IND vs NZ ટેસ્ટ સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી આખી સિરીઝમાંથી બહાર

📅 Published: November 17, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટની રોમાંચક જંગ હવે ટેસ્ટ ફોર્મેટમાં જોવા મળશે.બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ પહેલાં ભારતે T20 અને વનડે સિરીઝમાં જીત મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. હવે ટેસ્ટ સિરીઝમાં પણ ભારતીય ટીમ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે, સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર ઈજાના કારણે આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

મિચેલ સેન્ટનરના જમણા હાથમાં ફ્રેક્ચર

મિચેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડની ટીમનો મહત્ત્વનો ખેલાડી છે. ભારત સામે રમાયેલી વનડે સિરીઝમાં તે ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો હતો. જોકે, ટેસ્ટ સિરીઝમાં ટીમની કમાન ટોમ લાથમના હાથમાં છે. સેન્ટનરને ટેસ્ટ ટીમમાં મહત્ત્વના ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે તે એક પણ ટેસ્ટ મેચ રમી શકશે નહીં.મળતી માહિતી પ્રમાણે, સેન્ટનરના જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. શરૂઆતમાં ઈજા સામાન્ય લાગતી હતી, પરંતુ તપાસ બાદ ફ્રેક્ચરની જાણ થઈ હતી. આ કારણે તેને બંને ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું છે.

ડીન ફોક્સક્રોફ્ટને મળી ટીમમાં જગ્યા

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા સેન્ટનરની ઈજા અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવાની પુષ્ટિ કરવામાં આવી છે. તેની જગ્યાએ ડીન ફોક્સક્રોફ્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફોક્સક્રોફ્ટ ભારત સામેની વનડે સિરીઝની છેલ્લી બે મેચમાં પણ રમ્યો હતો.સેન્ટનરની ઈજા ન્યૂઝીલેન્ડ માટે મોટું નુકસાન છે. તે માત્ર સારો સ્પિન બોલર જ નથી, પરંતુ જરૂર પડ્યે બેટિંગમાં પણ ઉપયોગી યોગદાન આપી શકે છે. ખાસ કરીને ભારતીય પરિસ્થિતિમાં તેની બોલિંગ ન્યૂઝીલેન્ડ માટે મહત્ત્વની સાબિત થઈ શકી હોત.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ સુધી ફિટ થવાની આશા

સેન્ટનરની ઈજા પર હાલ કામ કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમને આશા છે કે તે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ સિરીઝ પહેલાં ફિટ થઈ જશે. જોકે, તેની વાપસીનો આધાર ઈજામાંથી સાજા થવાની પ્રક્રિયા પર રહેશે.

ડીન ફોક્સક્રોફ્ટનો ટેસ્ટ રેકોર્ડ કેવો છે?

ડીન ફોક્સક્રોફ્ટ અગાઉ ન્યૂઝીલેન્ડ માટે એક ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આયર્લેન્ડ સામે રમાયેલી આ મેચમાં તેણે 98 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ભારત A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચે રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચોમાં પણ તે મેદાનમાં ઉતરી ચૂક્યો છે.આમ, ભારત સામે રમવાનો તેને અગાઉનો અનુભવ પણ છે. હવે સેન્ટનરની ગેરહાજરીમાં ફોક્સક્રોફ્ટને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં તેની ભૂમિકા મહત્ત્વની બની શકે છે.

આ પણ વાંચો – Princess Catherine : માયાનગરીની ગલીઓમાં બાળકીએ પ્રિન્સ વિલિયમને કરી દીધા ક્લીન બોલ્ડ! દ્રશ્ય જોઈ સૌ કોઈ હસી પડ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *