રોશની, ફ્ટાકડા અને મીઠાઈઓની મિઠાશથી ખીલતો દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય છે. ઘર-આંગણે દીવા પ્રગટે છે અને લોકો એકબીજાને મોં મીઠું કરાવી ખુશીઓ વહેંચે છે. પરંતુ, ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકમાં વર્ષોથી ચાલી આવતી એક એવી સંવેદનશીલ અને હૃદયસ્પર્શી પરંપરા આજે પણ અકબંધ છે, જે માનવતા અને સ્વજનો પ્રત્યેના અતૂટ પ્રેમની અનોખી સાક્ષી પૂરે છે. વાવ-થરાદ વિસ્તારમાં પ્રચલિત આ લોકવાયકા કે રિવાજ મુજબ, જો પરિવારમાંથી કે કોઈ નજીકના સગા-સંબંધીઓમાં કોઈપણ વ્યક્તિ દિવાળીના તહેવારથી બે થી છ મહિના અગાઉ અવસાન પામી હોય, તો તે શોકાતુર પરિવાર અને તેના સગા સંબંધીઓ દ્વારા પ્રથમ દિવાળીએ ઘરમાં મીઠાઈ બનાવવામાં આવતી નથી. તહેવારની ખુશીઓ વચ્ચે પણ સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને ખાલીપો અનુભવતા આ પરિવારો મીઠાઈની મીઠાશથી દૂર રહીને પોતાના વ્હાલા સ્વજનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સાથે સાથે મૃતકના ઘરે ગામ લોકો જઈ પરિવારને સાતવાના આપે છે.ઘરમાં કોઈ સ્વજનનું દુઃખદ અવસાન થયું હોય, તે પરિવારની વેદનામાં ગામ લોકો અને સગા – સંબંધીઓ સહભાગી બને છે. શોકગ્રસ્ત પરિવારની સાથે સંબંધ ધરાવતા લોકો પણ તે વર્ષે તે સંબંધમાં દિવાળીની હર્ષોલ્લાસ ભરી ઉજવણી કે મીઠાઈની આપ – લે ટાળે છે. આ પરંપરા સાબિત કરે છે કે સંબંધોની મિઠાશ તહેવારોની ભવ્યતા કરતા ઘણી વધારે કિંમતી છે.
Tharad: વાવ-થરાદ પંથકમાં દિવાળીમાં ગુમાવેલા સ્વજનોને યાદ કરવાની પરંપરા
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
