ભાવનગર શહેરના ગીતાચોક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના મોબાઈલમાં અજાણ્યા શખ્સે વ્હોટ્સએપ અને SMS દ્વારા ‘ઈ-ચલણ વાહન’ નામની APK ફાઈલ મોકલી હતી. આ ફાઈલ ઓપન કરતાની સાથે જ ગઠિયાએ મોબાઈલનો એક્સેસ મેળવી તેમના બેંક ખાતામાંથી ચાર અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફત ₹2.33 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. આ અંગે ભોગ બનનાર યુવકે ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. કાર પર ₹1નું ચલણ બાકી બતાવ્યું અને ગૂગલ-પેથી પેમેન્ટ કરાવ્યા બાદ મોબાઈલ હેક કર્યો
ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ભાવનગરના ગીતાચોક સ્થિત જવાહર કોલોનીના ધર્મનાથ ફ્લેટમાં રહેતા અને દવાની એજન્સીમાં નોકરી કરતા 46 વર્ષીય રાકેશભાઈ બળવંતભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 17 નવેમ્બર, 2026ના રોજ સાંજે અજાણ્યા શખ્સે તેમના મોબાઈલ પર ‘ઈ-ચલણ વાહન’ નામે ટેક્સ્ટ મેસેજ અને વ્હોટ્સએપ પર APK ફાઈલની લિંક મોકલી હતી. રાકેશભાઈએ આ લિંક ખોલતા તેમની કાર (નં. GJ-01-KC-9294) પર ₹1નું ચલણ બાકી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેથી તેમણે ગૂગલ-પે દ્વારા ₹1નું ચલણ ભર્યું હતું. ત્યારબાદ રાત્રે તેમણે SMSમાં આવેલી લિંક પણ ઓપન કરી હતી. બેંક ઓફ બરોડાના ખાતામાંથી ₹2,33,475 ઉપડી ગયા
લિંક ઓપન કર્યા બાદ તા. 18 નવેમ્બર, 2026ની રાત્રિના સમયે અજાણ્યા શખ્સે તેમના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો અને તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી અલગ-અલગ ચાર ટ્રાન્ઝેક્શન કરીને કુલ ₹2,33,475.35 ઉપાડી લઈ સાયબર ફ્રોડ આચર્યો હતો. આ બનાવ સંદર્ભે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS એક્ટની કલમ 318(2), 319(2) તેમજ આઈટી એક્ટની કલમ 43(A), 43(F), 66(c) અને 66(d) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં માત્ર ₹1નું ઈ-ચલણ ભરવું યુવકને પડ્યું ભારે:‘ઈ-ચલણ વાહન’ APK ફાઈલ ઓપન કરતા જ મોબાઈલ હેક, બેંક એકાઉન્ટમાંથી ₹2.33 લાખ ઉપડી ગયા
📅 Published: November 22, 2026 |
📂 Category: gujarati-news
