સહકારી ક્ષેત્રની ચર્ચાસ્પદ બનેલી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપની ‘વિકાસ પેનલ’ અને કોંગ્રેસની ‘સંગર્ષ સમિતિ પેનલ’ વચ્ચે બંને પક્ષના 15-15 ઉમેદવારો સામસામે હોવાથી ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો હતો. ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં બેંકના અંદાજે 7000 સભાસદો પૈકી 4700 થી વધુ સભાસદોએ પોતાના મતદાનનો હક્ક અદા કર્યો હતો.
વિકાસ પેનલની શાનદાર જીત અને કોંગ્રેસની હાર
મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવેલા પરિણામોમાં ભાજપની વિકાસ પેનલનો દબદબો જોવા મળ્યો હતો. વિકાસ પેનલે શાનદાર દેખાવ કરતા તમામ 15 એ 15 બેઠકો પર વિજય મેળવીને ચૂંટણીમાં ‘ક્લીન સ્વીપ’ કર્યો હતો. આ સામે કોંગ્રેસ સમર્થિત સંઘર્ષ સમિતિ પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ હતી.
તરસાડી-કોસંબાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બેંક
તરસાડી અને કોસંબા વિસ્તારના નાના-મોટા વેપારીઓ તથા નાગરિકો માટે આર્થિક લેણદેણ અને વ્યવસાયિક સહાય બાબતે આ બેંક હંમેશાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. બેંકની આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં ભાજપની પેનલની ભવ્ય જીત થતાં સમર્થકો અને કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી હતી.

વિજય સરઘસ અને ઉજવણી
ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપની વિકાસ પેનલ અને વિજયી ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકોએ ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડીને આ જીતની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: Surat News: 4 વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો હવે નથી લાગતો, જૂથવાદ મુદ્દે ધારાસભ્ય મુકેશ પટેલ નારાજ
