અમદાવાદ શહેરમાંથી નશાના કારોબાર અને ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે અમદાવાદ પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નેટવર્ક સામે એક વિશાળ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત NDPS (નાર્કોટિક્સ)નો ગુનાહિત ઇતિહાસ ધરાવતા 800થી વધુ શખ્સોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.
અમદાવાદમાં ડ્રગ્સના સોદાગરો પર પોલીસની તવાઈ
મળતી વિગતો અનુસાર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ શહેરના આઠેય ઝોનની પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં NDPSના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવામાં આવી હતી અને આવા 800થી વધુ ગુનેગારોને એકત્ર કરીને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ શખ્સોને બોલાવીને ડ્રગ્સનો ગેરકાયદે ધંધો કાયમ માટે બંધ કરી દેવાની કડક સૂચના અને અંતિમ ચેતવણી આપી છે.
2028 સુધી ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી વર્ષ 2028ના અંત સુધીમાં સમગ્ર ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સમુક્ત બનાવવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીની આ જાહેરાત બાદ અમદાવાદ પોલીસની કવાયત અત્યંત તેજ બની છે. ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને સપ્લાય ચેઈન સાથે સંકળાયેલા તત્વો સામે પોલીસે લાલ આંખ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે શહેરમાં કોઈ પણ પ્રકારની નશાની પ્રવૃત્તિ સાંખી લેવામાં આવશે નહીં.
