'પાટીદાર નેતાઓ પતી ગયા અને ભાજપ રહી ગયો':જસદણમાં પાટીદાર સભામાં માફી મામલે લાલજી પટેલનો ખુલાસો; કહ્યું-11 વર્ષ પછી પસ્તાવો કરવાથી શું વળશે?

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

જસદણ ખાતે યોજાયેલા પાટીદાર સંમેલનમાં આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા બદલ અફસોસ વ્યક્ત કરીને માફી માંગવાના મુદ્દે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે મહેસાણાથી નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અનામત આંદોલન વખતે પાટીદાર નેતાઓનો વિરોધ કરવાને બદલે માત્ર ભાજપની નીતિઓનો જ વિરોધ કરવો જોઈએ, તેવી વાત તેઓ અગાઉથી જ કહેતા હતા. વારંવાર કહેવા છતાં લોકો સમજ્યા ન હતાઃ લાલજી પટેલ
લાલજી પટેલે અતીતના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, 11 વર્ષ પહેલાં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે કેટલાક લોકો ભાજપના પાટીદાર નેતાઓ, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નીતિન પટેલ, ગૃહમંત્રી રજનીભાઈ અને વાઘાણી સાહેબનો વિરોધ કરી રહ્યા હતા. તે સમયે તેઓ વારંવાર સમજાવતા હતા કે, ભાજપની નીતિઓનો વિરોધ કરો, પરંતુ પાટીદાર નેતાઓને નિશાન ન બનાવો. કારણ કે ભાજપ સત્તામાં રહેશે અને પાટીદાર નેતાઓ રાજકીય રીતે ખતમ થઈ જશે. તે સમયે પાટીદાર નેતાઓ કોઈના ષડયંત્રનો શિકાર બન્યા હોવાની આશંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, વારંવાર કહેવા છતાં લોકો સમજ્યા ન હતા અને તેમને ભાજપના માણસ તરીકે ચિતરવામાં આવ્યા હતા. જો કે, આજે 11 વર્ષ પછી સૌને સમજાઈ ગયું છે કે સમાજના હિતમાં સાચો માણસ કોણ હતો. ‘લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે છેલ્લા છ વર્ષથી લડત’
વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતા લાલજી પટેલે ઉમેર્યું કે, ભાજપની નીતિઓનો વિરોધ અગાઉ પણ હતો અને આજે પણ યથાવત્ છે. લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે છેલ્લા છ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. આ લડત માત્ર પાટીદાર સમાજ પૂરતી સીમિત નથી, પરંતુ તે તમામ જ્ઞાતિની દીકરીઓ અને માતા-પિતાના હિત સાથે જોડાયેલો પ્રશ્ન છે. જે પાટીદાર આગેવાનો ભાજપમાં છે, તેમણે પણ આ નીતિઓનો વિરોધ કરવો જોઈએ તેવું તેમનું માનવું છે. ‘અધિકારીઓ પર આનંદીબેનની જેવી પકડ અત્યારના નેતાઓમાં નથી’
આનંદીબેન પટેલના શાસનકાળની પ્રશંસા કરતા લાલજી પટેલે જણાવ્યું કે, ભલે અત્યારે પાટીદાર મુખ્યમંત્રી હોય, પરંતુ આનંદીબેન પટેલ વહીવટી દૃષ્ટિએ અત્યંત મજબૂત નેતા હતા. આજે ચર્ચા થાય છે કે વહીવટી તંત્રમાં અધિકારીઓનું રાજ ચાલે છે, જ્યારે આનંદીબેનની અધિકારીઓ પર કડક પકડ હતી, જેવી પકડ અત્યારના નેતાઓમાં જોવા મળતી નથી. અત્યારના મુખ્યમંત્રી સારા માણસ હોવા છતાં, અધિકારીઓ પર અગાઉ જેવું નિયંત્રણ રહેતું હતું તે અત્યારે જોવા મળતું નથી. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે હવે ભૂતકાળની બાબતો પર પસ્તાવો કરવાને બદલે હાલમાં ચાલી રહેલા સામાજિક પ્રશ્નો અને આંદોલનોની વાત કરવી જોઈએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *