સંડેર ખોડલધામ સંકુલમાં ‘દીકરીનો માંડવો’ સમૂહલગ્નોત્સવ:યુગલને વ્યક્તિદીઠ ₹15 લાખનો અકસ્માત વીમો અને ₹3.50 લાખથી વધુની ઘરવખરી ભેટ, 2028માં ફરી સમૂહ લગ્ન યોજાશે

📅 Published: November 22, 2026 | 📂 Category: gujarati-news

બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન, પાટણના સંયુક્ત ઉપક્રમે સંડેર-બાલીસણા રોડ પર આવેલા ખોડલધામ સંકુલ ખાતે ‘દીકરીનો માંડવો’ શીર્ષક હેઠળ દ્વિતીય રાત્રિ સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. આશરે 90 વીઘા એટલે કે 23.84 લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર આયોજિત આ સમારોહમાં 74 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા અને અંદાજે 35,000 સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કૃષ્ણાશ્રય-અમદાવાદના બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન વિધિ દરમિયાન કન્યાઓ દ્વારા ગૌ પૂજન, વરરાજાનું સામૈયું, મંડપ પ્રવેશ અને 74 નવદંપતીઓનો હસ્ત મેળાપ સંપન્ન થયો હતો. ગ્રામીણ સંસ્કૃતિની થીમ અને વિશેષ વ્યવસ્થા
સમગ્ર પરિસરને પરંપરાગત ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતા જ ખોડિયાર માતાની પ્રતિમાના દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી અને પ્રવેશદ્વારની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો મૂકી હરિયાળું વાતાવરણ ઊભું કરાયું હતું. 74 નવદંપતીઓની લગ્ન વિધિ માટે અલગ-અલગ 74 ચોરીઓ તૈયાર કરી તેને વિશેષ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો માટે ગેમઝોન, ઘોડીયા ઘર અને સર્વાઇકલ રસીકરણ વિભાગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. નવદંપતીઓને વીમા કવચ અને કન્યાદાન
નવદંપતીઓની સુરક્ષા અને આર્થિક સહાય માટે ઇન્ડિયા પોસ્ટ અને આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન મારફતે તમામ 74 યુગલો માટે વ્યક્તિદીઠ 15 લાખ રૂપિયાની ગ્રૂપ એક્સિડન્ટ ગાર્ડ પોલિસી લેવામાં આવી છે, તેમજ સમગ્ર આયોજન માટે 10 કરોડ રૂપિયાનો અલગ વીમો ઉતારવામાં આવ્યો છે. દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કન્યાદાન સ્વરૂપે રોકડ રકમ, ફ્રીઝ, ઘરઘંટી, સોના-ચાંદીના દાગીના, વાસણો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત અંદાજે 3.50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 100 થી વધુ જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. પરિવહન, સુરક્ષા અને માટીના ચૂલા પર રસોઈ
કાર્યક્રમના સંચાલન માટે 53 ગામોમાંથી આવતા મહેમાનો માટે 53 એસટી બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી અને વાહનો માટે 7 અલગ-અલગ વિભાગમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ હતી. સ્થળ પર 400 સ્વયંસેવકો તૈનાત રહ્યા હતા અને સુરક્ષા માટે 200 સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, પોલીસ બંદોબસ્ત, ફાયરબ્રિગેડ તથા 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંદાજે 40,000 લોકો માટે ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેમાં ભીડ ન થાય તે માટે દાતાઓ, મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ ભોજન કક્ષ તૈયાર કરી તમામ રસોઈ માટીના ચૂલા પર બનાવવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *