ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ ભારતીય બેટર્સના નામે રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ આક્રમક બેટિંગ કરીને કિવી બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી. લંચ પહેલાં જ ભારતે મજબૂત લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ પણ રન બનાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટના નુકસાન પર 720 રન બનાવીને દાવ જાહેર કર્યો હતો. આ સાથે જ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ભારતે પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે ભારતનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર
વેલિંગ્ટનમાં 720 રનનો આંકડો પાર કરીને ભારતે 1999માં અમદાવાદમાં બનાવેલા 583/7 રનના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ઋષભ પંતે સદી સાથે રચ્યો અનોખો રેકોર્ડ
ભારતીય વિકેટકીપર બેટર ઋષભ પંતે આ યાદગાર ઇનિંગ દરમિયાન ટેસ્ટ કારકિર્દીની 9મી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામે તેની આ પ્રથમ ટેસ્ટ સદી હતી. આ સાથે તે ચારેય SENA દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટકીપર બન્યો છે.
- એડમ ગિલક્રિસ્ટ – 17 સદી
- એન્ડી ફ્લાવર – 12 સદી
- ઋષભ પંત – 9 સદી
- લેસ એમ્સ – 8 સદી
છગ્ગા સાથે સદી, સચિનના રેકોર્ડ પર નજર
પંતે પોતાની સદી છગ્ગો ફટકારીને પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગો મારીને સદી પૂરી કરવાના મામલે તે 4 વખત આ કારનામું કરી ચૂક્યો છે. આ યાદીમાં સચિન તેંડુલકર 6 વખત સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે કેન બેરિંગ્ટન અને પંત 4-4 વખત સાથે બીજા સ્થાને છે.

ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં બીજા સ્થાને પંત
પંતે પોતાની આક્રમક બેટિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા ફટકારવાના મામલે પણ મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમના 107 છગ્ગાના રેકોર્ડને પાછળ છોડીને 108 છગ્ગા પૂરા કર્યા છે.
ગ્લેન ફિલિપ્સના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ
ભારતીય બેટર્સની શાનદાર બેટિંગ વચ્ચે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સના નામે અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. એક જ ટેસ્ટ મેચમાં સદી ફટકારવાની સાથે બોલિંગમાં 100થી વધુ રન આપનારા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની યાદીમાં તેનો સમાવેશ થયો છે.આ યાદીમાં ડેનિયલ વિટોરી, ક્રિસ કેર્ન્સ, રિચર્ડ હેડલી અને જેકબ ઓરમ જેવા ખેલાડીઓ પણ સામેલ છે.
ટોપ-5 બેટર્સનો દબદબો, ભાગીદારીઓનો પણ રેકોર્ડ
ભારતની આ ઇનિંગની સૌથી મોટી ખાસિયત એ રહી કે ટોપ-5 બેટર્સે 80 કે તેથી વધુ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું અગાઉ માત્ર 2014માં પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડ સામે અબુધાબીમાં કર્યું હતું.આ ઉપરાંત ભારતે શરૂઆતની સાત વિકેટમાંથી દરેક માટે 50 કે તેથી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય બેટર્સના આ સામૂહિક પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડના બોલરો સંપૂર્ણપણે દબાણમાં આવી ગયા હતા. 720 રનના વિશાળ સ્કોર સાથે ભારતે મેચમાં પોતાની સ્થિતિ અત્યંત મજબૂત બનાવી દીધી હતી.
આ પણ વાંચો- Rishabh Pant Century : ન્યૂઝીલેન્ડમાં પંતની સદીનો ધમાકો, ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો અનોખો ઇતિહાસ
