Chennai: ધોની યુગનો અંત, ફેન્સ થયા ભાવુક, લખ્યું,.."એક સુરજ, એક ચાંદ, એક માહી…"

📅 Published: November 17, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો માટે એક ભાવુક કરી દેતા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, ધોની આઈપીએલમાં ખેલાડી તરીકેની સફરને વિરામ આપીને નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. આઈપીએલ 2027માં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલા રહેશે. 

પાંચ વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન

મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની ઓળખ બની ચૂક્યા છે. તેમની કેપ્ટનશિપમાં ટીમે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરીને ધોનીએ ચેન્નાઈને અનેક યાદગાર જીત અપાવી છે. તેમની રમતની સમજ, શાંત સ્વભાવ અને મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતાએ તેમને ખાસ ઓળખ અપાવી છે.

મેન્ટર બનીને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે

અહેવાલો અનુસાર, નવી ભૂમિકામાં ધોની ટીમના ડગઆઉટમાં રહીને ખેલાડીઓને માર્ગદર્શન આપશે. તેમના લાંબા ક્રિકેટ અનુભવનો લાભ યુવા ખેલાડીઓને મળી શકે છે. મેદાન પર ખેલાડી તરીકે નહીં, પરંતુ માર્ગદર્શક તરીકે ટીમ સાથે જોડાયેલા રહેવાની આ ભૂમિકા ચેન્નાઈ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.

  

ચાહકોની ભાવુક પ્રતિક્રિયાઓ

ધોનીના સંભવિત સંન્યાસના સમાચારથી ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘એક સૂરજ, એક ચાંદ અને એક માહી’. 

છેલ્લી ઘડી સુધી મેચ જીતાડવાની તેમની ક્ષમતા

અનેક ચાહકોનું કહેવું છે કે તેઓ ધોનીની બેટિંગ, વિકેટકીપિંગ અને છેલ્લી ઘડી સુધી મેચ જીતાડવાની તેમની ક્ષમતાને ખૂબ યાદ કરશે. મેદાનમાં ધોની ઉતરે ત્યારે ગુંજતા ‘ધોની-ધોની’ના નારા તેમની લોકપ્રિયતાની સાબિતી છે.

ગંભીરના ઉદાહરણ સાથે ધોનીની નવી ભૂમિકાની ચર્ચા

ખેલાડી તરીકે આઈપીએલમાંથી વિદાય લીધા બાદ મેન્ટરની ભૂમિકા સંભાળનાર ગૌતમ ગંભીરનું ઉદાહરણ પણ ચર્ચામાં છે. ગંભીરના માર્ગદર્શન હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે 2024માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. હવે ધોની પણ મેન્ટર તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સને માર્ગદર્શન આપશે તેવી ચર્ચા છે. 

15 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે સમયે ધોનીએ માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, આઈપીએલમાંથી નહીં.

– ટેસ્ટ ક્રિકેટ: 30 ડિસેમ્બર, 2014

– આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ODI અને T20 સહિત): 15 ઓગસ્ટ, 2020

– આઈપીએલ: 17 નવેમ્બર, 2026 


આ પણ વાંચો :   Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા “


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *