બંધ મકાનમાંથી ₹1.12 લાખની ચોરી, જાહેરનામા ભંગના ગુના નોંધાયા:ગોધરામાં હોટલમાં CCTV, કામદારોની નોંધણી અને મોબાઈલ લે-વેચનું રજિસ્ટર ન રાખનારા સંચાલકો સામે પણ કાર્યવાહી

📅 Published: November 22, 2026 | 📂 Category: gujarati-news

ગોધરામાં બંધ મકાનમાંથી ₹1.12 લાખની ચોરી થઈ છે. આ બનાવ સહિત જાહેરનામાના ભંગના ચાર ગુના નોંધાયા છે. હોટલમાં CCTV ન લગાવનારા, કામદારોની નોંધણી ન કરાવનારા અને મોબાઈલ લે-વેચનું રજિસ્ટર ન રાખનારા સંચાલકો સામે પણ કાર્યવાહી થઈ છે. ગોધરા શહેરમાં પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકે આ ગુના નોંધ્યા છે. ચોરીનો બનાવ લીલેસરા રોડ પર આવેલી અન્સાર સોસાયટીના બંધ મકાનમાં બન્યો હતો. મકાનમાંથી ₹30 હજાર રોકડા, ₹70 હજારની સોનાની ચેઈન અને ₹12 હજારની સોનાની બુટ્ટી ચોરાઈ હતી. કુલ ₹1.12 લાખની મત્તાની ચોરી થઈ છે. આ મામલે 24 વર્ષીય તસ્લીમ માહીર મન્સુરીએ બે મહિલાઓ સામે શંકા વ્યક્ત કરી નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી એફએસએલ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ શરૂ કરી છે. બીજી તરફ, પંચમહાલ એસઓજી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જાહેરનામાના ભંગના ત્રણ કિસ્સા સામે આવ્યા હતા. ચિકરી ચોકડી પાસે આવેલી દિલ્હી દરબાર હોટલમાં ફરજિયાત હોવા છતાં CCTV કેમેરા ન લગાવતાં સંચાલક સામે ગુનો નોંધાયો છે. વ્હોરવાડ ઢાળ પાસે આવેલા હુસેની નાસ્તા હાઉસના સંચાલકે રાજ્ય બહારના કામદારો રાખ્યા હતા, પરંતુ સ્થાનિક પોલીસમાં તેમની નોંધણી કરાવી નહોતી. આ મામલે પણ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે. પોલન બજારમાં રાણી મસ્જિદ પાસે આવેલી હસન એન્ટરપ્રાઈઝ અને ફોનબુક મોબાઈલ શોપના સંચાલકો નવા અને જૂના મોબાઈલ ફોનની લે-વેચનું ફરજિયાત રજિસ્ટર રાખતા નહોતા. તેમની સામે પણ જાહેરનામાના ભંગ હેઠળ ગુના નોંધાયા છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે તમામ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *