મોરબીના કિન્નર સિમરન માસીની સતર્કતાથી એક વૃદ્ધે મોતને મહાત આપી છે. સમયસૂચકતા દાખવીને મહેસાણા-બેચરાજી હાઈવે પર હાર્ટ એટેકનો ભોગ બનેલા એક વૃદ્ધનો તેમણે જીવ બચાવી લીધો છે. કોઈપણ જાતની તાલીમ વગર તેમણે આપેલી સમયસરની CPR સારવારથી 5 મિનિટમાં વૃદ્ધની જિંદગી બચી ગઈ છે, જેની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. મોરબીથી એક પદયાત્રા સંઘ અંબાજી માં અંબાના દરબારમાં જઈ રહ્યા હતા. મોરબીથી અંબાજી તરફી પદયાત્રા દરમિયાન બની ઘટના
મોરબીથી અંબાજીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંઘ બુધવારે સવારે મોરબીથી નીકળીને પાંચ દિવસની પદયાત્રા બાદ વિસનગર તાલુકાના ઉમતા ગામે પહોંચ્યો હતો.આ દરમિયાન મહેસાણા-બેચરાજી હાઈવે પર ખારી નદીના બ્રિજ નજીક પહોંચતા પદયાત્રા સંઘ સાથે જોડાયેલા એક વૃદ્ધની અચાનક તબિયત લથડી હતી.વૃદ્ધને ખેંચ આવતી હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. સિમરન માસીએ દાખવી અદભુત સમયસૂચકતા
સમગ્ર ઘટના અંગે વાત કરતા સિમરન માસીએ જણાવ્યું હતું કે, પદયાત્રા દરમિયાન ખારી નદીના બ્રિજ નજીક એક વૃદ્ધ ઊભા હતા. તેમણે અમારી સામે જોતાં અમને લાગ્યું કે કદાચ ચા-પાણી માટે બોલાવતા હશે. પરંતુ, અચાનક તેમની સ્થિતિ ગંભીર બનવા લાગી અને તેઓ શ્વાસ લઈ શકતા નહોતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેં CPRની કોઈ વિધિવત તાલીમ લીધી નથી, પરંતુ અગાઉ આ પ્રક્રિયા જોયેલી અને જાણેલી હતી. દાદાની હાલત અત્યંત નાજુક હોવાથી મેં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત CPR આપવાનું શરૂ કર્યું હતું. આ સઘન પ્રયાસોના પરિણામે દાદાએ પાંચેક મિનિટમાં જ આંખો ખોલીને સામાન્ય શ્વાસ લેવાનું શરૂ કરી દીધું હતું. 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા
સંઘના સભ્ય જયમીન કાસુંદરાએ જણાવ્યું હતું કે, જ્યારે સિમરન માસી વૃદ્ધને CPR આપી રહ્યાં હતાં, ત્યારે ટીમનાં અન્ય યુવાનોએ પણ તાત્કાલિક મદદો હાથ ધરી હતી અને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. હોશમાં આવ્યા બાદ વૃદ્ધને વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમાજ માટે પ્રેરણાદાયી સંદેશ
આ પ્રસંગે સિમરન માસીએ કિન્નર સમાજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મારા માટે તમામ માનવીઓ એક સમાન છે. આવી આપત્તિજનક પરિસ્થિતિમાં કોઈ જાતિ કે ભેદભાવનો વિચાર કર્યા વગર સૌપ્રથમ સામેવાળાનો જીવ બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સામાન્ય રીતે કિન્નરોને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોય છે, પરંતુ કિન્નરો પણ માનવતા ધર્મ સારી રીતે જાણે છે. સાથે જ તેમણે આજના યુવાનોને પણ અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ કટોકટીના સમય માટે CPRની તાલીમ લેવી જોઈએ જેથી જરૂર પડ્યે કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકાય.
મોરબીથી માં અંબાના દરબારમાં જતાં કિન્નરે દેવદૂત બની વૃદ્ધને બચાવ્યાં:શ્વાસ લેવામાં તકલીફ પડતાં સિમરન માસીને કાકાએ ઈશારો કર્યો, કોઈપણ જાતની તાલીમ વગર 5 મિનિટમાં બચાવી લીધા
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
