સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સાધનો ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી:લુન્સીકુઈ મેદાનમાં નવીનીકરણની ધીમી કામગીરી સામે રમતગમત મંડળોનો રોષ , અન્ય કાર્યક્રમ માટે મેદાન નહીં ફાળવવા તાકીદ

📅 Published: November 24, 2026 | 📂 Category: gujarati-news

નવસારી શહેરના એકમાત્ર ઐતિહાસિક લુન્સીકુઈ મેદાન અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વહેલી તકે રમતવીરો તથા શહેરીજનો માટે ખુલ્લું મૂકવાની માંગ સાથે વિવિધ રમતગમત મંડળો દ્વારા નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયરને આવેદનપત્ર પાઠવાયું છે. ઇન્ચાર્જ મેયર કેયૂરી દેસાઈને લેખિતમાં કરી રજૂઆતમાં જણાવાયું છે કે, નવિનીકરણની અત્યંત ધીમી કામગીરીને કારણે દિવાળી વેકેશનમાં બાળકો અને યુવાનો રમતગમતથી વંચિત રહ્યા છે. શિયાળાની ઋતુ શરૂ થઈ રહી હોવાથી વહેલી સવારે વ્યાયામ કરતા નગરજનો અને સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનોને મેદાનની તાતી જરૂરિયાત છે. પારસી દાતા દ્વારા આ મેદાન માત્ર રમતગમત માટે જ દાનમાં અપાયું હોવાથી, ભૂતકાળના ઠરાવ મુજબ તેને અન્ય કોઈ કાર્યક્રમો માટે ન ફાળવવા ખાસ અનુરોધ કરાયો છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં બેડમિન્ટન કોર્ટનું ફ્લોરિંગ, એક્ઝોસ્ટ ફેન, ટી.ટી. ટેબલ, યોગા રૂમ અને કરાટે-તાઈકવોન્ડોના સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ બેઝમેન્ટમાં પડેલી જપ્ત લારીઓ અને બેનરો હટાવી સ્વચ્છ કરવા માંગ ઉઠી છે. આ પ્રસંગે લુન્સીકુઈ મેદાન અને પેવેલિયન બચાવ સમિતિ, ઉત્કર્ષ મંડળ અને લુન્સીકુઈ ક્રિકેટ ક્લબ વતી ડો. રૂસ્તમ સદરી, ડો. મયુર પટેલ, કેરસી દેબુ અને હરેશભાઈ વશી સહિતના અગ્રણીઓએ રજૂઆત કરી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પણ નકલ રવાના કરી હતી. મેદાન મુદ્દે ફાયદા અને ગેરફાયદા
રમતગમત માટે મેદાન ફાળવવાથી યુવાનોને કયા કયા ફાયદા થશે
રમતવીરોને પ્રોત્સાહન: મેદાન અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સુવિધાઓ સુધરવાથી સ્થાનિક ખેલાડીઓ, બાળકો અને પોલીસ-આર્મી ભરતીની તૈયારી કરતા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળશે.
મેદાનની જાળવણી: માત્ર રમતગમત માટે જ ફાળવણી થવાથી મેદાનની સપાટી ખરાબ થતી અટકશે અને દાતાનો મૂળ હેતુ જળવાશે.
પ્રતિબંધથી મહાનગરપાલિકાને કયા કયા ગેરફાયદા
મહાનગરપાલિકાની આવક પર અસર: અન્ય સામાજિક, ધાર્મિક કે વ્યાપારી કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવાથી પાલિકાને ભાડાની આવક ગુમાવવી પડી શકે છે.
અન્ય આયોજકોને અગવડ: શહેરમાં મોટા જાહેર કાર્યક્રમો યોજવા માટે વૈકલ્પિક સ્થળની અછત સર્જાઈ શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *