ટ્રમ્પની હત્યાનું કાવતરું, પાકિસ્તાનીને 27 વર્ષની જેલની સજા:ઈરાનની IRGC માટે કામ કરી રહ્યો હતો; 5 હજાર ડોલર આપીને હત્યારાને સોપારી આપી

📅 Published: November 18, 2026 | 📂 Category: International

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને 27 વર્ષ અને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે કામ કરતો હતો. તેણે અમેરિકામાં એક નેતાની હત્યા કરાવવા માટે હત્યારાઓને 5 હજાર ડૉલર (લગભગ 4.4 લાખ રૂપિયા) એડવાન્સ પણ આપ્યા હતા. જોકે, જેમને તેણે હત્યા માટે સોપારી આપી હતી, તેઓ FBIના અંડરકવર એજન્ટો હતા. 48 વર્ષીય આસિફ મર્ચન્ટને અમેરિકાની કોર્ટે આતંકવાદી કાવતરું અને સોપારી આપીને હત્યા કરાવવાનો પ્રયાસ કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. ન્યૂયોર્કના બ્રુકલિન ખાતે ફેડરલ કોર્ટના જજ એરિક આર. કોમિટીએ તેને 330 મહિના એટલે કે 27 વર્ષ અને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. ઈરાન કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતું હતું અમેરિકન તપાસ મુજબ, મર્ચન્ટ ઈરાનની IRGC માટે કામ કરતો હતો. તેને અમેરિકા મોકલીને ત્યાંના નેતાઓની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાનું મુખ્ય નિશાન ટ્રમ્પ હતા. મર્ચન્ટે તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઇડન અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીનાં નામ પણ સંભવિત નિશાન તરીકે આપ્યાં હતાં. તે સમયે આ ત્રણેય રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. આ કાવતરાં પાછળ ઈરાનના પૂર્વ IRGC કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવાની ઈચ્છા હતી. સુલેમાની જાન્યુઆરી 2020માં અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, IRGCએ આ જ હુમલાનો બદલો લેવા માટે મર્ચન્ટને અમેરિકા મોકલ્યો હતો. ઈરાનમાં ટ્રેનિંગ લીધી, અમેરિકામાં હત્યારાઓ શોધ્યા અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, મર્ચન્ટ લગભગ 2022માં IRGCના સંપર્કમાં આવ્યો હતો. ધાર્મિક યાત્રાઓ માટે ઈરાન જવા દરમિયાન તેની મુલાકાત સંગઠનના એક હેન્ડલર યુસુફ મેરહરદાદ સાથે કરાવવામાં આવી હતી. ત્યારબાદ લગભગ દોઢ વર્ષ દરમિયાન બંને તેહરાનમાં 15 વખત મળ્યા હતા. આ મુલાકાતોમાં મર્ચન્ટને ગુપ્ત માહિતી ભેગી કરવાની અને પકડાઈ જવાથી બચવાની રીતો શીખવવામાં આવી હતી. તેને અમેરિકા જઈને નેતાઓની હત્યા કરવા માટે લોકોને તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મર્ચન્ટને ખાસ કરીને ગુનેગારો અથવા માફિયા સાથે સંકળાયેલા લોકોને હત્યા કરવા માટે ભરતી કરવાનું કહેવામાં આવ્યું હતું. તેને એક રાજકીય રેલીમાં નેતાની હત્યા કરાવવાની યોજના બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. FBIના અન્ડરકવર એજન્ટોને 5 હજાર ડૉલર આપ્યા એપ્રિલ 2024માં ઈરાનમાં એક અઠવાડિયું વિતાવ્યા બાદ મર્ચન્ટ અમેરિકા પહોંચ્યો. ત્યાં તેણે હત્યાના કાવતરામાં મદદ માટે પોતાના એક પરિચિતનો સંપર્ક કર્યો. તે પરિચિતે FBIને આ અંગે જાણ કરી અને તપાસમાં મદદ કરવા લાગ્યો. મર્ચન્ટની વાતચીતના રેકોર્ડિંગમાં તે એક નેતાની હત્યાની યોજના સમજાવતો અને રાજકીય રેલીમાં હત્યા કરવાની રીત જણાવતો જોવા મળ્યો. ત્યારબાદ તેણે એવા લોકોનો સંપર્ક કર્યો, જેમને તે હત્યારા માનતો હતો, પરંતુ તેઓ FBIના અન્ડરકવર એજન્ટો હતા. મર્ચન્ટ તેમને ત્રણ વખત મળ્યો અને જણાવ્યું કે તે વિદેશમાં કેટલાક લોકો સાથે કામ કરી રહ્યો છે અને એક નેતાની હત્યા કરાવવા માંગે છે. તેણે આ કામ માટે 5 હજાર ડૉલર એડવાન્સ પણ આપ્યા. આ રકમ તેને વિદેશમાં રહેતા સંબંધીઓની મદદથી મળી હતી. તેની 12 જુલાઈ 2026ના રોજ ટેક્સાસના રિચમંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે અમેરિકા છોડવા માટે એરપોર્ટ જવા રવાના થવાનો હતો. ટ્રમ્પ અને ચૂંટણી રેલીઓ પર નજર રાખી રહ્યો હતો તપાસ એજન્સીઓને મર્ચન્ટના લેપટોપ, મોબાઇલ અને સોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી અનેક પુરાવા મળ્યા. તેમાંથી જાણવા મળ્યું કે તેની નજર 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી અને ટ્રમ્પ સાથે સંબંધિત માહિતી પર હતી. તેણે ચૂંટણી રેલીઓ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું અને ન્યૂજર્સીમાં ટ્રમ્પની એક રેલીનું સ્થળ ગૂગલ મેપ પર પણ શોધ્યું હતું. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કાસિમ સુલેમાનીની પ્રશંસા તેમજ ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધની પોસ્ટ્સ પણ મળી આવી હતી. અમેરિકાના એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે કહ્યું કે અમેરિકા પોતાના નેતાઓ વિરુદ્ધ વિદેશી આતંકવાદી સંગઠનોના કાવતરાંને સહન કરશે નહીં. FBIના અધિકારીઓએ પણ કહ્યું કે મર્ચન્ટના કાવતરાથી દેશની સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભો થયો હતો અને આ મામલે મળેલી સજા આતંકવાદ વિરુદ્ધની કાર્યવાહીનું ઉદાહરણ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *