જેના નામથી ધ્રૂજતો હતો હાઇવે તેને પકડવા રાતે નીકળી પોલીસ:દરવાજા પર ખેંચતાણ, 2 રાઉન્ડ ફાયરિંગ અને પીઠ પર ધારિયાથી પ્રહાર; ગેડિયા ગામની એ ઘટના

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

6 ઓક્ટોબર, 2021
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણના બજાણા પોલીસ સ્ટેશનના PSI વિરેન્દ્રસિંહ નવલસિંહ જાડેજાને એક બાતમી મળી. બાતમી હતી જેની સામે પાટડી, વઢવાણ, બજાણા, લીંબડી, લખતર, વીરમગામ, ધ્રાંગધ્રા, બગોદરા, પાળિયાદ, પાલનપુરમાં હુમલો, લૂંટ, ચોરી અને ગેંગરેપ સહિતના 114 જેટલા ગુના નોંધાયેલા છે તે હનીફખાન ઉર્ફે કાળા મુન્ના વિશે. કાળો મુન્નો દસાડા પાટડી તાલુકાના ગેડિયા ગામે પોતાના ઘરે આવ્યો છે તેવી પોલીસને જાણ થઇ હતી. ગુજરાતમાં સૌથી પહેલો ગુજસીટોકનો જે ગુનો નોંધાયો હતો તે અને બીજા 40 જેટલા ગુનામાં કાળો મુન્નો વોન્ટેડ હતો એટલે તેને પકડવો જરૂરી હતો.
*** થોડા ફ્લેશબેકમાં જઇને કાળા મુન્ના અને તેની ગેંગ કેવી રીતે ચાલુ ટ્રેલરમાંથી ચોરી કરતાં તેના પર નજર કરી લઇએ. કાળો મુન્નો સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી હતો. તે પોતાની ગેંગ સાથે મળીને સાણંદ-કચ્છ હાઇવે પરથી પસાર થતાં મસમોટા ટ્રેલર્સની પાછળ પોતાની સ્કોર્પિયો અડોઅડ ચલાવતો. મોટા ટ્રેલર્સની પાછળનો ભાગ પહોળો હોવાથી ડ્રાઇવરને પાછળનું કંઇ દેખાય નહીં. ગેંગ પોતાની સ્કોર્પિયો ટ્રેલરની એકદમ નજીક લઇ લે અને તેમાં બનાવેલી લોખંડની એંગલને ટ્રેલર સાથે જોડી દે પછી ચાલુ ટ્રેલરે એક જણ કટર લઇને સ્કોર્પિયોના બોનેટ પર ચડીને ટ્રેલરના લોક કાપીને અંદર ઘૂસી જાય. ત્યારબાદ સ્કોર્પિયો પાછળ લઇને તેની જગ્યાએ પીકઅપ ડાલુ લાવી દે. ગેંગે આ પીકઅપ ડાલામાં એક સ્લોપ જેવું બનાવ્યું હતું અને લપસણી મારફતે ટ્રેલરમાંથી ચીજવસ્તુને પીકઅપ ડાલામાં સરકાવી દેતી. આમ ટ્રેલર ચાલકની જાણ બહાર ચાલુ ટ્રેલરે ચીજવસ્તુઓની લૂંટ થતી. આ ગેંગ નક્કી કરેલા 15થી 20 કિલોમીટરમાં લૂંટને આખરી અંજામ આપીને ફરાર થઇ જતી. કાળા મુન્નાની ગેંગે આ રીતે હાઇવે પર તરખાટ મચાવ્યો હતો. જેના કારણે પોલીસની ઊંઘ હરામ થઇ ગઇ હતી.
*** ખૂંખાર આરોપીને પકડવા રાતે પહોંચી પોલીસ
પોલીસને ખબર હતી કે જેની સામે 114 ગુના નોંધાયેલા હોય તે કોઇ સામાન્ય આરોપી તો હોય નહીં. કાળો મુન્નો હંમેશા પોતાની પાસે ગેરકાયદેસસર હથિયાર રાખતો હતો. અગાઉ તેણે પોલીસ પર પણ હુમલા કર્યા હતા પોલીસ તે જાણતી હોવાથી સાવચેત રહેવું પણ જરૂરી હતું. પોલીસ માટે તેના ગામમાં જઇને તેને પકડવો અઘરો ટાસ્ક હતો પણ જો પોલીસ જ ગુનેગારોથી ગભરાય તો પછી ગુનેગારોને છુટ્ટો દોર મળી જાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવી અશક્ય બની જાય. જેથી પોલીસે તેને બાતમી મળી એ જ દિવસે પકડવાનો પ્લાન બનાવ્યો. PSI જાડેજાએ પોલીસ સ્ટેશનમાં હાજર હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ જીવણભાઇ મીઠાપરા, કોન્સ્ટેબલ્સ કિરીટભાઇ ગણેશભાઇ સોલંકી, દિગ્વિજયસિંહ અજિતસિંહ ઝાલા, પ્રહલાદભાઇ પ્રભુભાઇ ચરમટા, લોકરક્ષક શૈલેષભાઇ પ્રહલાદભાઇ કઠેવાડિયા, મનુભાઇ ગોવિંદભાઇ ફતેપરાને બોલાવ્યા. જે બાતમી મળી હતી તેના વિશે આ ટીમને જાણ કરી અને હેલ્મેટ, હથિયાર સાથે રાખવાની સૂચના આપી. પોલીસ કર્મચારી શૈલેષભાઇ અને દિગ્વિજયસિંહે 12 બોર પંપ એક્શન ગન (એક પ્રકારની શોટગન) ઇશ્યૂ કરાવીને પોતાની સાથે લઇ લીધી. સાંજના લગભગ 7:40 વાગ્યે સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને પોલીસની ટીમ કાળા મુન્નાને પકડવા નીકળી પડી. જો સરકારી વાહન લઇ જાય તો આખા ગામને ખબર પડી જાય ઉપરથી ગુનેગાર પણ સાવધાન થઇ જાય અને ભાગી જવાની શક્યતા રહે તે જુદું. એટલે પોલીસે કોન્સ્ટેબલ કિરીટભાઇની ખાનગી કાર અને બે બાઇક લઇને જવાનું મુનાસિબ માન્યું. કારમાં PSI જાડેજા ઉપરાંત કિરીટભાઇ, દિગ્વિજયસિંહ અને મનુભાઇ બેઠાં હતા. જ્યારે સરકારી બાઇક પર રાજેશભાઇ અને શૈલેષભાઇ અને બીજી ખાનગી બાઇક પર પ્રહલાદભાઇ સવાર થયા.
*** આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થયો
પોલીસની ટીમ કચોલીયા, કામલપુર થઇ ગેડિયા ગામે રાતે 8:10 વાગ્યે પહોંચી હશે ત્યારે આરોપી કાળો મુન્નો પોતાના ઘરના મુખ્ય દરવાજા બહાર શેરીમાં ઊભો હતો. કાર અને પોલીસની મોટર સાયકલને લાઇટના અજવાળામાં જોતાંવેંત જ તે ઓળખી ગયો. તેને ખ્યાલ આવી ગયો કે પોલીસ પકડવા આવી છે એટલે તેણે તરત જ ઘર તરફ દોટ મૂકી. કાળો મુન્નો ઘરનો લોખંડનો દરવાજો બંધ કરવા જતો હતો તે વખતે જ કારમાં આગળ બેઠેલાં PSI જાડેજા નીચે ઉતર્યા અને ચિત્તાની ઝડપે કાળાને પકડવા છલાંગ લગાવી. કાળાએ કોઇપણ રીતે દરવાજો અંદરથી બંધ કરવા માટે જોર લગાવ્યું. આ તરફ PSI જાડેજા પણ કાળો છટકી ન જાય તે માટે બળ લગાવતા હતા. આટલીવારમાં તો અન્ય પોલીસકર્મીઓ પણ PSI જાડેજાની મદદ માટે પહોંચી ગયા. હવે કાળાને લાગ્યું કે પોતે પોલીસના હાથમાં આવી જ જશે એટલે તેણે પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી અને પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરવા જતાં દરવાજો બંધ કરવામાં તેનો એક જ હાથ રોકાયો હતો. જેથી તેનું બળ ઘટી ગયું હતું. આનો લાભ લઇને પોલીસે જોર લગાવતાં દરવાજો ખૂલી ગયો. આ સમયે કાળાએ બૂમાબૂમ કરી મૂકી. આ દરમિયાન PSI જાડેજાએ કાળાને પાછળથી પકડી લીધો. જો કે કાળાએ પિસ્તોલ મજબૂતાઇથી પકડી રાખી હતી. હજુપણ પોલીસની પકડમાંથી છટકી શકાય તે માટે તેણે પિસ્તોલમાંથી બીજો રાઉન્ડ ફાયર કર્યો. સદનસીબે છૂટેલી ગોળી કાળા મુન્ના અને PSI જાડેજાના પગની વચ્ચે ફૂટી હતી. ખૂંખાર આરોપીએ 2-2 રાઉન્ડ ફાયરિંગ કરતાં PSI જાડેજા પરિસ્થિતિને પામી ગયા. તે કાળાને ખેંચીને દરવાજાની બહાર શેરીમાં લઇ આવ્યા. ત્યારે પણ કાળા મુન્નાએ પિસ્તોલ મજબૂત રીતે પકડી રાખી હતી એટલે અન્ય પોલીસકર્મીઓ તે છોડાવવાનો સતત પ્રયાસ કરતાં હતા.
*** આરોપી પિતાને બચાવવા પુત્ર મેદાને આવ્યો
આ સમયે PSI જાડેજાની પીઠ પર પાછળથી કોઇએ ધારદાર હથિયાર સાથે હુમલો કર્યો. તેમણે વળીને જોયું તો હુમલો કરનારૂં બીજું કોઇ નહીં પણ કાળા મુન્નાનો પુત્ર હતો. જેના હાથમાં ધારિયું હતું. હુમલામાં PSI જાડેજાનો શર્ટ ફાટી ગયો અને પીઠમાંથી લોહી દડદડ વહેવા લાગ્યું. આ દૃશ્ય જોઇને પોલીસકર્મી કિરીટભાઇ અને દિગ્વિજયસિંહ વચ્ચે પડ્યાં તો કાળા મુન્નાના પુત્રએ તેમની ઉપર પણ ધારિયાના ઝીંક્યા. PSI જાડેજાએ પકડી રાખેલા કાળા મુન્નાને અન્ય પોલીસકર્મીઓને સોંપી દીધો અને કાળા મુન્નાના પુત્રને પકડવા ગયા. આ જોઇને કાળા મુન્નાનો પુત્ર વધારે ઉશ્કેરાયો અને PSI જાડેજા પર ધારિયાનો વધુ એક ઘા ઝીંકવા ગયો. PSI જાડેજાએ સ્વબચાવમાં પોતાની પાસે રહેલી સર્વિસ ગ્લોક પિસ્તોલમાંથી કાળા મુન્નાના પુત્ર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં તેને શરીરના આગળના ભાગે ગોળી વાગી અને તે જમીન પર ફસડાઇ પડ્યો. આ તરફ પોલીસકર્મીઓ કાળા મુન્નાને કારની પાછળની સીટમાં બેસાડવા જતાં હતા પણ તે સતત બળ કરી રહ્યો હોવાથી તેનું અડધું શરીર કારની બહાર જ હતું.

*** ટોળાંમાંથી બૂમ પડી- એકેય પોલીસને જીવતો નથી જવા દેવાનો
આ ઝપાઝપી અને બૂમાબૂમના કારણે આસપાસના લોકોનું હથિયારો સાથેનું એક ટોળું પોલીસ તરફ આવ્યું અને કાર પર હુમલો કરીને તેના કાચ તોડી નાંખ્યા. લોકોએ કાળા મુન્નાને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો. આ મોકાનો લાભ લઇને કાળા મુન્નાએ પોતાના હાથમાં પકડી રાખેલી પિસ્તોલથી વધુ એક રાઉન્ડ ફાયરિંગ PSI જાડેજા પર કર્યું. PSI જાડેજા ખસી જતાં બચી ગયા. ત્યારબાદ તેમણે સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું અને કાળાને છાતીમાં ગોળી વાગી. જેના કારણે પોલીસે તેને સારવાર અપાવવા માટે તાત્કાલીક કારની પાછળની સીટમાં બેસાડી દીધો. આમાં કાળા મુન્નાના હાથમાં રહેલી પિસ્તોલ કારમાં પડી ગઇ. કાળા મુન્નાને કારમાં બેસાડી દેતાં ટોળું વધુ ઉશ્કેરાયું. ટોળામાંથી બૂમો પડવા લાગી કે આજે એકપણ પોલીસને જીવતો જવા દેવો નથી, બધાને મારી જ નાંખવા છે. આ ઉશ્કેરણીજનક બૂમો પછી ટોળું પાઇપ, ધોકા અને લાકડી સાથે પોલીસની ખાનગી કાર પર તૂટી પડ્યું અને કારના કાચ-બોનેટ તોડી નાંખ્યા. પોલીસે ટોળાંને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ ટોળાંમાં કાળા મુન્નાની માતા, તેના સાસુ-સાળો અને પાડોશીઓ પણ હતા. બધા કોઇ વાત સાંભળ્યા વગર પોલીસને આડેધડ માર મારતાં હતા. પોલીસકર્મી કિરીટરભાઇ પર ધારિયાથી હુમલો થતાં તેમના જમણા હાથના પોંચામાં ઘા વાગ્યો હતો. જોતજોતામાં ટોળાએ પથ્થરમારો પણ ચાલુ કરી દીધો. આખી પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસ કાળા મુન્ના અને કારને ત્યાં જ છોડીને પોતાનો જીવ બચાવવા માટે 2 બાઇક પર ત્યાંથી ભાગી. ટોળાના હુમલાના કારણે ઘવાયેલા પોલીસ કર્મચારીઓ પાટડીના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ થયા. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થઇ. જેથી તે સરકારી દવાખાને પહોંચ્યા અને ઘવાયેલા પોલીસકર્મીઓના ખબર અંતર પૂછ્યા હતા. PSI જાડેજાની ફરિયાદના આધારે 7મી ઓક્ટોબરે બજાણા પોલીસ સ્ટેશનમાં કાળા મુન્ના, તેના પુત્ર, કાળા મુન્નાની સાસુ હનીફાબેન, સાળા ઇસ્માઇલખાન, માતા હવાબેન અને પાડોશી અલુભાઇ સહિત 10થી 15 અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો. બીજીતરફ કાળા મુન્ના અને તેના પુત્રનું મોત થયું હતું. PSI જાડેજાની સર્વિસ બ્લોક પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરીંગમાં આરોપી કાળો મુન્નો તથા તેના પુત્રને ઇજા પહોંચાડવાની નોંધ પોલીસ ચોપડે કરવામાં આવી હતી. SOGના તત્કાલીન PIને તપાસ સોંપાઇ હતી. 7મી તારીખે જ ગેડિયા ગામે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. પોલીસે FSLના અધિકારીને સાથે રાખીને ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું. આગળ જતાં આ મામલો કાયદાકીય લડાઇનું રૂપ ધારણ કરવાનો હતો. આ લડાઇમાં શું થયું તે જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *