત મેળવી. આ સાથે જ ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સતત બીજી જીત નોંધાવી. ગુજરાત તરફથી આશુતોષ શર્માએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેમણે 22 બોલની ઈનિંગમાં એક ચોગ્ગો અને 5 છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુર અને અથર્વ અંકોલેકરે 3-3 વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદ સામે પણ ફટકારી હતી અડધી સદી
સૂર્યકુમાર યાદવની આ ટૂર્નામેન્ટમાં આ સતત બીજી મોટી ઈનિંગ હતી. આ પહેલાં હૈદરાબાદ સામેની પહેલી મેચમાં તેમણે માત્ર 21 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા. તે ઈનિંગમાં તેમણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આમ, ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચમાં સૂર્યાએ 50 બોલમાં કુલ 142 રન બનાવ્યા છે. તેમની આ આક્રમક બેટિંગથી મુંબઈને ફાયદો થયો છે અને ભારતીય ટીમમાં વાપસીની આશા પણ મજબૂત બની છે.
ટીમ ઈન્ડિયામાં વાપસી માટે મજબૂત દાવો
સૂર્યકુમાર યાદવ છેલ્લે 8 માર્ચ 2026ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત તરફથી રમ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતે સતત બીજી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે, ત્યારબાદ તેમને ટી20 ટીમની કમાન સોંપવામાં આવી નહોતી અને ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યા હતા.
હવે ઘરેલુ ક્રિકેટમાં સતત બે આક્રમક ઈનિંગ રમીને સૂર્યાએ પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, માત્ર બે મેચના પ્રદર્શનથી ટીમમાં સ્થાન નક્કી થતું નથી, પરંતુ તેમની બેટિંગે વાપસીની દાવેદારી ચોક્કસ મજબૂત કરી છે. આગામી મેચોમાં પણ આ ફોર્મ જાળવી રાખવું તેમના માટે મહત્ત્વનું રહેશે.
આ પણ વાંચો: IPL 2027 પહેલાં ધોનીના સંન્યાસની ચર્ચા! 17 નવેમ્બરે CSKની યાદી સાથે થશે મોટો ખુલાસો !
