મહેન્દ્ર સિંહ ધોની હવે IPLમાં ખેલાડી તરીકે મેદાન પર જોવા નહીં મળે. લગભગ 18 વર્ષ સુધી પોતાની રમત અને કેપ્ટનશિપથી કરોડો ચાહકોના દિલ જીતનાર ધોનીએ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ હવે ચેન્નાઈ સુપર કિંગ્સમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. તેમના આ નિર્ણય બાદ ક્રિકેટ જગતમાં ભાવુક પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે. ભૂતપૂર્વ સાથી ખેલાડીઓથી લઈને હરીફ ટીમો સુધી દરેકે ધોનીને ખાસ અંદાજમાં વિદાય આપી છે.
‘8નો 7 માટે હંમેશાં આદર’, જાડેજાની ભાવુક પોસ્ટ
ધોનીના ભૂતપૂર્વ સાથી અને ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને તેમને સલામ કરી હતી. જાડેજાએ ધોની સાથેની એક તસવીર શેર કરતાં લખ્યું, ‘8નો 7 માટે હંમેશાં આદર.’ સાથે હાથ જોડવાનું ઇમોજી પણ મૂક્યું હતું. આ સંદેશમાં 8 નંબર જાડેજા અને 7 નંબર ધોની સાથે જોડાયેલો છે. બંનેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે લાંબા સમય સુધી સાથે રમીને અનેક યાદગાર જીત અપાવી છે. ખાસ કરીને 2023ની IPL ફાઇનલમાં જાડેજાએ છેલ્લી બે બોલમાં બાઉન્ડરી અને સિક્સર ફટકારીને ચેન્નાઈને પાંચમો ખિતાબ અપાવ્યો હતો. આ જીત બાદ જાડેજાએ ધોનીને ઊંચકીને ઉજવણી કરી હતી. જાડેજાની પોસ્ટ પર ચેન્નાઈ સુપર કિંગ્સે પણ પ્રતિક્રિયા આપતાં લખ્યું, ‘થાલા-થલપતિ ફોરેવર!’
ઇરફાન પઠાણે કહ્યું- ધોનીની વિરાસતની બરાબરી મુશ્કેલ
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પણ ધોનીના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે લખ્યું કે ધોની એક એવા નેતા અને ફિનિશર રહ્યા છે, જે દબાણની સ્થિતિમાં પણ શાંત રહેતા હતા. તેઓ ભારતીય ક્રિકેટની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંના એક છે. ઇરફાનના મતે ધોનીએ જે વિરાસત ઊભી કરી છે તેની બરાબરી કરવી સરળ નહીં હોય. તેમણે ધોનીને અભિનંદન આપતાં આશા વ્યક્ત કરી કે તેમનો અનુભવ અને ક્રિકેટની સમજ આવનારી પેઢીના ખેલાડીઓને પ્રેરણા આપતી રહેશે.
શિખર ધવને પણ યાદ કરી ધોનીની સફર
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને પણ ધોની માટે ભાવુક સંદેશ શેર કર્યો હતો. ધવને તેમની શાનદાર સફર, નેતૃત્વ અને શાંત સ્વભાવની પ્રશંસા કરી હતી. ધવને કહ્યું કે ધોનીએ પોતાની રમત અને વ્યક્તિત્વથી અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. ખેલાડી તરીકે તેઓ હવે એક પગલું પાછળ હટી રહ્યા છે, પરંતુ ક્રિકેટ પર તેમનો પ્રભાવ હંમેશાં રહેશે. ધવને ચેન્નાઈ સાથેની નવી ભૂમિકા માટે પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ અને IPLએ પણ આપી વિદાય
ધોનીના નિવૃત્તિના સમાચાર બાદ તેમની હરીફ ટીમ મુંબઈ ઇન્ડિયન્સે પણ ખાસ પોસ્ટ કરી હતી. મુંબઈએ ધોની અને રોહિત શર્માની એક જૂની તસવીર શેર કરી હતી. બંનેએ IPLમાં પોતાની ટીમોને પાંચ-પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. મેદાન પરની હરીફાઈ વચ્ચે બંને ખેલાડીઓ વચ્ચેનો પરસ્પર આદર આ તસવીરમાં જોવા મળ્યો હતો.
IPLના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલે પણ ધોનીની તસવીર શેર કરીને લખ્યું, ‘ફોરેવર એન ઇમોશન’, એટલે કે ધોની હંમેશાં એક લાગણી બની રહેશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ધોનીને ટીમના માર્ગદર્શક તરીકે આવકાર્યા છે. હવે 2027ની સિઝનમાં તેઓ પીળી જર્સીમાં બેટિંગ કરતા નહીં દેખાય, પરંતુ ટીમ સાથે તેમનો સંબંધ યથાવત્ રહેશે.
