Ahmedabad: સાણંદ ચોકડી પર ટ્રાવેલ્સ બસ અને ઇકો કાર વચ્ચે ટક્કર; 4 લોકો ઈજાગ્રસ્ત, રોષે ભરાયેલા ટોળાએ બસના કાચ ફોડ્યા

📅 Published: November 24, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ જિલ્લાના બાવળા-સાણંદ ચોકડી પાસે આજે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની બસ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વૌઠાનો મેળો માણીને પરત ફરી રહેલા શિયાવાડા ગામના મુસાફરોની ઇકો કારને પૂરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે જોરદાર ટક્કર મારતા ઇકો કાર રસ્તા પર પલટી મારી ગઈ હતી, જેમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

સાણંદ ચોકડી પાસે બસ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

મળતી વિગતો અનુસાર, આ અકસ્માતનો બનાવ આજે વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાવળા-સાણંદ ચોકડી ખાતે બન્યો હતો. શિયાવાડા ગામના મુસાફરો વૌઠાનો ઐતિહાસિક મેળો માણીને ઇકો કારમાં સવાર થઈને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બગોદરા તરફથી નીકળીને અમદાવાદ તરફ જઈ રહેલી ગુજરાત ટ્રાવેલ્સની ખાનગી બસે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. બસની ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કાર પલટી ગઈ હતી અને કારમાં સવાર ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.

રોષે ભરાયેલા ટોળાએ બસના કાચ ફોડ્યા

વહેલી સવારે અકસ્માતનો અવાજ સંભળાતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને પલટી ગયેલી ઇકો કારમાં ફસાયેલા ચારેય ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.બીજી તરફ, બસચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ સાથે સ્થળ પર એકત્રિત થયેલી રોષે ભરાયેલી પબ્લિકે ખાનગી ટ્રાવેલ્સની બસ પર પથ્થરમારો કરીને બસના કાચ ફોડી નાખ્યા હતા. ટોળા દ્વારા બસના કાચ ફોડવામાં આવતા બસની અંદર બેઠેલા મુસાફરોને પણ કાચ વાગવાથી સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Anand: ખાઉધરા ગલી બહાર દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ લોહિયાળ અથડામણ; ચાકુ અને પાઇપના હુમલામાં 2 યુવકો ગંભીર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *