પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ મલિકે રવિવારે આતંકવાદના મુદ્દે કહ્યું કે ભારત અને પાકિસ્તાન પોતાના-પોતાના પુરાવા લઈને આવે અને આ અંગે વાતચીત કરે. દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે તમામ જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ ભારતે પહેલાં ઔપચારિક આમંત્રણ આપવું પડશે. તેમણે કહ્યું કે ભારત તરફથી તેમને અત્યાર સુધી દ્વિપક્ષીય વાતચીતનું આમંત્રણ મળ્યું નથી. તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારત આવ્યા છે. ‘આતંકવાદથી પાકિસ્તાનને પણ નુકસાન થયું’ આતંકવાદ અંગે સવાલ પૂછવામાં આવતા મલિકે કહ્યું કે આ મુદ્દે પુરાવાઓના આધારે વાતચીત થવી જોઈએ. તેમણે દાવો કર્યો કે આતંકવાદથી પાકિસ્તાનને પણ નુકસાન થયું છે અને તેના હજારો નાગરિકોના જીવ ગયા છે. મલિકે કહ્યું કે પાકિસ્તાને અનેક વખત જુદા જુદા મંચો પર આતંકવાદના મુદ્દે વાતચીતની ઓફર કરી છે. તેમના કહેવા મુજબ, ભારત અને પાકિસ્તાન આ મુદ્દે દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે. આ ઉપરાંત, અનેક દેશોની હાજરીમાં પણ આ અંગે ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું, ‘તમે તમારા પુરાવા લઈને આવો અને અમે અમારા પુરાવા લઈને આવીશું.’ સિંધુ જળ સંધિ પર પણ ચર્ચાની વાત કરી મલિકને સિંધુ જળ સંધિ અંગે આપેલા તેમના જૂના નિવેદનને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો. તેમણે કહ્યું કે ભારતે અત્યાર સુધી આ મુદ્દે વાતચીત માટે બોલાવ્યું નથી. જો ભારત ચર્ચાનો પ્રસ્તાવ આપે છે, તો પાકિસ્તાન તેના માટે તૈયાર છે. વાસ્તવમાં, ભારતે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. તેના વિરોધમાં મલિકે જૂનમાં ધમકી આપતાં કહ્યું હતું;- જો કોઈ અમારા હિસ્સાના પાણી પર હાથ નાખવાનો પ્રયાસ કરશે, તો અમે તેનો હાથ કાપી નાખીશું. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર કોઈ પાકિસ્તાની મંત્રી ભારત આવ્યા પાકિસ્તાનના જળવાયુ મંત્રી મુસાદિક મસૂદ મલિક 20થી 22 નવેમ્બર દરમિયાન ભારતના પ્રવાસે આવ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં યોજાયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભારતે SCOના સભ્ય હોવાના નાતે પાકિસ્તાનને આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. આ માટે ગયા મહિને પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસા અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખિચીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ આ પહેલી વાર હતું, જ્યારે પાકિસ્તાનના કોઈ મંત્રી ભારત આવ્યા હોય. આ પહેલાં મે 2023માં પાકિસ્તાનના તત્કાલીન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી SCOની બેઠકમાં ભાગ લેવા ગોવા આવ્યા હતા.
પાકિસ્તાની મંત્રીએ કહ્યું-આતંકવાદ પર ભારત પુરાવા આપે, અમે પણ આપીશું:દિલ્હીમાં કહ્યું- વાતચીત માટે તૈયાર, પરંતુ આમંત્રણ મળ્યું નથી
📅 Published: November 22, 2026 |
📂 Category: International
