વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં અંદાજિત રૂ.2,600 કરોડના ખર્ચે નવા રિવર બ્રિજ, એલિવેટેડ કોરિડોર અને ફ્લાયઓવર બ્રિજ બનાવવાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિકથી વ્યસ્ત રહેતા રેલવે ક્રોસિંગ પર પણ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે.
સાબરમતી નદી પર નવા રિવર બ્રિજ
હાંસોલથી કોટેશ્વર વચ્ચે નવો રિવર બ્રિજ બનાવવામાં આવશે. આ પુલ પૂર્વમાં હાંસોલ અને પશ્ચિમમાં કોટેશ્વર-મોટેરા વિસ્તારને જોડશે. ડફનાળા જંકશન પાસે ટ્રાફિક સર્વેના આધારે ડફનાળાથી પશ્ચિમ વિસ્તારને જોડતા નવા બ્રિજની દરખાસ્ત કરવામાં આવી છે.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં એલિવેટેડ કોરિડોર
પૂર્વ અમદાવાદમાં દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા સુધી એલિવેટેડ કોરિડોર, નરોડા પાટિયાથી કાલુપુર સુધી ફ્લાયઓવર, વટવા-વિંઝોલ અને બુટભવાની રેલવે ઓવરબ્રિજના પ્રોજેક્ટ સૂચિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ અમદાવાદમાં રાણીપ રાધાસ્વામી રોડથી અર્બન ડેપો સુધી એલિવેટેડ કોરિડોર, પ્રહલાદનગરથી મકરબા સર્કલ સુધી એલિવેટેડ કોરિડોર તથા દહેગામડા સર્કલ રસ્તાથી ખોડિયારનગર સુધી ફ્લાયઓવરનું આયોજન છે.
રૂ.1,000 કરોડના મેગા એલિવેટેડ કોરિડોર
નહેરુનગર-શિવરંજની-રામદેવનગર જંકશનથી ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોરનો પશ્ચિમ ભાગ, બોપલ એસપી રિંગ રોડથી ધુમા સુધી એલિવેટેડ કોરિડોરનો પશ્ચિમ ભાગ સહિતના પ્રોજેક્ટ સૂચિત કરવામાં આવ્યા છે. આ મેગા એલિવેટેડ કોરિડોર માટે કુલ રૂ.1,000 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.
રૂ.225 કરોડના નવા ફ્લાયઓવર પ્રોજેક્ટ
મેમ્કો જંકશન ફ્લાયઓવર, ભક્તિ સર્કલ-કઠવાડા જંકશન ફ્લાયઓવર, સિલ્વર સ્ટાર જંકશન ફ્લાયઓવર બ્રિજ તથા ચાંદલોડિયા-ગોતા વિસ્તારમાં ફ્લાયઓવર બનાવવાના પ્રોજેક્ટ સૂચિત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ.225 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.
રૂ.775 કરોડના રેલવે ઓવરબ્રિજ
શહેરના રેલવે ફાટકો પર ઓવરબ્રિજ અને એપ્રોચ રોડ બનાવવાનું આયોજન છે. તેમાં વટવા-વિંઝોલને જોડતો રેલવે ઓવરબ્રિજ, મણિનગર-ઘોડાસરને જોડતો રેલવે ઓવરબ્રિજ, મણિનગર રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ તથા સરખેજ રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ સામેલ છે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ.775 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.
અંડરપાસ અને માઇનોર બ્રિજનું આયોજન
રિવરફ્રન્ટના પૂર્વથી સીધો એરપોર્ટ જતો અંડરપાસ, ત્રાગડ અને દિવ્ય જ્યોત સ્કૂલ તરફ જતા માર્ગ પર અંડરપાસ, નીમા ફાર્મ-મુમતપુરા રોડ પર અંડરપાસ તથા અન્ય સ્થળોએ માઇનોર બ્રિજ અને અંડરપાસના પ્રોજેક્ટ પણ સૂચિત કરવામાં આવ્યા છે. પિરાણા પીપળજ રોડ અને વસ્ત્રાલ મેટ્રો પાસે માઇનોર બ્રિજ તથા 11 બ્રિજ નીચે અંડર સ્પેસ ડેવલપ કરવા, સીટીએમ ચાર રસ્તાથી અનાજ માર્કેટ ગેટ અંડરપાસનું પણ આયોજન છે.
આ પણ વાંચો : Kulgam: કુલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર કમાન્ડર લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર
