પંચમહાલમાં ચોરી, અકસ્માત અને મારામારીની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગોધરા તાલુકાના કબીરપુર ગામે દશામા મંદિરના ફળિયામાં પાર્ક કરેલી બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ, શહેરા તાલુકાના ધોયકા ગામ નજીક પૂરઝડપે આવેલા પીકઅપ ડાલાએ બાઈકને ટક્કર મારતાં બે યુવકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે શહેરા તાલુકાના નાડા ગામે ઢોર બાંધવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા 21 વર્ષીય યુવક પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કબીરપુરમાં દશામા મંદિરના ફળિયામાંથી બાઈકની ચોરી ગોધરા તાલુકાના કબીરપુર ગામે આવેલા દશામા મંદિરના ફળિયામાં પાર્ક કરેલી બાઈકની અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શહેરા તાલુકાના ભુરખલ ભરવાડ ફળિયામાં રહેતા સામંતભાઈ મીરની અંદાજે રૂ. 15 હજારની કિંમતની બાઈક ગત 8 ઓક્ટોબરની રાત્રે ચોરાઈ હતી. બાઈકની પોતાની રીતે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે તેમણે 16 નવેમ્બરના રોજ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી બાઈકની શોધખોળ સહિતની તપાસ હાથ ધરી છે. ધોયકા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે યુવકોનાં કરુણ મોત શહેરા તાલુકાના ધોયકા ગામ નજીક ગત 14 નવેમ્બરની રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. પૂરઝડપે આવી રહેલા અજાણ્યા પીકઅપ ડાલાના ચાલકે બાઈકને સામેથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર 25 વર્ષીય ગણપતભાઈ ખાતુભાઈ રાવળ અને અજયભાઈ રયજીભાઈ રાવળને ગંભીર ઈજાઓ પહોંચતાં બંને યુવકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ડાલાનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતકના પિતાએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર વાહનચાલકની શોધખોળ અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. નાડા ગામે ઢોર બાંધવા જેવી સામાન્ય બાબતે યુવક પર લાકડીથી હુમલો શહેરા તાલુકાના નાડા ગામના કામળીયા ફળિયામાં ઢોર બાંધવા જેવી સામાન્ય બાબતે થયેલો ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો. ગત 16 નવેમ્બરની સવારે રમેશભાઈ બારીઆ અને રંગીતભાઈ બારીઆ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડેલા 21 વર્ષીય જયેશભાઈ બારીઆ પર રંગીતભાઈએ લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં જયેશભાઈને કપાળના ભાગે ઈજા પહોંચી હતી. એટલું જ નહીં, હુમલાખોરે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવને પગલે જયેશભાઈએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલમાં ચોરી, હિટ એન્ડ રન અને મારામારીની ત્રણ ઘટના:ગોધરામાં મંદિરના ફળિયામાંથી બાઈકની ચોરી, ધોયકા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે યુવકોનાં મોત, નાડા ગામે યુવક પર લાકડીથી હુમલો
📅 Published: November 17, 2026 |
📂 Category: gujarati-news
