India News: નેપાળના PM બાલેન શાહને મળ્યા વિદેશમંત્રી એસ. જયશંકર, બંને દેશોની મિત્રતા પર થઈ ચર્ચા

📅 Published: November 22, 2026 | 📂 Category: India National

નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારતની પ્રથમ રાજકીય મુલાકાત દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરે રવિવારે નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ભારત અને નેપાળ વચ્ચેના ગાઢ સંબંધો તથા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા થઈ હતી. જયશંકરે જણાવ્યું હતું કે ભારત નેપાળ સાથેની પોતાની વિશેષ અને ગાઢ મિત્રતાને ખૂબ મહત્ત્વ આપે છે. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નવી દિલ્હીની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન બાલેન શાહને મળીને આનંદ થયો. 

ભારત-નેપાળની બહુપક્ષીય ભાગીદારી મજબૂત કરવા પર ભાર

તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન શાહ વચ્ચે યોજાનારી બેઠક અંગે પણ ઉત્સુકતા વ્યક્ત કરી હતી.ભારતના વિદેશ મંત્રાલયે પણ બાલેન શાહની મુલાકાતને આવકારી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે.નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે શુક્રવારે જણાવ્યું હતું કે બાલેન શાહ અને વડાપ્રધાન મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. આ દરમિયાન બંને દેશોને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ઊર્જા, વેપાર અને કનેક્ટિવિટી પર રહેશે ખાસ ધ્યાન

વડાપ્રધાન મોદી અને બાલેન શાહ વચ્ચે સોમવારે યોજાનારી બેઠકમાં ઊર્જા, વેપાર, કનેક્ટિવિટી, પરિવહન અને માળખાગત સુવિધાઓના વિકાસ જેવા મુદ્દાઓ મુખ્ય રહેવાની શક્યતા છે.બંને નેતાઓ ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાંની સમીક્ષા કરશે. આ ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન થવાની અપેક્ષા છે.બાલેન શાહે આ વર્ષે માર્ચમાં નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા ન્યૂયોર્ક ગયા હતા. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો અને પરસ્પર હિતના મુદ્દાઓ પર સહયોગ આગળ વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ India News : લોકશાહીમાં સંસ્થાઓના નિર્ણયોની ટીકા કરવાનો અધિકાર, આખી સંસ્થાને નિશાન બનાવવી ખોટી: CJI સૂર્યકાંત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *