પાછળનું પાટિયું લટકતું રહ્યું છતાં ડમ્પર ચાલતું રહ્યું:મોરબીના ટીંબડી પાટિયા નજીક જોખમી રીતે જતા ડમ્પરનો વીડિયો વાયરલ; ગઈકાલે ડમ્પરની ટક્કરથી પિતા-પુત્રનાં મોત થયાં હતાં

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

મોરબીમાં ડમ્પરની પાછળનો દરવાજો 1 બાજુથી નીકળી લટકતો હોવા છતાં ચાલક તેને નેશનલ હાઇવે પર લઈ ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટીંબડી ગામના પાટિયા પાસેથી આ ડમ્પર પસાર થઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ જ પાટિયા પાસે નંબર પ્લેટ વગરના ડમ્પરની ટક્કરથી પિતા અને 6 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. પાછળનું પાટિયું લટકતું હોવા છતાં ચાલકે વાહન ઊભું ન રાખ્યું
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા ડમ્પરની પાછળનો દરવાજો 1 બાજુથી નીકળી ગયો હતો અને જોખમી રીતે લટકી રહ્યો હતો. આ દરવાજો તૂટી પડે અથવા અન્ય કોઈ વાહન સાથે અથડાય તો અકસ્માત સર્જાવાની શક્યતા હોવા છતાં ડમ્પર ચાલકે રસ્તાની બાજુએ વાહન ઊભું રાખીને તેને ઠીક કરવાના બદલે હાઇવે પર વાહન ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. શનાળા-રાજપર રોડ પર ઓવરલોડ બોલેરોનો વીડિયો વાયરલ થયો હતો
મોરબીમાં સતત બીજા દિવસે જોખમી રીતે વાહન ચલાવવાનો વીડિયો સામે આવ્યો છે. આ પહેલાં ગઈકાલે મોડી સાંજે મોરબીના શનાળા-રાજપર રોડ પર ઓવરલોડ માલ ભરેલી બોલેરો ગાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બોલેરોમાં ભરેલો માલ 1 તરફ નમેલો હોવાથી ગમે ત્યારે રસ્તા પર કે અન્ય વાહન પર પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે ટીંબડી પાટિયા પાસે ડમ્પરની ટક્કરથી 2નાં મોત થયાં હતાં
ગઈકાલે ટીંબડી ગામના પાટિયા પાસે નંબર પ્લેટ વગરના 1 ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 વર્ષના બાળક અને તેના પિતાનું મોત થયું હતું, જ્યારે બાળકની માતાને ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાના બીજા જ દિવસે ફરી ટીંબડી પાટિયા પાસેથી લટકતા દરવાજાવાળું ડમ્પર પસાર થવાનો વીડિયો સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *