Vadodara : ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરી રહ્યું છેઃCM

📅 Published: November 17, 2026 | 📂 Category: Baroda

પંચમહાલ જિલ્લાના હાલોલના નુરપુરા ખાતે ટી.એમ.સી. ટ્રાન્સફોર્મર્સ (ઈન્ડિયા) લિ.નું આજે મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. પ્રસંગોપાતતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટી.એમ.સી.નો પ્રોજેક્ટ એક સીમા ચિહન સાબિત થશે. ટ્રાન્સફોર્મર એ વિકાસની કરોડરજ્જુ છે. વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાના આદિવાસી ક્ષેત્રે ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ટી.એમ.સી. ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા પંચમહાલ ખાતે સ્થપાનારા અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા નવા પ્લાન્ટનું ભૂમિપૂજન આજે મંગળવારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટી.એમ.સી.નો પ્રોજેક્ટ એક સીમા ચિહન સાબિત થશે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. બે દાયકા પહેલાં આ જ જિલ્લાના ચાંપાનેરથી શરૂ થયેલી ‘જ્યોતિગ્રામ યોજના’એ દેશના વિજળી ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું. હવે, ટી.એમ.સી.નો આ નવો પ્લાન્ટ વાર્ષિક 78,000 એમ.વી.એ. ઉત્પાદન ક્ષમતા સાથે નિર્માણ પામશે. આ પ્લાન્ટ માત્ર ઊર્જા સુરક્ષા જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરશે. વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ્ આગળ વધી રહ્યો છે. આ ઉદ્યોગના આગમનથી એમ.એસ.એમ.ઈ., નાના સપ્લાયર્સ અને આનુષંગિક ઉદ્યોગોને નવું બળ પ્રાપ્ત થશે. સ્થાનિક યુવાનો માટે સ્કિલ ડેવલોપમેન્ટ અને રોજગારીના નવા દ્વાર ખુલશે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકાસના ‘સપ્તધારા’ વિઝન અંતર્ગત આવનારા વર્ષોમાં ટી.એમ.સી.નું આ નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતના વિકાસમાં, ભારતની ઊર્જા સુરક્ષામાં અને વૈશ્વિક ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસને મોમેન્ટો અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, માંજલપુરના ધારાસભ્ય સતિશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ નીરુબેન બારીયા, સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, મદદનીશ કલેક્ટર સ્મિત પંચાલ, ટીએમસી ટ્રાન્સફોર્મર્સના એમડી હૃદય નારાયણ શુક્લા સહિત મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હેલિકોપ્ટર મારફતે ત્યાંથી પ્રસ્થાન કર્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *