Travis Head: ‘થૅન્ક યુ, હૈદરાબાદ!’ હેડે SRHને કહ્યું અલવિદા, હવે અભિષેક શર્મા સાથે કોણ કરશે ધમાકેદાર શરુઆત ?

📅 Published: November 17, 2026 | 📂 Category: cricket

સનરાઇઝર્સ હૈદરાબાદના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડે IPL ફ્રેન્ચાઇઝી સાથેના ત્રણ વર્ષના સાથને અલવિદા કહી દીધી છે. IPL 2027 માટે રિલીઝ થયા બાદ હેડે સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ લખીને ટીમના માલિકો, મેનેજમેન્ટ, કોચિંગ સ્ટાફ, ખેલાડીઓ અને ચાહકોનો આભાર માન્યો છે. તેણે પોતાના સંદેશના અંતમાં લખ્યું, ‘થેન્ક યુ, હૈદરાબાદ!’

હેડે સંદેશમાં શું લખ્યું?

ટ્રેવિસ હેડે પોતાના સંદેશમાં જણાવ્યું કે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેના ત્રણ વર્ષ તેના માટે યાદગાર રહ્યા છે. ટીમથી અલગ થવાનો નિર્ણય સરળ નહોતો, પરંતુ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની મહત્વાકાંક્ષાઓ અને પરિવાર સાથે કામકાજ તથા અંગત જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેણે આ નિર્ણય લીધો છે. હેડે ટીમના માલિકો અને મેનેજમેન્ટનો વિશ્વાસ બદલ આભાર માન્યો હતો. સાથે જ કોચ, સ્ટાફ અને ખેલાડીઓ સાથે મળેલી મિત્રતા અને યાદોને પણ યાદ કરી હતી. તેણે ‘ઓરેન્જ આર્મી’ તરીકે ઓળખાતા હૈદરાબાદના ચાહકોના ઉત્સાહ અને સતત સમર્થન બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

હેડે લખ્યું કે ટીમ સાથે મળેલી સફળતા પર તેને ગર્વ છે અને સનરાઇઝર્સ સાથે વિતાવેલા સમયને તે હંમેશાં સારી યાદો સાથે યાદ રાખશે. અંતમાં તેણે ટીમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

IPL 2027માંથી દૂર રહેવાનું કારણ શું?

ટ્રેવિસ હેડનો આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે આવ્યો છે. 2027માં ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ ક્રિકેટ, એશિઝ અને ODI વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો છે. આ કારણે ખેલાડીઓ પર કામનો ભાર વધી શકે છે. હેડે પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અને પરિવાર સાથે વધુ સારું સંતુલન જાળવવાની ઇચ્છાને નિર્ણય પાછળનું કારણ ગણાવ્યું છે. એટલે IPL 2027માં તે હૈદરાબાદ તરફથી રમતો જોવા નહીં મળે. 

ત્રણ સિઝનમાં હૈદરાબાદ માટે કેટલું યોગદાન?

ટ્રેવિસ હેડ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો હતો. પ્રથમ જ સિઝનમાં તેણે 15 મેચમાં 567 રન બનાવીને પોતાની તોફાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો સ્ટ્રાઇક રેટ 191.55 રહ્યો હતો. હેડના આ પ્રદર્શને હૈદરાબાદને IPL ફાઇનલ સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 2025ની સિઝનમાં તેણે 374 રન બનાવ્યા હતા, જ્યારે 2026માં તેના બેટમાંથી 410 રન આવ્યા હતા. આમ, ત્રણ સિઝનમાં તેણે કુલ 1,351 રન બનાવ્યા. અભિષેક શર્મા સાથે તેની ઓપનિંગ જોડી હૈદરાબાદની સૌથી મોટી તાકાત બની હતી. બંનેની આક્રમક બેટિંગને કારણે પાવરપ્લેમાં જ વિરોધી ટીમો પર દબાણ ઊભું થતું હતું. 

હૈદરાબાદને હવે નવો ઓપનર શોધવો પડશે

હેડને રિલીઝ કરવાથી સનરાઇઝર્સ હૈદરાબાદને હરાજીમાં ₹14 કરોડની જગ્યા મળશે. જોકે, તેની વિદાયથી ટીમની ઓપનિંગ જોડીમાં મોટો ખાલીપો ઊભો થશે. હવે અભિષેક શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા માટે ટીમે નવા ખેલાડીની શોધ કરવી પડશે.

હૈદરાબાદ પાસે હરાજી માટે કુલ ₹40.15 કરોડનું બજેટ છે. હવે જોવાનું રહેશે કે ટીમ આ રકમમાંથી હેડનો વિકલ્પ શોધે છે કે પછી પોતાની બેટિંગ અને બોલિંગ બંનેને મજબૂત બનાવવા માટે અલગ વ્યૂહરચના અપનાવે છે.

આ પણ વાંચો: IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો મોટો નિર્ણય! ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર બહાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *