Patidar Andolan : આનંદીબેનની માફી માગવાના નિવેદન પર પાટીદાર આગેવાનોમાં મતભેદ, ચિરાગ અને લાલજી પટેલે ઉઠાવ્યા સવાલો

📅 Published: November 17, 2026 | 📂 Category: Ahmedabad

જસદણમાં પાટીદાર સખી સ્નેહમિલનના જાહેર મંચ પરથી દિનેશ બાંભણિયાએ આનંદીબેન પટેલની માફી માંગવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાટીદાર આંદોલનના કારણે એક સારા મુખ્યમંત્રીને સત્તા છોડવી પડી હોવાનો અફસોસ વ્યક્ત કરતાં તેમના નિવેદનથી પાટીદાર સમાજમાં ચર્ચા શરૂ થઈ છે. હવે આ નિવેદન સામે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા આગેવાનો ચિરાગ પટેલ અને એસપીજીના લાલજી પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ચિરાગ પટેલે કહ્યું, માફી નહીં જવાબદારી નક્કી કરો

પાસના નેતા ચિરાગ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનને 11 વર્ષ થઈ ગયાં છે. હવે કોણ સત્તામાંથી ગયું તેનો વસવસો કરવાની જગ્યાએ આંદોલન દરમિયાન બનેલી ઘટનાઓની જવાબદારી નક્કી કરવાની જરૂર છે.

14 પાટીદારો સામે ગોળીબારનો આદેશ કોણે આપ્યો 

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે 14 પાટીદારો સામે ગોળીબારનો આદેશ કોણે આપ્યો હતો, તે શોધવાની જરૂર છે. ચિરાગ પટેલે આ સંદર્ભમાં જનરલ ડાયર કોણ છે તે શોધવાની વાત કરી હતી.

જાહેર મંચ પર માફી માંગવાની જરૂર નહોતી

ચિરાગ પટેલે અનાર પટેલ અને દિનેશ બાંભણિયા એક જ સંસ્થામાં જોડાયેલા હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બંને વચ્ચે આ મુદ્દે વ્યક્તિગત ચર્ચા થઈ શકી હોત. આ બાબત જાહેર મંચ પર રજૂ કરવાની જરૂર નહોતી તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં પાટીદાર સમાજના મુખ્યમંત્રીને સાચવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

લાલજી પટેલે પણ આગેવાનોના વલણ સામે સવાલ ઉઠાવ્યા

એસપીજીના આગેવાન લાલજી પટેલે પણ પાટીદાર સંમેલનમાં માફી માંગવાના નિવેદનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પોતાનું વલણ રજૂ કર્યું છે. તેમણે આનંદીબેન પટેલની વહીવટી મજબૂતાઈનાં વખાણ કર્યા હતા. સાથે જ પાટીદાર આંદોલનના 11 વર્ષ બાદ આગેવાનોના વલણ સામે સવાલો ઊભા કર્યા હતા.

ભાજપ નહીં, પરંતુ પાટીદાર નેતાઓ જ પતી જશે તેવી ચેતવણી 

લાલજી પટેલે ભાજપ નહીં, પરંતુ પાટીદાર નેતાઓ જ પતી જશે તેવી ચેતવણી આપી હતી. તેમના નિવેદન બાદ પાટીદાર સમાજમાં આંદોલનના ભૂતકાળ, નેતૃત્વ અને હાલના આગેવાનોની ભૂમિકા અંગે ચર્ચા વધુ તેજ બની છે.  

અમને યુવાનોને રાજકીય હાથો બનાવ્યા લાગે છે

એસપીજીના પાટીદાર આગેવાન પૂર્વીન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે દિનેશભાઈનું નિવેદન સાચું છે. આનંદીબેનની ક્ષમતા હતી, વહીવટ પર પકડ હતી . તેમણે કહ્યું કે આનંદીબેને ગુજરાતની જનતાને ટોલમાંથી મુક્તિ આપી હતી.બેનને ખબર હતી કોને શું દુઃખે છે . આનંદી બેનના CM પદ ગુમાવ્યા બાદ આજે ગુજરાત ખાલીપો અનુભવે છે. તેમણે જણાવ્યું કે અનારબેને કહ્યું એ સ્વાભાવિક છે..ખુરશી ખાલી રહેતી નથી કોઈ પણ વ્યક્તિ બેસે છે પણ આનંદીબેનના અનુભવનો લાભ મળતો રહે છે. અમને યુવાનોને રાજકીય હાથો બનાવ્યા લાગે છે

આ પણ વાંચો :    Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા “


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *