Patidar Andolan : આનંદીબેન પટેલનું પદ જવા પાછળ આંદોલનકારીઓની ભૂલ નથીઃ પાસ કન્વીનર ગીતા પટેલ

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

પાટીદાર અનામત આંદોલનને લઈને ચાલી રહેલી નિવેદનબાજીમાં હવે પાસ કન્વીનર ગીતા પટેલે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સુરતમાં તેમણે જણાવ્યું હતું કે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું તેની પાછળ આંદોલનકારીઓની કોઈ ભૂલ નહોતી. આંદોલનને લઈને દુઃખ વ્યક્ત કરતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ માફી માંગશે નહીં. દિનેશ બાંભણિયાએ માફી માંગવી હોય તો વ્યક્તિગત રીતે માંગી શકે છે.

આંદોલનકારીઓની કોઈ ભૂલ નથીઃ ગીતા પટેલ

ગીતા પટેલે કહ્યું હતું કે આનંદીબેન પટેલના પદ ગુમાવવા પાછળ પાટીદાર આંદોલનકારીઓની કોઈ ભૂલ નહોતી. આંદોલનના કારણે મુખ્યમંત્રી બદલાયા એ વાત સાચી છે, પરંતુ તેના માટે આંદોલનકારીઓને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું કે અમને દુઃખ છે, પરંતુ અમારી કોઈ ભૂલ નથી અને અમે કોઈ માફી નહીં માંગીએ.

દિનેશ બાંભણિયા વ્યક્તિગત રીતે માફી માંગી શકે

દિનેશ બાંભણિયાએ જસદણના જાહેર મંચ પરથી આનંદીબેન પટેલની માફી માંગવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં ગીતા પટેલે કહ્યું કે દિનેશ બાંભણિયાએ માફી માંગવી હોય તો તેઓ વ્યક્તિગત રીતે માફી માંગી શકે છે. જોકે, સમગ્ર આંદોલનકારીઓ વતી માફી માંગવાનો તેમનો અભિગમ નથી.

14 પાટીદારો પર ગોળીબારના આદેશની તપાસની માંગ

ગીતા પટેલે આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા ગોળીબાર અને તેમાં 14 પાટીદારોના મોતના સંદર્ભમાં જવાબદારી નક્કી થવી જોઈએ. આ ઘટનામાં જનરલ ડાયરની ભૂમિકા શું હતી તે સ્પષ્ટ થવું જોઈએ તેવી પણ તેમણે માંગ કરી હતી.

ભાજપના આંતરિક વિખવાદને ગણાવ્યો જવાબદાર

ગીતા પટેલે વધુમાં કહ્યું હતું કે આંદોલન હંમેશાં સરકાર સામે હોય છે, પછી સરકાર કોઈની પણ હોય. આંદોલન સમયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બંને પાટીદાર સમાજમાંથી હતા. તેમ છતાં ભાજપના આંતરિક વિખવાદનો દોષ આંદોલનકારીઓ પર ઢોળી શકાય નહીં.

ભાજપના આંતરિક વિવાદને વેગ અપાયો 

તેમણે આક્ષેપ કર્યો હતો કે પાટીદાર આંદોલનનો ઉપયોગ કરીને ભાજપના આંતરિક વિવાદને વેગ આપવામાં આવ્યો હતો અને તેના કારણે મુખ્યમંત્રીનો ભોગ લેવાયો હતો. ગીતા પટેલના આ નિવેદનથી દિનેશ બાંભણિયાની માફી માંગવાની ઇચ્છા સામે પાટીદાર આગેવાનોમાં અલગ-અલગ અભિપ્રાયો હોવાનું ફરી સામે આવ્યું છે. 

આ પણ વાંચો :   Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા “


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *