'હું મજુરાનો દીકરો છું અને દીકરો જ રહીશ':'હોદ્દો મળે પણ સામાન્ય માણસ મટીને સાહેબ ન બની જતા', હર્ષ સંઘવીનો કોર્પોરેટરોને સ્પષ્ટ સંદેશ

📅 Published: November 22, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં ભાજપ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારોમાં નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મતવિસ્તાર મજુરાના કેશવ પાર્ટી પ્લોટ, અલથાણ ચાર રસ્તા ખાતે હાજરી આપી કાર્યકર્તાઓ અને નાગરિકોને સંબોધ્યા હતા. તેમજ રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ માર્ગદર્શન પણ આપ્યું હતું. મજુરા વિધાનસભાના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ માઈક પર ભલે ઉપમુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રી કરે, પરંતુ અહીંયા તો હું મજુરાનો દીકરો છું અને મજુરાનો દીકરો જ હંમેશા રહીશ. તેમણે કોર્પોરેટરોને ટકોર કરતાં કહ્યું કે, તમે સામાન્ય માણસ તરીકે આવ્યા હતા, હવે સાહેબ ના બની જતા. મનની અંદર સામાન્ય માણસ જેવો જ વ્યવહાર રાખજો. ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાઓની મહેનતથી મત મળે છેઃ સંઘવી
વધુમાં હર્ષ સંઘવીએ ઉમેરતા હ્યું કે, હર્ષ સંઘવી કોણ છે એનાથી કોઈ લેવાદેવા નથી, પરંતુ ભાજપના જે બૂથ ઇન્ચાર્જ વર્ષોથી સોસાયટીમાં ચિઠ્ઠીઓ આપતા હોય, સોસાયટીની બહાર ટેબલ પર બેસીને ભાજપને મત અપાવતા હોય, એવા કાર્યકર્તાઓની મહેનત અને મોદી સાહેબને જોઈને મને મત મળેલો છે. ચૂંટણીના સમયને યાદ કરતાં તેમણે કહ્યું કે, વિરોધીઓએ તેમને નાનો છોકરો ગણાવ્યો હતો, પરંતુ તેમનો ભાજપ પરિવાર કેટલો વિશાળ છે તેની તેમને જાણ નહોતી. તેમના પરિવારના હજારો કાર્યકર્તાઓએ ભાજપનું કમળ ખીલવવા અને સમાજસેવા માટે આખું જીવન સમર્પિત કર્યું છે. ચૂંટણીમાં કોઈ વ્યક્તિના નામે નહીં, પરંતુ પાયાના કાર્યકર્તાઓની મહેનતથી મત મળે છે. ‘વલસાડમાં દેશી હોડીઓમાં બેસીને કાર્યકર્તાઓએ લોકોને ભોજન પહોંચાડ્યું’
સમાજસેવા અને આપત્તિના સમયની કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભાજપનો બૂથ કાર્યકર્તા માત્ર ચૂંટણી પૂરતો સીમિત નથી, પણ વર્ષના 365 દિવસ લોકોની સેવામાં કાર્યરત રહે છે. વલસાડમાં અતિવૃષ્ટિ દરમિયાનના અનુભવને યાદ કરતાં તેમણે કહ્યું કે, ત્યાંના નાગરિકોએ કહ્યું હતું કે કમળવાળા પહેલા દિવસથી રાત-દિવસ ભોજન પહોંચાડી રહ્યા છે. છેવાડાના ગામડાઓ સુધી દેશી હોડીઓમાં બેસીને ભાજપના કાર્યકર્તાઓએ લોકોને ભોજન પહોંચાડ્યું અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ‘લોકોના દિલમાં જગ્યા કાયમ રાખવા સામાન્ય વ્યવહાર જરૂરી’
કોર્પોરેટરોને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણે સૌ નાગરિકોના આશીર્વાદ અને હજારો કાર્યકર્તાઓની અથાગ મહેનતથી ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ. બૂથનો કાર્યકર્તા ક્યારેય તમારી પાસે આવે, ત્યારે આ કામ લઈને કેમ આવ્યો કે આટલા વાગે કેમ આવ્યો એવું વિચારવાને બદલે તેના ખભે હાથ મૂકીને તેના વિસ્તારનું કામ કરવાનો પ્રયત્ન કરજો. હોદ્દો અને જગ્યા મળશે, પણ લોકોના દિલમાં જગ્યા કાયમ રાખવા માટે સામાન્ય વ્યવહાર જરૂરી છે, ત્યારે જ લોકો ફરીથી ગળે લગાડીને ચૂંટણી જીતાડશે, બાકી આજે સાહેબ અને કાલે પાછા સામાન્ય થઈ જવાય. સાથે જ તેમણે સુરતના વેપારીઓના કામમાં ક્યારેય નડતરરૂપ ન બન્યા હોવાનું અને ભવિષ્યમાં પણ નહીં બને તેવી ખાતરી આપી હતી. વર્ષોથી સાથ આપનારા સિનિયર કાર્યકર્તાઓ અને આગેવાનોનો આભાર માની બે હાથ જોડીને વંદન કર્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે, સુરતની તમામ વિધાનસભાઓમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમોમાં 155-ઓલપાડ (શ્રી ગુરુકૃપા પાર્ટી પ્લોટ, સાયણ-ગોથાણ રોડ), 158-કામરેજ (વ્રજ ગોકુળ વાડી, સરથાણા-ગઢપુર રોડ), 159-સુરત (પૂર્વ) (ગોપીતળાવ, કોટસફીલ રોડ), 160-સુરત (ઉત્તર) (પાટીદાર સમાજની વાડી, રામપુરા રોડ), 161-વરાછા (સૂર્યકિરણ સોસાયટીની વાડી, નાના વરાછા), 162-કરંજ (સિરવી સમાજ ભવન, આઈમાતા રોડ), 163-લિંબાયત (રાણીલક્ષ્મીબાઈ હોલ), 164-ઉધના (હરિનગર-3 કોમ્યુનિટી હોલ), 165-મજુરા (કેશવ પાર્ટી પ્લોટ, અલથાણ ચાર રસ્તા), 166-કતારગામ (સેવન-થ્રી ફાર્મ, નાની વેડ) અને 168-ચોર્યાસી (ગાંધી પ્લોટ, ભીમરાડ ગાંધી સ્મારક પાસે) સહિતના સ્થળોએ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *