ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ જગતમાં આઠ વર્ષ જૂનો સેન્ડપેપર વિવાદ ફરી ભડક્યો છે. પૂર્વ ખેલાડી કેમેરોન બેન્ક્રોફ્ટે દાવો કર્યો છે કે 2018માં બોલ સાથે ચેડાં કરવાની યોજનાની જાણ આખી ટીમને હતી. આ ખુલાસા બાદ ગુરુવારે પત્રકારો ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સના ઘર બહાર પહોંચી ગયા હતા. કમિન્સે સવાલોના જવાબ આપવાનું ટાળ્યું અને તાલીમ માટે રવાના થઈ ગયો.
બેન્ક્રોફ્ટના ખુલાસાથી ફરી વિવાદમાં કમિન્સ
2018માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ દરમિયાન બોલ સાથે સેન્ડપેપરથી ચેડાં કરવાના મામલે કેમેરોન બેન્ક્રોફ્ટ કેમેરામાં ઝડપાયો હતો. આ ઘટનામાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેન્ક્રોફ્ટ સામે કાર્યવાહી થઈ હતી. હવે આઠ વર્ષ બાદ બેન્ક્રોફ્ટે આશરે 4,500 શબ્દોનો લેખ લખીને દાવો કર્યો છે કે આ કૃત્યની જાણ માત્ર ત્રણ ખેલાડીઓને જ નહોતી, પરંતુ આખી ઓસ્ટ્રેલિયન ટીમને હતી. બેન્ક્રોફ્ટે પોતાના લેખમાં જણાવ્યું કે બોલ કેટલો રિવર્સ સ્વિંગ થઈ રહ્યો છે તે જાણવા માટે તેણે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને મિચેલ માર્શ સાથે વાતચીત કરી હતી. તેણે વિકેટકીપર ટિમ પેન સાથે પણ આ અંગે ચર્ચા કરી હોવાનો દાવો કર્યો હતો.
ઘરની બહાર પત્રકારોનો જમાવડો, કમિન્સે શું કહ્યું?
બેન્ક્રોફ્ટના નિવેદન બાદ ગુરુવારે પત્રકારો કમિન્સના ઘર બહાર પહોંચી ગયા હતા. કમિન્સ તાલીમ માટે બહાર નીકળ્યો ત્યારે પત્રકારોએ તેને ઘેરી લીધો અને બેન્ક્રોફ્ટના દાવા અંગે સવાલો પૂછ્યા. એક પત્રકારે કમિન્સના ઘરની બહાર આવીને સવાલો પૂછવા બદલ માફી માગી ત્યારે કમિન્સે કટાક્ષમાં જવાબ આપ્યો હતો કે “તમે ખરેખર માફી માગી રહ્યા છો એવું મને લાગતું નથી.” ત્યારબાદ તેણે વધુ સવાલોના જવાબ આપ્યા નહોતા અને તાલીમ માટે રવાના થઈ ગયો હતો. પત્રકારોએ તેને એ પણ પૂછ્યું કે આ નવા ખુલાસા બાદ શું ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે તેનું પદ જોખમમાં છે? જોકે, કમિન્સે આ સવાલનો પણ જવાબ આપ્યો નહોતો.
કમિન્સ અગાઉ શું કહી ચૂક્યો છે?
બેન્ક્રોફ્ટના ખુલાસા પહેલાં ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા ‘સબર’માં પણ દાવો કર્યો હતો કે 2018ના બોલ ટેમ્પરિંગ કાંડની જાણ આખી ટીમને હતી. તેના જવાબમાં કમિન્સે પ્રેસ કોન્ફરન્સ કરીને આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.
કમિન્સે સ્પષ્ટ કહ્યું હતું કે મેદાન પર બોલ સાથે ચેડાં કરવા માટે સેન્ડપેપર લઈ જવામાં આવી રહ્યું છે તેની તેને જાણ નહોતી. તેણે કહ્યું હતું કે આ વાત તે છેલ્લા આઠ વર્ષથી સતત કહેતો આવ્યો છે. હવે બેન્ક્રોફ્ટના નવા નિવેદનથી કમિન્સના જૂના દાવા સામે ફરી સવાલો ઊભા થયા છે. કમિન્સના મેનેજર નીલ મેક્સવેલે પણ સ્પષ્ટ કર્યું છે કે આઠ વર્ષથી કમિન્સનું વલણ બદલાયું નથી અને તે પોતાના નિવેદન પર મક્કમ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હવે શું કરશે?
આ વિવાદ વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2018ની ઘટનામાં સામેલ ખેલાડીઓ અને સ્ટાફને પોતાના અનુભવો અને યાદો રજૂ કરવાની તક આપવા માટે એક મંચ બનાવવાની જાહેરાત કરી છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી ટોડ ગ્રીનબર્ગે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ તપાસ નથી.
બેન્ક્રોફ્ટે પણ તાજેતરમાં કહ્યું હતું કે આટલા વર્ષો સુધી મનમાં વાત રાખ્યા બાદ હવે ખુલ્લેઆમ બોલીને તેને રાહત મળી છે. બીજી તરફ, કમિન્સ પોતાના જૂના વલણ પર મક્કમ છે. હવે આઠ વર્ષ જૂના વિવાદમાં વધુ કયા ખુલાસા થાય છે તેના પર ક્રિકેટ જગતની નજર રહેશે.
આ પણ વાંચો: World Cup: 19 નવેમ્બરનો એ દિવસ આજે પણ નહીં ભૂલાય! લાખો ભારતીયોનું સપનું તૂટ્યું હતું
