વિચારો, મહિનાની પહેલી તારીખ છે. વહેલી સવારે મોબાઇલ પર પગાર જમા થવાનો મેસેજ આવે છે. હવે આ જ પૈસાથી ઘરનું ભાડું ચૂકવવાનું છે, EMI ભરવાનો છે, વીજળીનું બિલ ચૂકવવાનું છે અને આખા મહિનાનું કરિયાણું પણ ખરીદવાનું છે. તમે ભાડું મોકલવા માટે UPI ખોલો છો, પરંતુ પેમેન્ટ થતું નથી. ફરી પ્રયાસ કરો છો, તેમ છતાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે. પહેલા લાગે છે કે કદાચ ઇન્ટરનેટમાં કોઈ સમસ્યા છે. પરંતુ બેંકનો મેસેજ વાંચતાં જ કપાળ પર ચિંતાની રેખાઓ દેખાવા લાગે છે. ખબર પડે છે કે KYC અપડેટ ન હોવાને કારણે ખાતા પર કેટલીક સર્વિસ બંધ કરી દેવામાં આવે છે. બેંકો સમયાંતરે ગ્રાહકોની ઓળખ અને સરનામા સંબંધિત માહિતી અપડેટ કરે છે. આ માટે ગ્રાહકોને જાણ પણ કરવામાં આવે છે. પરંતુ ઘણી વાર લોકો આ મેસેજને અવગણી દે છે અથવા KYC અપડેટ કરાવવાની પ્રક્રિયાને ટાળતા રહે છે. તેની અસર તેમના બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર પડી શકે છે. તેથી આજે ‘તમારા પૈસા’ માં આપણે KYC અપડેશન વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- જિતેન્દ્ર સોલંકી, નાણાકીય સલાહકાર, ગાઝિયાબાદ સવાલ- KYC શું હોય છે? જવાબ- RBI મુજબ, KYC એટલે ‘નો યોર કસ્ટમર’ એક એવી પ્રક્રિયા છે, જેમાં બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થા ગ્રાહકની ઓળખ, સરનામું, કામકાજ અને આર્થિક સ્થિતિ સંબંધિત માહિતી મેળવે છે. ત્યારબાદ આ માહિતીની ચકાસણી કરીને એ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકની ઓળખ સાચી છે. સવાલ- બેંકો KYC અપડેટ કેમ કરાવે છે? જવાબ- કારણ કે ગ્રાહકની ઓળખ અને સરનામા સંબંધિત માહિતી સાચી અને અપડેટેડ રહે. તેનાથી બેંક એ સુનિશ્ચિત કરી શકે છે કે ખાતાનો ઉપયોગ કાયદેસર કામો માટે થઈ રહ્યો છે. તેની પાછળ આ મુખ્ય કારણો છે- ગ્રાહકની માહિતી અપડેટ રાખવી સરનામું, નામ અથવા અન્ય વ્યક્તિગત માહિતીમાં ફેરફાર થાય ત્યારે બેંકના રેકોર્ડને યોગ્ય રાખવા. બનાવટી ખાતાઓ પર રોક કોઈ અન્ય વ્યક્તિની ઓળખ પર ખાતું ખોલવા અને તેનો દુરુપયોગ કરવાથી રોકવું. મની લોન્ડરિંગ રોકવું ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને બેંકિંગ સિસ્ટમ દ્વારા છુપાવવા અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા પર નજર રાખવી. નાણાકીય છેતરપિંડી રોકવી બનાવટી ઓળખ અને શંકાસ્પદ લેવડદેવડ દ્વારા થતી છેતરપિંડીનું જોખમ ઘટાડવું. કાનૂની નિયમોનું પાલન RBI અને મની લોન્ડરિંગ નિવારણ સંબંધિત નિયમો હેઠળ ગ્રાહકોની માહિતીની ચકાસણી કરવી. સવાલ- શું KYC અપડેટ ન કરાવવાથી બેંક ખાતું ફ્રીઝ કરી શકે છે? જવાબ- હા, KYC અપડેટ ન કરાવવાથી બેંક તમારા ખાતાના સંચાલન પર રોક લગાવી શકે છે. જોકે, KYCની નિયત તારીખ પસાર થતાં જ બેંક સીધું ખાતું ફ્રીઝ કરી શકતી નથી. RBIના નિયમો મુજબ, બેંકે સૌપ્રથમ ગ્રાહકને KYC અપડેટ કરાવવા માટે સૂચના અને રિમાઇન્ડર આપવા પડે છે. તેમ છતાં જો ગ્રાહક KYC અપડેટ કરાવતો નથી, તો બેંક તબક્કાવાર રીતે ખાતા પર પ્રતિબંધો મૂકી શકે છે. સવાલ- પાર્શિયલ ફ્રીઝિંગ અને ફુલ ફ્રીઝિંગ વચ્ચે શું તફાવત છે? જવાબ- KYC અપડેટ ન કરાવવાથી બેંક ખાતાના સંચાલન પર પ્રતિબંધો મૂકી શકે છે. આ પ્રતિબંધો કેટલા કડક હશે, તે બેંક દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર આધાર રાખે છે. તેને મુખ્યત્વે બે પરિસ્થિતિઓથી સમજી શકાય છે. પહેલી પાર્શિયલ ફ્રીઝિંગ અને બીજી ફુલ ફ્રીઝિંગ. બંને વચ્ચેનો તફાવત ગ્રાફિક દ્વારા સમજો- સવાલ- શું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા પછી પણ તેમાં સેલરી, પેન્શન, સરકારી સબસિડી અને DBTના પૈસા આવી શકે છે? જવાબ- આ ખાતા પર લાગુ પ્રતિબંધો પર નિર્ભર કરે છે. જો બેંકે માત્ર પૈસા ઉપાડવા પર રોક લગાવી હોય, તો રકમ ખાતામાં જમા થઈ શકે છે. પરંતુ ખાતાધારક તેને ઉપાડી કે ઉપયોગમાં લઈ શકશે નહીં. બીજી તરફ, જો ખાતામાં પૈસા જમા કરવા પર પણ રોક હોય, તો ચુકવણી અટકી શકે છે અથવા પરત આવી શકે છે. સવાલ- KYC અપડેટ કરાવવા પહેલાં બેંક કેટલી નોટિસ આપે છે? જવાબ- RBIના નિયમો મુજબ, બેંકે KYC અપડેટ કરાવવા માટે ગ્રાહકને ઓછામાં ઓછા 6 વખત જાણ કરવી જરૂરી છે. આ બંને તબક્કામાં ઓછામાં ઓછા એક વખત ગ્રાહકને જાણ કરવી જરૂરી છે. બેંક SMS, ઈમેલ અને અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા સૂચના આપી શકે છે. બેંકે આ સૂચનાઓનો રેકોર્ડ પણ જાળવી રાખવો પડે છે. સવાલ- શું KYC અપડેટ ન થવાથી ATM, UPI, નેટ બેંકિંગ અને ચેકથી પેમેન્ટ બંધ થઈ શકે છે? જવાબ- હા, KYC અપડેટ ન કરાવવાથી બેંક ખાતામાંથી થતા વ્યવહારો પર રોક લગાવી શકે છે. તેની અસર આ સેવાઓ પર પડી શકે છે- ATM: કેશ ઉપાડવામાં અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. UPI: ગૂગલ-પે, ફોનપે જેવી એપ આધારિત ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થઈ શકે છે. નેટ બેંકિંગ: બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા અને બિલ પેમેન્ટ જેવી સુવિધાઓ બંધ થઈ શકે છે. ચેક: ખાતામાંથી પેમેન્ટ પર રોક હોવાના કારણે ચેક બાઉન્સ થઈ શકે છે. સવાલ- KYC અપડેટ કરવાની પ્રક્રિયા શું છે? જવાબ- તેને પોઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- KYC અપડેટ કરાવવાની ઑનલાઇન અને ઑફલાઇન પ્રક્રિયા સમજાવો? જવાબ- ઓનલાઇન પ્રક્રિયામાં ઘર બેઠાં મોબાઇલ અથવા કમ્પ્યુટરથી KYC અપડેટ કરી શકાય છે, જ્યારે ઑફલાઇન માટે બેંકની શાખામાં જવું પડે છે. બંનેની પ્રક્રિયા નીચેના ગ્રાફિકથી સમજો- સવાલ- KYC અપડેટ માટે કયા દસ્તાવેજો જરૂરી છે? જવાબ- KYC અપડેટ કરાવવા માટે બેંકમાં કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પડે છે. ગ્રાફિકમાં તેની યાદી જુઓ- સવાલ- બેંકે નોટિસ આપ્યા વગર અકાઉન્ટ ફ્રીઝ કર્યું હોય તો ક્યાં ફરિયાદ કરવી? જવાબ- આ માટે આ પગલાં લો- 1. બેંકની શાખામાં ફરિયાદ કરો સૌપ્રથમ શાખા મેનેજરને લેખિત ફરિયાદ આપો અને અકાઉન્ટ ફ્રીઝ કરવાનું કારણ પૂછો. 2. બેંકના નોડલ અધિકારીનો સંપર્ક કરો સમાધાન ન મળે તો બેંકના ફરિયાદ નિવારણ અધિકારી અથવા નોડલ અધિકારીને ફરિયાદ મોકલો. 3. RBIમાં ફરિયાદ કરો બેંકમાં ફરિયાદ કર્યા બાદ 30 દિવસ પછી પણ જવાબ ન મળે અથવા જવાબથી સંતોષ ન થાય, તો RBIના ફરિયાદ પોર્ટલ cms.rbi.org.in અથવા હેલ્પલાઇન નંબર 14448 પર ફરિયાદ નોંધાવી શકો છો. 4. ગ્રાહક મંચ બેંકની સેવામાં ખામીના આધારે ગ્રાહક આયોગમાં પણ ફરિયાદ કરી શકાય છે. તેના માટે ‘ઈ-જાગૃતિ’ પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે. સવાલ- KYC અપડેટ કર્યા પછી એકાઉન્ટ ચાલુ થવામાં કેટલો સમય લાગે છે? જવાબ- સામાન્ય રીતે તેમાં થોડા કલાકોથી લઈને 2-3 કામકાજના દિવસો સુધીનો સમય લાગી શકે છે. જોકે, આ બેંકની ચકાસણી પ્રક્રિયા અને ખાતા પર લાગેલી પાબંદીઓ પર આધાર રાખે છે.
………………………… ગ્રાફિક્સ: વિપુલ શર્મા
