રાજકોટ મોરબી હાઇવે જાણે બાઈક સ્ટંટ કરતા યુવાનો માટે બનાવવામાં આવ્યો હોય તેમ એક સાથે બે બે વાહનોમાં યુવાનો ધૂમ સ્ટાઇલમાં પુરપાટ ઝડપે બાઈક ચલાવી બાઈક પર સુતા સુતા વાહન ચલાવતા જતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ યુવાનો પોતે બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માતને નોતરી રહ્યા છે અને સાથે સાથે અન્ય વાહન ચાલકો માટે પણ તેઓ જોખમી સાબિત થઇ રહ્યા છે. રાજકોટ જામનગર અને રાજકોટ મોરબી હાઇવે રોડ પર અવારનવાર યુવાનો બાઈક પર સ્ટંટ કરતા અને રેસ કરતા હોવાના વિડીયો સામે આવતા હોય છે આજ રોજ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેમાં મંગળવારની રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામ નજીક બે બાઈક પર યુવાનો એક સાથે રસ્તા પર પુરપાટ ઝડપે વાહન હંકારી સુતા સુતા બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં અલગ અલગ ચાર વાહનો જોવા મળી રહ્યા છે જેમાં 2 બાઈક પૂર ઝડપે ચાલી રહ્યા છે અને બીજા બે બાઇકમાં યુવાનો સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ સમયે વાહનની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ મોરબી હાઇવે પર યુવાનો દ્વારા જોખમી રીતે સ્ટંટ કરતા કરતા વાહન ચલાવી પોતાની સાથે અન્યોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેના આધારે હવે પોલીસ દ્વારા વાયરલ વિડીયો આધારે તપાસ શરૂ કરવામાં આવશે. જો કે મહત્વની વાત એ છે કે રાજકોટમાં વારંવાર આ પ્રકારે હાઇવે પર સ્ટંટ બાજોના વિડીયો સામે આવતા હોય છે જેમાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા સ્ટંટ બાજો પર પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા હાઇવે પર નાઈટ પેટ્રોલિંગ વધારી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
મોરબી હાઇવે પર બાઈક સ્ટંટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ:રાજકોટમાં 2 યુવાનો બાઈક પર સુતા-સુતા 80 કિમી પ્રતિ કલાકની ઝડપે બેફિકરાઈથી વાહન ચલાવતા હતા
📅 Published: November 17, 2026 |
📂 Category: gujarati-news
