ભાસ્કર એક્સક્લૂઝિવ:મનપાના સ્વભંડોળને ફટકો: પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ બંધ હોવાથી લાખોની આવક બંધ થઈ છે

📅 Published: November 24, 2026 | 📂 Category: gujarati-news

નવસારી શહેરમાં પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ વહીવટી અણઆવડતને કારણે જાહેરાત (હોર્ડિંગ્સ) થકી થતી લાખો રૂપિયાની આવક છેલ્લા 5 વર્ષથી સદંતર બંધ છે. એક તરફ મનપાના સ્વભંડોળને મોટો ફટકો પડી રહ્યો છે, તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સનો રાફડો ફાટ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ સોમવારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કલેક્ટર ગુરવાનીએ મનપાને તાત્કાલિક અસરથી ચોક્કસ ‘હોર્ડિંગ્સ પોલિસી’ બનાવવા કડક સૂચના આપી છે. ભૂતકાળમાં નગરપાલિકાના સમયમાં શહેરના મુખ્ય માર્ગો પર હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટ આપી તગડી આવક ઊભી કરાતી હતી પરંતુ છેલ્લા 5 વર્ષથી કોઈ કોન્ટ્રાક્ટ અપાયો નથી. પરિણામે, મનપાની માલિકીની જગ્યાઓ પર ખાનગી એજન્સીઓ, સંસ્થાઓ અને રાજકીય પક્ષો મફતમાં પોતાના બેનરો લગાવી રહ્યા છે. આ ઉપરાંત, ખાનગી મિલકતો પર પણ સુરક્ષાના કોઈ જ માપદંડો વિના આડેધડ હોર્ડિંગ્સ ખડકી દેવાયા છે, જેના કારણે અગાઉ હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. કોરોના કાળના વિવાદ બાદ આવકનું ચક્ર અટક્યું ​
કોરોના મહામારી પહેલાં પાલિકા દ્વારા ખાનગી પાર્ટીઓને હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટ અપાતા હતા. જોકે, કોરોના સમયે વસૂલાત (રિકવરી) બાબતે કોન્ટ્રાક્ટર સાથે વિવાદ થયો હતો. ત્યારથી આજદિન સુધી નવા કોન્ટ્રાક્ટ અપાયા નથી, જેની સીધી અસર મનપાના સ્વભંડોળની આવક પર પડી રહી છે. સ્ટ્રીટ લાઈટ પોલ પર પણ મફતનો ‘પ્રચાર’
​હોર્ડિંગ્સની જેમ જ શહેરના માર્ગો પર આવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા (કિઓસ્ક બોર્ડ) પર જાહેરાત મૂકવાના કોન્ટ્રાક્ટ પણ લાંબા સમયથી બંધ છે. એકાદ વખત ટેન્ડર બહાર પાડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. હાલમાં આ લાઈટ પોલ પર પણ ગેરકાયદે જાહેરાતો લગાવી દેવાય છે, જેને તંત્ર માત્ર ફરિયાદ આવે ત્યારે જ ઉતારીને સંતોષ માને છે.
આવક અને સુરક્ષાને ધ્યાને રાખી સંયુક્ત નીતિ બનશે
મનપા બન્યા બાદ આજથી 8 મહિના અગાઉ હોર્ડિંગ્સની આવક શરૂ કરવા પ્રયત્ન કરાયો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરોને ભાવ વધુ લાગતા ટેન્ડર પ્રક્રિયા આગળ વધી શકી ન હતી. હવે કલેક્ટર સાહેબની સૂચના મુજબ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની પોલિસીનો અભ્યાસ કરી એક સંયુક્ત નીતિ તૈયાર કરવામાં આવશે, જેમાં આવકની સાથે-સાથે નાગરિકોની સુરક્ષાના નિયમો પણ કડક બનાવાશે. > ગૌરાંગ વસાણી, ડેપ્યુટી કમિશનર, નવસારી મનપા મહાપાલિકા વિસ્તારમાં હોર્ડિંગ્સ માટેની લાગુ, સૂચિત નીતિ
નવસારી જિલ્લામાં ઠેર ઠેર આ સ્થિતિ‎
નવસારી જિલ્લામાં મનપા જેવી હાલના તબક્કે સ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ મસમોટા હોર્ડિંગ્સ લગાવી દેવાયા છે પરંતુ તે અંગે ચોક્ક્સ ધારાધોરણ જળવાતા હોય તેવું લાગતું નથી. તે અંગે પણ તપાસ થાય તે જરૂરી બન્યું છે. નહીં તો તે હોર્ડિંગ્સ કોઈકનો જીવ લેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *