“લોકશાહી ભૂલી જાઓ, કારણ કે તે આપણા માટે નથી” 3 એપ્રિલ 2026ના દિવસે સરકારી ટીવી પર આ ખુલ્લી ધમકી આપનાર કોઈ પીઢ નેતા નહીં પણ 38 વર્ષના દુનિયાના સૌથી યુવા ડિક્ટેટર ઈબ્રાહિમ ટ્રાઓરે હતા. રાવણની લંકા સોનાની હતી. એવી જ રીતે આફ્રિકાનો એક દેશ છે જેનાં પેટાળમાં સોનાનો ભંડાર છે. આ દેશ એટલે બુરકિના ફાસો. અત્યારે આ દેશ તેનાં સોનાને કારણે નહીં પણ યુવા તાનાશાહને કારણે ચર્ચામાં છે. જેનું નામ છે ઈબ્રાહિમ ટ્રાઓરે. પણ એ બીજા તાનાશાહોથી સાવ અલગ છે. તેમણે અમેરિકા-ફ્રાન્સને છોડીને પુતિનની દોસ્તી કરી છે. આજે આ તાનાશાહની વાત કરીએ. નમસ્કાર… બુર્કિના ફાસોના ડિક્ટેટર ઈબ્રાહિમ ટ્રાઓરેને સોશિયલ મીડિયામાં લાખો-કરોડો વ્યૂઝ મળી રહ્યા છે. પોતાની લાલ ટોપી, આર્મી યુનિફોર્મ અને આક્રામક સ્પીચના કારણે તે આફ્રિકા અને દુનિયા બંનેમાં ફેમસ છે. આફ્રિકાના કરોડો યુવાનો તેમને પશ્ચિમી ગુલામીમાંથી મુક્તિ અપાવનાર નવા મસીહા અને મહાન ક્રાંતિકારી થોમસ સાંકારાના અવતાર તરીકે પૂજી રહ્યા છે. વધુ વિગતો જાણીએ તો… હવે આપણે ઈબ્રાહિમ ટ્રાઓરે જે દેશના નેતા છે તે બુર્કિના ફાસો વિશે પણ થોડું સમજી લઈએ. પણ આ ચમકીલી ક્રાંતિકારી આભા પાછળની જમીની હકિકત ખૂબ જ ભયાનક અને લોહિયાળ છે. આતંકવાદ ખતમ કરવાના નામે ટ્રાઓરેએ સપ્ટેમ્બર 2022માં બળવો કરીને સત્તા કબજે કરનાર ટ્રાઓરેએ જાન્યુઆરી 2026માં દેશના બધી જ પોલિટિકલ પાર્ટીને વિખેરી નાખી છે. ટ્રાઓરેએ પત્રકારો-ન્યાયાધીશોને હથિયાર પકડાવ્યા આજે બુર્કિના ફાસોમાં સરકારની ટીકા કરવી એટલે મોતને દાવત દેવી. ટ્રાઓરે સરકારે ઈન્ડિપેન્ડેન્ટ પત્રકારો, હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને ન્યાયાધીશોની પણ ધરપકડ કરીને તેમને બળજબરીથી આતંકવાદીઓ સામે લડવા યુદ્ધના મોરચે મોકલી દીધા છે. સૌથી મોટો વિવાદ એ છે કે જે સોશિયલ મીડિયા પર ટ્રાઓરે દુનિયાનો સુપર હીરો બનીને ઉભર્યા છે, તેના પર વાયર થતા તેમના વીડિયો હકિકતમાં એઆઈથી બનેલા અને ડીપફેક છે તેવી પણ ચર્ચાઓ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હાથ મિલાવીને ટ્રાઓરેએ પશ્ચિમી દેશો સામે મોરચો માંડ્યો, પણ શું તે પોતાના દેશને ખરેખર આઝાદ કરી રહ્યા છે કે પછી ગુલામીમાંથી કાઢીને લશ્કરી તાનાશાહીમાં ધકેલી રહ્યા છે? ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026ના આંકડા કહે છે કે બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલાથી થતા મોતમાં 45 ટકાનો ઘટાડો થયો છે, છતાં આ દેશ આજે પણ આતંકવાદથી સૌથી વદુ પ્રભાવિત દેશોમાં પાકિસ્તાન પછી દુનિયામાં બીજા નંબરે છે અને 20 લાખ લોકો પોતાના જ દેશમાં નોંધારા બનીને ભટકી રહ્યા છે. ટ્રાઓરેએ સીધો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો હાથ પકડ્યો. જુલાઈ 2023માં સેન્ટ પીટર્સબર્ગ સમિટમાં ટ્રાઓરેએ પુતિનની હાજરીમાં આફ્રિકન નેતાઓને સામ્રાજ્યવાદીઓની કઠપૂતળી કહીને ખળભળાટ મચાવી દીધો હતો. બદલામાં પુતિને બુર્કિના ફાસોને 25 હજારથી 50 હજાર ટન મફત ઘઉં આપ્યા અને 2024માં રશિયાના આફ્રિકા કોર્પ્સના 100 સૈનિકો ટ્રાઓરેની સિક્યોરિટી માટે આપ્યા. ટ્રાઓરેથી ભારતના વેપારને શું અસર પડી શકે? આ આફ્રિકન ઉથલપાથલની સીધી અસર દુનિયાના અને ભારતના વેપાર પર પડી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે બુર્કિના ફાસોથી ભારતમાં થતી કાચા સોનાની ઈમ્પોર્ટમાં 314 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે, જેની સીધી કડી ગુજરાતના જ્વેલરી બજાર અને ત્યાં વસતા 600 જેટલા ભારતીયોના કરોડોના કારોબાર સાથે પણ જોડાયેલી છે. ઈકોનોમીની વાત કરીએ તો ટ્રાઓરેએ રિસોર્સ નેશનાલિઝમનું હથિયાર ઉગામ્યું. બુર્કિના ફાસો દર વર્ષે આશરે 94 ટન સોનું પેદા કરે છે, જે અત્યાર સુધી કેનેડિયન અને બ્રિટિશ કંપનીઓ વિદેશ લઈ જતી હતી. ટ્રાઓરેએ ઓગસ્ટ 2024માં 80 મિલિયન ડોલરના સોદામાં બે મોટી સોનાની ખાણો અને જૂન 2025માં બીજી 5 ખાણોનું નેશનલાઈઝેશન કરી સરકારી કંપની SOPAMIBને સોંપી દીધી હતી. બુર્કિના ફાસો દેશ પાસે કેટલું સોનું છે? દેશનું સોનું દેશમાં જ શુદ્ધ થાય તે માટે તેમણે 19 મિલિયન ડોલરના ખર્ચે પહેલી ગોલ્ડ રિફાઈનરી શરૂ કરી, જેની કેપેસિટી વાર્ષિક 164 ટન છે જે ભવિષ્યમાં 515 ટન પહોંચી શકે છે. IMF અને વર્લ્ડ બેંકની લોન ઠુકરાવીને ટ્રાઓરેએ ખેડૂતોને 400થી વધુ ટ્રેક્ટર, 710 પંપ આપ્યા અને ટામેટા તથા કપાસના પ્રોસેસિંગ પ્લાન્ટ નખાવ્યા. દાવા મુજબ આનાથી 2022થી 2024 વચ્ચે દેશની જીડીપી 18.8 અબજથી વધીને 22.1 અબજ ડોલર થઈ અને મંત્રીઓના પગારમાં 30 ટકા કાપ મૂકી સરકારી કર્મચારીઓનો પગાર 50 ટકા વધારી આપ્યો. આતંકવાદથી પીડીત છે બુર્કિના ફાસો પણ સિક્યોરિટી અને હ્યુમન રાઈટ્સના આંકડા કંઈક બીજું જ ચિત્ર દેખાડે છે. ટ્રાઓરેના પહેલા બે વર્ષમાં બુર્કિના ફાસો દુનિયામાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં પહેલા નંબરે રહ્યું, જ્યાં દુનિયાના કૂલ આતંકી મોતમાંથી 20 ટકા એકલા બુર્કિના ફાસો દેશમાં થયા. 24 ઓગસ્ટ 2024ના રોજ બાર્સાલોઘોમાં રક્ષણાત્મક ખાઈ ખોદી રહેલા ઓછામાં ઓછા 133થી 200થી વધુ નાગરીકોને JNIMના આતંકીઓએ રહેંસી નાખ્યા. હ્યુમન રાઈટ વોચના એપ્રિલ 2026ના રિપોર્ટ મુજબ, ખુદ બુર્કિના ફાસોની સેના અને VDP મિલિશિયાએ 57 હત્યાકાંડોમાં 1 હજાર 840 નાગરિકોની હત્યા કરી ફુલાની સમુદાયનું વંશીય નિકંદન ચલાવ્યું છે. ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 મુજબ 2025માં આતંકી મોત 45 ટકા ઘટીને 846 થયા છે, પણ હુમલાની ઘાતકતા વધી છે અને આજે પણ દેશના અનેક શહેરો આતંકીઓની ઘેરાબંધી હેઠળ છે. આટલું બધુ જાણ્યા પછી તમને થશે કે આનાથી ભારત અને ગુજરાત સાથે શું લેવાદેવા? તો ઓક્ટોબર 2026ના વેપાર આંકડા મુજબ જ્યારે ભારતની કૂલ સોનાની આયાત ઘટી રહી હતી ત્યારે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે બુર્કિના ફાસોથી ભારતમાં થતી કાચા સોનાની આયાત 314 ટકા ઉછળીને 168.4 મિલિયન ડોલર થઈ ગઈ છે. ભારતીયો બુર્કિના ફાસોમાં શું કામ કરે છે? ભારતમાં તૈયાર સોના પર 15 ટકા અને અશુદ્ધ ગોલ્ડ ડોરે પર 14.35 ટકા ડ્યૂટી હોવાથી મળતા 0.65 ટકાના ટેક્સ બેનિફિટના કારણે ભારતીય રિફાઈનર્સ સીધું બુર્કિના ફાસોથી સોનું મગાવી રહ્યા છે. IIM અમદાવાદના રિપોર્ટ મુજબ ગુજરાત ભારતનું મોટું હબ છે, એટલે આ સપ્લાય ચેઈન ગુજરાતના વેપારીઓ માટે મહત્વની છે. આ સિવાય ભારતે ત્યાં ખેતી, વીજળી અને માળખાગત સુવિધા માટે 290 મિલિયન ડોલરથી વધુની લોન-ગ્રાન્ટ આપી છે અને ત્યાં વસતા 600 ભારતીયો કપાસ, કાજુ, ફાર્મા અને સિમેન્ટના કરોડોના વેપારમાં કામ કરે છે. અને આંકડાઓથી પરેની અસલી હકિકત અને રમત હવે શરૂ થાય છે. દુનિયા જે ઈબ્રાહિમ ટ્રાઓરેને સોશિયલ મીડિયા પર પશ્ચિમી ગુલામી દોડનાર મસીહા માની રહી છે, તેની પાછળ 21મી સદીનું સૌથી ખતરનાક ડિજિટલ પ્રોપેગેન્ડા તંત્ર કામ કરી રહ્યું છે. પોતાના AI વીડિયો બનાવે છે ઈબ્રાહિમ ટ્રાઓરે? ગ્લોબલ એક્સપર્ટ્સ આને ધ ડિજિટલ કલ્ટ ઓફ સેન્ટ ટ્રાઓરે કહે છે, તે કોઈ કુદરતી પોપ્યુલારિટી નથી પણ રશિયાના ડિસઈન્ફોર્મેશન નેટવર્ક અને AI ડીપફેક ટેક્નોલોજીનો કમાલ છે. રશિયામાં બેઠેલા અમેરિકન નાગરિક જોન માર્ક ડુગન જેવા નેટવર્કર્સ AI ટૂલ્સની મદદથી ટ્રાઓરેના બનાવટી વીડિયો બનાવીને કરોડો લોકોના મગજમાં ટ્રાઓરેની ઈમેજ ચમકાવી રહ્યા છે. તમે ટિકટોક કે યુટ્યૂબ પર જે વીડિયોમાં વ્હાઈટ હાઉસના પૂર્વ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટને ટ્રાઓરેનું અપમાન કરતા અને ટ્રાઓરેને તેમની બોલતી બંધ કરતા જુઓ છે, તે ક્યારેય બન્યું જ નથી. સ્નોપ્સ જેવી ફેક્ટ ચેકિંગ સંસ્થાઓએ સાબિત કર્યું છે કે પોપ લીઓ ચૌદમાથી માંડીને ગાયક આર. કેલી સુધીના ટ્રાઓરેના વખાણ કરતા બધા વીડિયો નકલી અને AI જનરેટેડ છે. લોકો ટ્રાઓરેને થોમસ સંકારાનો અવતાર કેમ માને છે? બીજો સૌથી મોટો મુદ્દો આફ્રિકાના મહાન ક્રાંતિકારી થોમસ સાંકારા સાથેની તેમની સરખામણીનો છે. 1983થી લઈને 1987 વચ્ચે શાસન કરનાર સાંકારાએ ખેડૂતોને જમીનોના હક આપ્યા, મહિલાઓને સત્તામાં ભાગીદાર બનાવી અને જનતાને જગાડી હતી. ટ્રાઓરેને પણ સાંકારા સાથે જોડવામાં આવી રહ્યા છે. જો કે પશ્ચિમી દેશોનું માનવું છે કે ટ્રાઓરે ક્રાંતિકારી વાઘામાં સરમુખત્યારશાહી ઉભી કરી રહ્યા છે. બંને પક્ષો પોતપોતાની જગ્યાએ સાચા જ છે. જ્યાં સાંકારાએ લોકોને અવાજ આપ્યો ત્યાં ટ્રાઓરેએ ટીકા કરનાર પત્રકારો કે જજોને બંદૂક પકડાવીને યુદ્ધના મોરચે ધકેલી દીધા છે. આ ખાલી પશ્ચિમી ગુલામીમાંથી નીકળીને રશિયન આફ્રિકા કોર્પ્સની સુરક્ષા છત્રી નીચે એક નવી ગોઠવણ ગણવામાં આવી રહી છે. પણ ટ્રાઓરે કોઈ એક મહાસત્તાના હાથનું રમકડું નથી બનવા માગતા. ઓક્ટોબર 2026માં જ્યારે તે પોતે મોસ્કોની રશિયા-આફ્રિકા સમીટમાં જવાને બદલે પોતાના વડાપ્રધાનને મોકલીને તેમણે પોતાના આદર્શ પુતિનને પણ આડકતરી રીતે મેસેજ આપી દીધો કે હું ઈન્ડિપેન્ડેન્ટ ખેલાડી છું. તાળીઓના ગડગડાટ વચ્ચે પેદા થતો તાનાશાહ આપણા દેશની વાત કરીએ તો અત્યારે 0.65 ટકા ડ્યૂટીના ફાયદાના કારણે આપણા રિફાઈનર્સ બુર્કિના ફાસોથી ગોલ્ડ ડોરે મગાવી રહ્યા છે. પણ ટ્રાઓરેની રિફાઈનરી પોતાની પૂરી કેપિસિટીથી ચાલશે અને કાચા સોનાની નિકાસ પર પ્રતિબંધ મૂકશે ત્યારે ભારતીય બુલિયન બજાર અને ગુજરાતના મોટા સોની માટે સસ્તા કાચા સોનાનો આ દરવાજો બંધ થઈ શકે તેનું પણ જોખમ છે. જો કે આવું થાય કે ન થાય તે એક બીક છે કારણ કે ટ્રાઓરેને પણ પોતાની ફેક્ટરીથી નફો જ જોઈએ, ખોટ નહીં. ટૂંકમાં ઈબ્રાહિમ ટ્રાઓરે આજના મલ્ટી પોલર દુનિયાનું એક કડવું સત્ય છે, જે કહી જાય છે કે જ્યારે કોઈ નેતા રાષ્ટ્રવાદ અને સુરક્ષાના નામે લોકશાહીનું ગળું દબાવે ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે એક નવો તાનાશાહ જન્મ લે છે. સવાલ એ છે કે સોશિયલ મીડિયાના હિરો ટ્રાઓરે બુર્કિના ફાસોને ખરેખર સોનાની ચીડિયા બનાવશે કે પછી પોતાના દેશને ગૃહયુદ્ધમાં ફેરવી નાખશે. અને છેલ્લે… આજનો દિવસ મહત્વનો છે. કારણ કે મોદી-ટ્રમ્પની ફિલિપાઈન્સમાં મુલાકત થઈ. આ છ મહિનામાં બીજીવાર છે જ્યારે બંને નેતાઓ મળ્યા છે. પણ જેના કારણે મળ્યા છે તે ક્વાડથી ચીનનો કેવી રીતે માથાનો દુઃખાવો વધશે તે જોવાનું રહ્યું. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
5 વખત મોતને મ્હાત આપનાર મુસ્લિમ તાનાશાહ:38 વર્ષના ઇબ્રાહિમે અમેરિકા-ફ્રાન્સની સેનાને ભગાડી, જજ-પત્રકારોને બંદૂકો પકડાવી, ક્રૂરતા અને ક્રાંતિનો ડેડલી કોમ્બો
📅 Published: November 17, 2026 |
📂 Category: International
