IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરફારોનો દોર ચાલી રહ્યો છે. ટીમે કોચિંગ સ્ટાફ બદલ્યો, ખેલાડીઓની યાદીમાં ફેરફાર કર્યા અને હવે સૌથી મોટો સવાલ નવા કેપ્ટનનો છે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં ટ્રેડ થયા બાદ પાંચ વખતની ચેમ્પિયન ટીમ પાસે હાલમાં કોઈ સત્તાવાર કેપ્ટન નથી. આ સ્થિતિમાં ચાહકોની નજર ફરી એકવાર રોહિત શર્મા પર ટકેલી છે. રોહિતે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈને પાંચ IPL ટ્રોફી અપાવી છે અને હવે તેની વાપસીની ચર્ચા જોર પકડી રહી છે. મુંબઈ આગામી 24થી 48 કલાકમાં નવા નેતૃત્વ અંગે નિર્ણય લઈ શકે છે.
24થી 48 કલાકમાં નિર્ણય થઈ શકે છે
અહેવાલોમાં રેવસ્પોર્ટ્ઝના રિપોર્ટને ટાંકીને જણાવાયું છે કે મુંબઈ ઈન્ડિયન્સ આગામી 24થી 48 કલાકમાં પોતાના નવા કેપ્ટન અંગે નિર્ણય લઈ શકે છે. અગાઉ પણ રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવવાની ચર્ચા થઈ હતી. હવે હાર્દિક પંડ્યાના ટ્રેડ બાદ આ નિર્ણય વધુ મહત્ત્વનો બની ગયો છે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયો છે, જ્યારે ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહ મુંબઈમાં આવ્યો છે. આ ખેલાડીના ટ્રેડથી મુંબઈની ટીમમાં મોટો ફેરફાર થયો છે. હવે ફ્રેન્ચાઇઝી માટે નવા કેપ્ટરની પસંદગી કરવી જરૂરી બની છે.
રોહિત શર્મા સૌથી આગળ કેમ?
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. તેની આગેવાનીમાં ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં એમ પાંચ વખત IPL ટ્રોફી જીતી હતી. આ રેકોર્ડને કારણે ફરી એકવાર ટીમની કમાન તેને સોંપવાની શક્યતા સૌથી વધુ માનવામાં આવે છે. હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈ છેલ્લી ત્રણ સિઝનમાં માત્ર એક વખત પ્લેઓફમાં પહોંચી શક્યું હતું. IPL 2026માં ટીમ 14માંથી માત્ર ચાર મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી. સતત નબળા પરિણામો બાદ હવે મેનેજમેન્ટ અનુભવી નેતૃત્વ તરફ વળે તેવી શક્યતા છે.
સૂર્યા, બુમરાહ અને તિલક પણ રેસમાં
રોહિત સિવાય મુંબઈ પાસે ત્રણ બીજા વિકલ્પ પણ છે. સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વનો અનુભવ છે. જસપ્રીત બુમરાહે પણ અગાઉ મુંબઈની કેપ્ટનશિપ કરી છે. જોકે, ફાસ્ટ બોલર તરીકે તેની જવાબદારી અને કાર્યભારને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝી આ વિકલ્પ પર વિચાર કરી શકે છે. બીજી તરફ તિલક વર્મા યુવા વિકલ્પ છે. તે ભારતની T20 ટીમનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે અને ભવિષ્યના નેતા તરીકે તૈયાર થઈ શકે છે. જો મુંબઈ લાંબા ગાળાની યોજના બનાવે તો તિલકને તક આપવાનો વિચાર પણ થઈ શકે છે.
સત્તાવાર જાહેરાતની રાહ
હાલના અહેવાલોમાં રોહિત શર્માનું નામ સૌથી આગળ છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી નવા કેપ્ટરની સત્તાવાર જાહેરાત કરી નથી. આગામી 24થી 48 કલાકમાં નિર્ણય આવે તો IPL 2027 પહેલાં ટીમના સૌથી મોટા સવાલનો જવાબ મળી શકે છે.
આ પણ વાંચો: IPL 2027: ‘અંડરડોગ’ બનીને ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ! ઉથપ્પાએ કહ્યું- હવે વિશ્વાસ જીતવો પડશે
