બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે 100 IED બોમ્બ મળ્યા:મ્યાનમારથી તસ્કરી કરીને લાવવામાં આવ્યા હતા; સુરક્ષા એજન્સીનો દાવો- મોટા હુમલાની તૈયારી હતી

📅 Published: November 22, 2026 | 📂 Category: International

બાંગ્લાદેશના કોક્સ બજાર જિલ્લામાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)એ દરોડો પાડીને 100થી વધુ IED બોમ્બ, 2 પિસ્તોલ અને 254 કારતૂસ જપ્ત કર્યા છે. આ મામલે 2 ઓટો રિક્ષા ચાલકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. BGBના જણાવ્યા મુજબ, હથિયારો અને વિસ્ફોટકો મ્યાનમારથી તસ્કરી કરીને લાવવામાં આવ્યા હતા. આશંકા છે કે બાંગ્લાદેશમાં કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવા માટે તેનો ઉપયોગ કરવાનો હતો. જોકે, તપાસ એજન્સીને હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે સંભવિત હુમલાનું નિશાન કોણ હતું. તસ્કરી માટે ઓટો રિક્ષા અને બાઇકનો ઉપયોગ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને શનિવારે રાત્રે હથિયારોની તસ્કરીની માહિતી મળી હતી. ત્યારબાદ કૉક્સ બજારમાં ચેકપોસ્ટ ગોઠવીને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી. આ દરમિયાન બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી. સુરક્ષા દળોએ 2 ઑટો રિક્ષા અને એક મોટરસાઇકલ જપ્ત કરી છે. માનવામાં આવે છે કે તેનો ઉપયોગ હથિયારો અને વિસ્ફોટકોની હેરફેર માટે કરવામાં આવ્યો હતો. BGBની પ્રાથમિક તપાસ મુજબ, એક સંગઠિત ગેંગે મ્યાનમારથી હથિયારો અને વિસ્ફોટકો ખરીદીને ગુપ્ત રસ્તાઓ મારફતે બાંગ્લાદેશ પહોંચાડ્યા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની ઓળખ મોહમ્મદ ઇબ્રાહિમ અને મેહદી હસન તરીકે થઈ છે. ઇબ્રાહિમ ટેકનાફના લેંગુરબિલ વિસ્તારનો રહેવાસી છે, જ્યારે મેહદી હસન નતુન પલ્લાનપારામાં રહે છે. બંને ઑટો રિક્ષા ડ્રાઈવરો છે.

હસીનાની વાપસીના એલાન બાદ હિંસાની ઘટનાઓ વધી બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. તેઓ 5 ઑગસ્ટ 2024ના રોજ ભારત આવી ગયાં હતાં. ત્યારથી તેઓ અહીં જ રહે છે. હસીના બાદ મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારની કમાન સંભાળી હતી. તેમણે હસીનાની પાર્ટી અવામી લીગ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો. ચૂંટણી બાદ તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. તેમની સરકારે આ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. હસીનાએ જુલાઈ 2026માં ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની અને ત્યાંની કોર્ટમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મહિને તેમણે ફરીથી કહ્યું કે તે કોઈ પણ સંજોગોમાં ડિસેમ્બરમાં પરત ફરશે. ત્યારથી દેશમાં રાજકીય તણાવ વધ્યો અને અનેક સ્થળોએ હિંસા થઈ. પૂર્વ વડાંપ્રધાન હસીનાએ નવા પાસપોર્ટ અને નેશનલ આઈડીની પણ માંગ કરી છે, પરંતુ સરકારે આ માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બાંગ્લાદેશ સરકાર સતત ભારત પાસે હસીનાને પરત સોંપવાની માંગ કરી રહી છે. આ અંગે ભારતે કહ્યું છે કે શેખ હસીનાના પ્રત્યર્પણનો મામલો કાનૂની છે. નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બાંગ્લાદેશમાં થયેલી હિંસાની મોટી ઘટનાઓ 15 નવેમ્બર – ગોપાલગંજમાં હિંસા: શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં અવામી લીગના સમર્થકોએ રેલી કાઢી. BNPની કચેરીઓ, નેતાઓના ઘરો અને દુકાનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી. BNPના નેતાઓએ હુમલાઓ માટે અવામી લીગના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા. 17 નવેમ્બર – પોલીસ સ્ટેશન અને ઘર પર હુમલો: ગોપાલગંજના તુંગીપાડા પોલીસ સ્ટેશન પર હુમલો થયો. તે જ રાત્રે BNPના સાંસદના ઘરમાં પણ આગ લગાવવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા નેતાઓને છોડાવવા માટે અવામી લીગના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. 18 નવેમ્બર – યુનુસના ઘરમાં આગ: ચટગાંવમાં વચગાળાની સરકારના ભૂતપૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરમાં આગ લગાવવામાં આવી. 19 નવેમ્બર – દેશવ્યાપી બંધ દરમિયાન હિંસા: ગોપાલગંજમાં પોલીસ સ્ટેશન, ગ્રામ્ય બેંકની શાખા અને અનેક ઘરોમાં આગ લગાવવામાં આવી. પોલીસ સ્ટેશનમાં ઊભેલા આશરે 20 વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા. 20 નવેમ્બર – મંત્રીના ઘરે આગચંપી: સિલહટમાં વિદેશ રાજ્યમંત્રી હુમાયૂં કબીરના ઘરની બહાર આગ લગાવવામાં આવી. કબીરે આ માટે અવામી લીગને જવાબદાર ઠેરવી. 21 નવેમ્બર – 50 ઘરોમાં આગ લગાવી દેવામાં આવી: નરાઇલમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ, ભૂતપૂર્વ સાંસદો અને સમર્થકોનાં લગભગ 50 ઘરો અને દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી. ————————-


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *