Vadodara News: શિનોરમાં SKY યોજનાના 55 ખેડૂતોની અરજી સ્વીકારવા વીજ કંપનીનો ઈનકાર

📅 Published: November 17, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ઝાંઝડ ફીડર હેઠળ આવતા 55 અસરગ્રસ્ત ખેડૂતો પોતાની તૈયાર અરજીઓ લઈને વીજ કચેરીએ પહોંચ્યા હતા.ખેડૂતો સ્કાય યોજનામાંથી બહાર નીકળવા માટે વન ટાઈમ એક્ઝિટ ઓપ્શન હેઠળ અરજી આપવા ગયા હતા. શિનોર એમજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરે ખેડૂતોની અરજીઓ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.વીજ કંપનીના અધિકારીએ કંપનીના નિયત ફોર્મમાં જ અરજી કરવાનો આગ્રહ રાખ્યો હતો.અધિકારીએ ખેડૂતોની તૈયાર અરજીઓ સ્વીકારવાનો લેખિત ઇનકાર કરી દીધો હતો.

હક માટે વીજ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે

ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીના ફોર્મમાં જોડાણ નવા વીજ ટેરિફમાં તબદીલ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.આ જોગવાઈ ખેડૂતો માટે નુકસાનકારક હોવાથી તેઓ તેનો સખત વિરોધ કરી રહ્યા છે.આ સમગ્ર વિવાદ પાછળ ખેડૂતોનો લાંબો સંઘર્ષ રહેલો છે.સ્કાય યોજના સામે ખેડૂતો છેલ્લા સાત વર્ષથી સતત લડત ચલાવી રહ્યા છે.આ મામલે હાઈકોર્ટમાં પણ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.અદાલતી પ્રક્રિયા બાદ ઊર્જા વિભાગ દ્વારા તા.30 ઓક્ટોબર 2026ના રોજ વન ટાઈમ એક્ઝિટ અંગે સ્પષ્ટ આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો.સરકારનો આદેશ હોવા છતાં સ્થાનિક કક્ષાએ વીજ કંપની ખેડૂતોની અરજીઓ કેમ સ્વીકારતી નથી તેવો મોટો સવાલ ઊભો થયો છે.હાઈકોર્ટની કાર્યવાહી અને સત્તાવાર આદેશ છતાં ખેડૂતોને પોતાના હક માટે વીજ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.

ખેડૂતો પર નવી શરતો લાદી રહી હોવાનો રોષ વ્યાપી ગયો છે

સરકારી નિયમોનું પાલન કરવાને બદલે વીજ કંપની ખેડૂતો પર નવી શરતો લાદી રહી હોવાનો રોષ વ્યાપી ગયો છે.ઓછા વરસાદને કારણે વિસ્તારના ખેડૂતો પહેલેથી જ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.પાક બચાવવા વીજળી જરૂરી હોય ત્યારે વીજ કંપનીના આવા વલણથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.પીડિત ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે.સરકાર વીજ કંપનીને આદેશ આપીને ખેડૂતોના જોડાણો તાકીદે જૂના કૃષિ ટેરિફમાં પુનઃસ્થાપિત કરાવે તેવી માંગ ઉઠી છે.આ વાજબી માંગણી તાત્કાલિક નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *